Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

મોરબીમાં સરકારી આંકડા મુજબ ૫ મૃત્યુ : ૧૧ મૃતદેહની અંતિમવિધિ

ઘરે ઘરે કોરોનાના દર્દીઓની સ્થિતિની વચ્ચે આજે પણ સરકારી ચોપડે માત્ર ૪૮ કેસ જ દર્શાવ્યાઃ સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૪૨૦૧ કેસમાંથી : ૩૪૫૧ સાજા થયા : જયારે આજે પણ વધુ ૫ દર્દીના મૃત્યુ સાથે કુલ ૨૮૨ના મોત, એકિટવ કેસ વધીને ૪૬૮ થયા, જયારે ફાયર વિભાગે આજે ૧૧ ડેડબોડીની અંતિમક્રિયા કરી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૬ : મોરબી જિલ્લામાં કોરોનાની બેકાબુ સ્થિતિ વચ્ચે પણ સરકારી તંત્રએ કોરોનાના આંકડા છુપાવાનો ખેલ ચાલુ જ રાખ્યો છે. આજે આરોગ્ય વિભાગે ૧૫ એપ્રિલ, ગુરુવારે સરકારી તંત્રએ જાહેર કરેલ વિગત મુજબ આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૨૬૯૭ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી માત્ર કુલ ૪૮ વ્યકિતના રિપોર્ટ જ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. જોકે મોરબી જિલ્લામાં કોરોનાના કેસોનો વાસ્તવિક આંકડો ખૂબ જ મોટો હોવાનું મનાઈ રહ્યું છે. કારણ કે અત્યારે ઘરે ઘરે કોરોનાના દર્દીઓ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સીટી સ્કેન સેન્ટરો અને હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે. પરંતુ મોરબીના તંત્રને કોરોના દેખાતો ન હોય તેમ સબ સલામત હોવાના આંકડા દર્શાવવામાં આવી રહ્યા છે. વાસ્તવિક રીતે મોરબી જિલ્લામાં રોજના સેંકડો નવા કેસ આવી રહ્યા છે. ત્યારે સરકારી આંકડાની માયાજાળમાં પડ્યા વગર લોકો કોરોના બાબતે વધુ જાગૃત થાય તે અત્યંત જરૂરી છે. હાલમાં મોરબીની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવાની પણ જગ્યા નથી.

જયારે પણ મોરબી જિલ્લામાં સરકારી આંકડા મુજબ વધુ ૫ કોરોના દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે. જોકે નિર્ભર સરકારી તંત્ર દ્વારા સત્ત્।ાવાર આજે પણ મોરબી જિલ્લામાં એક પણ કોવિડ ડેથ જાહેર કર્યું નથી.

જયારે સરકારી આંકડા મુજબ પાંચ કોરોના દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. પરંતુ કોરોનાના દર્દીઓના મૃતકોની કોરોના ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરતી મોરબીની ફાયર વિભાગની ટીમ દ્વારા આજે કુલ ૧૧ ડેડબોડીની અંતિમવિધિ કરી હતી.

સરકારી વિભાગે જાહેર કરેલા નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી ૧૫, મોરબી ગ્રામ્ય ૦૯, વાંકાનેર સીટી ૦૪, વાંકાનેર ગ્રામ્ય ૦૨, હળવદ સીટી ૦૬, હળવદ ગ્રામ્ય ૦૪, ટંકારા સીટી ૦૦, ટંકારા ગ્રામ્ય ૦૪, માળીયા સીટી ૦૦, માળીયા ગ્રામ્ય ૦૪, આજના જિલ્લાના કુલ નવા કેસ ૪૮, આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત, મોરબી તાલુકામાં ૧૦, વાંકાનેર તાલુકામાં ૦૧, હળવદ તાલુકામાં ૦૨, ટંકારા તાલુકામાં ૦૧, માળીયા તાલુકામાં ૦૨, આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ ૧૬ થયા છે.

આરોગ્ય વિભાગ મુજબ અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એકિટવ કેસ ૪૬૮, કુલ ડિસ્ચાર્જ કેસ ૩૪૫૧, મૃત્યુઆંક ૧૯ (કોરોનાના કારણે) ૨૬૩ (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ ૨૮૨, કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ ૪૨૦૧ નોંધાયા છે.

