Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

જુનાગઢ જિલ્લામાં ૩ દિ'માં કોરોનાના ૩ર૬ નવા કેસઃ ૪ના મોત

જુનાગઢમાં ૭ર કલાકમાં ૧૭૩ કેસ નોંધાયા

જુનાગઢ તા. ૧૭ :.. જુનાગઢ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના નવા ૩ર૬ કેસ નોંધાયા છે. અને ૪ દર્દીના મૃત્યુ થતાં કોરોનાનું સંક્રમણ વધ્યુ છે.જુનાગઢ શહેર તેમજ જિલ્લામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાની રફતાર વધી છે. જિલ્લામાં ગત તા. ૧૩ એપ્રિલથી કોરોનાએ સ્પીડ પકડી છે. આ દિવસે ૧૧૩ કેસ નોંધાયા હતાં. કુલ કેસમાંથી ૬પ કેસ જુનાગઢ સીટીના જ હતાં. આ ર૪ કલાકમાં માણાવદરનાં એક કોવીડ દર્દીનું મૃત્યુ નિપજયું હતું.

બીજા દિવસે એટલે કે તા. ૧૪ એપ્રિલના રોજ જુનાગઢ જિલ્લાના ૧૦૬ કોરોના સંક્રમીત સામે આવેલ. જેમાં જૂનાગઢ શહેરમાં પ૪ નવા કોરોના દર્દીનો સમાવેશ થાય છે.

આ દિવસે એક સાથે બે મૃત્યુ નોંધાયા  હતાં. જેમાં જુનાગઢ અને વિસાવદરનાં એક -એક કોવીડ દર્દીએ સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લીધા હતાં.

ગઇકાલ તા. ૧પ એપ્રિલે જુનાગઢ જિલ્લામાં કોરોનાના નવા ૧૦૭ કેસ આવ્યા હતાં. કુલ કેસમાંથી જુનાગઢ સીટીમાં બીજા દિવસે પણ પ૪ કેસ નોંધાયા હતાં. ગુરૂવારે પણ એક કોવીડ દર્દીનાં કોરોનાએ પ્રાણ હરી લીધા હતાં. મેંદરડાનાં દર્દીનું મોત થવાથી અરેરાટી વ્યાપી ગઇ હતી.

આમ છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના કુલ ૩ર૬ નોંધાયા હતાં. જેની સામે ૧પર દર્દી સ્વસ્થ થયા હતાં. અને કુલ ૪ મૃત્યુ થયા હતાં.

જુનાગઢ શહેરમાં તા. ૧૩ થી ૧પ એપ્રિલ દરમ્યાન કુલ ૧૭૩ નગરજનો સંક્રમિત થયા હતાં. આ પ્રમાણે જુનાગઢ સીટીમાં પણ કોરોના ચરમસીમાએ પહોંચી ગયો છે.

(1:04 pm IST)