મોરબીમાં આરટીપીસીઆર રિપોર્ટ ન હોય તો પણ મળશે રેમડેસીવિર જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૬ : છેલ્લા ઘણા દિવસોથી મોરબી જિલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે રેમડીસીવીર ઈન્જેકશન મેળવવા માટે દર્દીના સગા હેરાન થતાં હતા જેથી કરીને મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દ્વારા આ મુદે મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી જેને ધ્યાનમાં રાખીને આરટીપીસીઆર રિપોર્ટ ન હોય તેઓ પણ રેમડેસીવીર ઈન્જેકશન મળી શકશે તેવું જાહેર કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે સમયસર રેમડીસીવીર ઈન્જેકશન મળે તે જરૂરી હતું જેથી કરીને મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલને ત્રેના માટેની રજુઆત કરી હતી જેને ધ્યાનમાં રાખીને સરકારે અગાઉ રેમડેસીવીર ઈન્જેકશન મેળવવા માટે આરટીપીસીઆર રિપોર્ટ ફરજીયાત કર્યો હતો તેમાંથી સરકારે હાલમાં મુકિત આપેલ છે જેથી કરીને મોરબી જીલ્લામા હવે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે આરટીપીસીઆર રિપોર્ટ ન હોય તેઓ પણ રેમડેસીવીર ઈન્જેકશન મળી શકશે તેવું મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યુ છે.

જનતાની વચ્ચે કાંતિભાઈ અમૃતિયા

કોરોનાની મહામારી વચ્ચે ગુજરાત સરકારના યશસ્વી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા કર્મઠ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ મોરબી પધાર્યા અને તાકીદની જે જાહેરાતો કરી તેનું ત્વરિત અમલીકરણ થાય તે માટે મોરબી પૂર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા પ્રયત્નશીલ છે.

તાજેતરમાં જ તેઓએ ખાખરેચી, જુના ઘાંટીલા, માળીયા(મી.) સરવડ, વવાણીયા, રંગપર, જેતપર(મ.) ભરતનગર, ખાખરાળા વિ. ગામોના પીએચસી, સીએચસી વિ. ની મુલાકાતો લઈ ખૂટતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા દરેક જગ્યાઓએ ૨૫૦૦૦ અનુદાન આપ્યું અને જરૂરિયાત મુજબની ખૂટતી દવાઓ તેઓના તરફથી આપવા જણાવ્યું છે. જે પૈકી વવાણીયા મુકામે જરૂર જેટલી દવા પુરી પાડવામાં આવી છે.

જનતા સાથે સીધો જ અંતરનો, દિલનો, પ્રેમનો, આત્મીયતાનો સંબંધ ધરાવતા કાંતિભાઈ અમૃતિયા આપત્ત્િ।ના સમયમાં હંમેશા જનતાની સાથે જ પ્રજાની વચ્ચે જ રહ્યા છે જેનું આ એક વધુ ઉદાહરણ છે.

વવાણીયાની હાઇસ્કૂલમાં કોવિડ કેર આઇસોલેશન સેન્ટર શરૂ થયું

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૬ : વવાણીયાની હાઈસ્કૂલમાં પીએચસી હસ્તક જયદીપ એન્ડ કું. ના સહયોગથી કોવિડ કેર આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

જયદીપ એન્ડ કંપની વવાણીયા-મોરબીના સૌજન્યથી વવાણીયાની હાઈસ્કૂલમાં કોવિડ કેર આઇસોલેશન સેન્ટર શરૂ કરાયું છે. આ સેન્ટર પીએચસી હસ્તક સંચાલિત થનાર છે. અહીં સાત્વિક ભોજન, નાસ્તો, ફ્રુટ, દવાઓ સહિતની સેવા જયદીપ એન્ડ કંપનીના સહયોગથી પુરી પાડવામાં આવશે. ઉકત સેન્ટરનો પ્રારંભ માળીયાના મામલતદાર પરમારના હસ્તે કરવામાં આવ્યો હતો.

આ કાર્યમાં વવાણીયા ગામના સરપંચ અશ્વિનસિંહ પરમાર, રમેશભાઈ ખાદા, આમદભાઈ પટેલ સહિતના સેવા આપી રહ્યા છે. હોમ આઇસોલેશનમાં જરૂરી હોય એવી તમામ સવલતો જયદીપ એન્ડ કંપનીના જયૂભા ઉદયસિંહ જાડેજા, દિલુભા ઉદયસિંહ જાડેજા પુરી પાડી રહ્યા છે. કોઈપણ જ્ઞાતિના દર્દીઓ અહીં આઇસોલેશન હેઠળ દાખલ થઈ શકે છે. વધુ માહિતી માટે ગામના સરપંચ અશ્વિનસિંહ પરમારનો સંપર્ક મોબાઈલ નંબર ૯૯૧૩૦૫૨૦૦૯ પર કરી શકાય છે.

મોરબી કોરોનાના પગલે વકીલો તા. ૩૦ સુધી કોર્ટ કાર્યવાહીથી અળગા રહેશે માત્ર અરજન્ટ કામગીરી માટે જ કોર્ટ કેમ્પસમાં પ્રવેશ : બાર એસો.નો નિર્ણય

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૬ : મોરબી બાર એસોસિએશને કોરોનાના વધતા જતા કેસને પગલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે મુજબ આવતીકાલે શુક્રવારથી તા.૩૦ સુધી વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાના છે. માત્રને માત્ર અરજન્ટ કામગીરી માટે જ વકીલો કોર્ટ કેમ્પસમાં પ્રવેશસે.

મોરબી બાર એસો.એ ઠરાવમાં જણાવ્યું છે કે કોરોનાનું સંક્રમણ અટકાવવા તા.૧૬થી ૩૦ સુધજ વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે. બધા વકીલોને અનુરોધ કરવામાં આવે છે કે પોતાના પક્ષકારોને બિનજરૂરી ન બોલાવવા તેમજ અરજન્ટ કામગીરી સિવાય બીજા કાર્યોથી અળગા રહી કોર્ટ કામકાજ પયરૂ કરી કોર્ટ કેમ્પસ છોડી દયે.

વધુમાં જણાવાયુ છે કે નામદાર કોર્ટોને પણ વિનંતી કરવામાં આવે છે કે તા.૧૬થી ૩૦ સુધી વકીલોની ગેરહાજરી દરગુજર કરી આગળની કાનૂની કાર્યવાહી જે તે સ્ટેજે રાખવામાં આવે. વકીલો તેમજ પક્ષકારોની ગેરહાજરીમાં કોઈ કેસનો નિકાલ ન કરવા તેમજ ક્રિમિનલ કેસોમાં પક્ષકારો સામે વોરંટ જ કાઢવા અને દિવાની દાવાઓમાં યથાવત સ્થિતિ જાળવી રાખવા વિનંતી કરવામા આવે છે. માત્ર અરજન્ટ અને યુટીપી કાર્યવાહી જ શરૂ રહેશે.

મોરબીમાં બેકાબુ કોરોના સંક્રમણ અટકાવવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાની ઉચ્ચ અધિકારીઓ સાથે કરી બેઠક

મોરબી : મોરબીમાં કોરોના સંક્રમણને રોકવા તેમજ કોરોનાના પોઝીટિવ દર્દીઓને મોરબીમાં જ જરૂરી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા યુધ્ધના ધોરણે હાથ ધરવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને જરૂરી સૂચનાઓ આપી વહીવટી તંત્રને વ્યવસ્થાઓ પ્રોપર બનાવવા ખાસ તાકીદ કરી હતી.

મોરબીના પ્રભારી સચિવ મનીષાબેન ચાંદ્રા, કલેકટર જે.બી. પટેલ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી કેતન જોશી સાથેની બેઠકમાં રેમડેસીવીર ઇન્જેકશનો પૂરતા પ્રમાણમાં મળે, RT-PCR અને રેપિડ ટેસ્ટમાં પણ ગતિ આવે, સિવિલ હોસ્પિટલની હાલની બેડની ક્ષમતામાં વધારો કરવા અને કોવિડ સંલગ્ન ખાનગી હોસ્પિટલના દર્દીઓને દાખલ કરવા વધુ સુવિધાઓ ઉપલબ્ધ થાય તેના ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા માટે મેરજાએ વિચાર વિમર્શ કર્યો હતો.

મોરબી સિવિલ હોસ્પીટલમાં ઓકિસજન સાથેની બેડની સુવિધા વધારવા, મહાનગર પાલીકાઓની જેમ મોરબીમાં પણ કન્ટેન્ટમેન્ટ ઝોન પાડવા, દરરોજ મોરબીની સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં બેડની સંખ્યા, દર્દીઓની સારવાર અંગેની તત્કાળ માહિતી જવાબદાર અધિકારી દ્વારા લોકો સમક્ષ નિયમિત મુકાય, કાર્યરત હેલ્પલાઈનને વધુ સુસજ્જ કરી અપડેટેડ માહિતી હેલ્પલાઇન દ્વારા લોકોને મળી રહે એ બાબત પર મેરજાએ ભાર મુકયો હતો. રિજિયોનલ ડેપ્યુટી ડિરેકટર ડો. રૂપાલીને તાકીદ કરી હતી કે, મોરબી હોસ્પીટલમાં ઓકિસજનના નવા પોઇન્ટ ઊભા કરવા, બાયોમેડિકલ ઈજનેરની પણ સુવિધા ઉપલબ્ધ કરવી જરૂરી છે. સાથોસાથ મોરબી સરકારી હોસ્પીટલમાં ઓકિસજનની જરૂરિયાત માટે લિકિવડ ઓકિસજન ટેન્કની સુવિધા તાકીદે મંજૂર કરવી અનિવાર્ય છે એમ ભારપૂર્વક જણાવ્યું હતું.

આ ઉપરાંત ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ માળીયા (મીં) તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અંગે સંબંધિત ડોકટરો અને ક્ષેત્રિય અધિકારીઓએ સાથે સતત સંપર્કમાં રહી ખાખરેચી ખાતે પ્રાથમિક કુમાર અને કન્યા શાળામાં સ્થાનિક અગ્રણીઓ, દિનેશભાઈ પારજીયા સહિતના સહયોગથી ૨૦ બેડની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે તેમ જણાવ્યું હતું. સરવડ ગામે પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સ્થાનિક રહીશોના સૌજન્યથી શાળામાં ૧૬ બેડની વધુ સુવિધા ઊભી કરાયેલ છે. વવાણિયા ખાતે ઉચ્ચતર હાઈસ્કૂલમાં જયદીપ ગ્રુપ દ્વારા વધુ ૨૫થી ૫૦ સુધીના બેડની સુવિધા કાર્યરત થયેલ છે તેની માહિતી આપી હતી. વવાણિયા ખાતે દર્દીઓને જમવાની સુવિધા પણ ટિફિન દ્વારા રામબાઇના મંદિર દ્વારા ઉપલબ્ધ કરાયેલ છે જે આર્શિવાદરૂપ છે તેમ જણાવ્યું હતું. જૂના ઘાંટીલા ગામે પંચવટી વિસ્તારમાં જૈન ઉપાશ્રયમાં ૧૦ બેડ તેમજ માળીયા (મીં) ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત વધારાની ૨૦ બેડની સુવિધા માળીયા (મીં) પ્રોપરમાં ઉપલબ્ધ કરાવાય તે માટેની ગતિવિધિ તેજ બની હોવાનું ઉમેર્યું હતું. મોરબી સિવિલ હોસ્પીટલમાં વધારાના ૧૬૦૦ જેટલા રેમડેસીવીર ઇન્જેકશનો તાકીદે ઉપલબ્ધ કરાવવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સતત ફોલોઅપ કર્યું છે. જિલ્લાના પોલીસ વડા સુબોધ ઓડેડરાને રૂબરૂ મળીને કોરોના કફર્યુ અંતર્ગત લોકહિતમાં જરૂરી પરામર્શ પણ કર્યો હતો. મોરબીની કોરોના સંલગ્ન ખાનગી હોસ્પિટલના સંબધિત ડોકટરો સાથે પણ સતત સંપર્કમાં રહીને કોરોનાના પોઝીટિવ દર્દીઓને દાખલ કરવાથી માંડીને તેમની સાર સંભાળની ચિંતા પણ ધારાસભ્ય સેવી રહ્યા હોવાની માહિતી તેઓએ આપી હતી.

મોરબીના એકપણ કોરોનાના પોઝીટિવ દર્દીને મોરબી બહાર સારવાર લેવા જવું ન પડે તેવી સુવિધા વધુ વિકસાવવા કોર ગ્રુપની આ બેઠકમાં ધારાસભ્યએ ખાસ તાકીદ કરી હતી. મોરબીમાં સમસ્ત સતવારા સમાજ આઇસોલેશન સેન્ટર દ્વારા એમ.ડી. કક્ષાના ડોકટરોની સેવા સાથે કાર્યરત કોરોના સેન્ટરના રહેલા પોઝીટીવ દર્દીઓ માટે ડોકટરના પ્રિક્રિપ્શન ઉપર રેમડેસીવીર ઈન્જેકશનની સુવિધા મળે તેવી માંગણી પણ મંજૂર કરવા કલેકટરને જરૂરી ભલામણ પણ કરી હતી. મોરબી સરકારી હોસ્પીટલમાં સતત કાર્યરત રહેતા ડેપ્યુટી કલેકટર ઝાલા, ઓકિસજનનો જથ્થો પૂરો પાડતા જિલ્લા પુરવઠા અધિકારી શ્વેતા પટેલ, સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. સરડવા તથા સિવિલ સર્જન ડો. દૂધરેજીયા, સબંધિત તબીબી અધિકારીઓએ સાથે દર્દીઓના હિતમાં અને દર્દીઓના સગાને મુશ્કેલી ન પડે તે રીતે સહાયભૂત થવા પણ ધારાસભ્ય સતત જાગૃત રહીને સૂચનાઓ આપી રહ્યા છે તેવું એક યાદીના અંતમાં મેરજાએ જણાવ્યું હતું.

(1:00 pm IST)