Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

ધોરાજી પોલીસ સ્ટેશને શાંતિ સમિતિની બેઠક મળી

રમજાન માસ દરમિયાન નોનવેજની લારીઓ ઉભી રહે તે બાબતે રજુઆત : મંદિરની તેજુરી કોઇ અજાણ્યા છોકરાઓ તોડી જતા નાઇટ પેટ્રોલીંગ વધારવા રજુઆત

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા. ૧૬: ધોરાજીમાં હિંદુ-મુસ્લિમ તહેવારને અનુલક્ષી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં ઇન્સ્પેકટર હુકુમતસિંહ જાડેજા એ જણાવેલ કે હાલમાં હિન્દુ મુસ્લિમ બન્ને સમાજના તહેવારો આવતા હોય જેમાં ખાસ કરીને રમજાન માસ હોય ત્યારે મોડી રાત સુધી લોકો બહાર હોય છે અને ખાણીપીણીના સ્ટોલો પણ મોટી સંખ્યામાં ખુલ્લા હોય છે જે બાબતે હાલમાં કોરોના મહામારી ને ધ્યાનમાં રાખી વ્હેલા  સુઈ જાવની વિનંતી કરી હતી મોડી રાત સુધી જાગવું નહીં નિયમને ચુસ્ત પણે પાલન કરવા જણાવ્યું હતું તેમજ હિન્દુ સમાજના રામ નવમી તેમજ અન્ય તહેવારો આવતા હોય તેઓએ પણ સરકારની ગાઇડલાઇન અને નિયમ પ્રમાણે ધાર્મિક વિધિ રહેશે વધુ પડતા લોકો એકત્ર ન થાય તે બાબતનો પણ ભાર મૂકયો હતો.

ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ ના અગ્રણી કિશોરભાઈ રાઠોડ એ જણાવેલ કે ધોરાજીના સોની બજાર ખાતે આવેલ હનુમાનજીના મંદિરમાં ગઇકાલે રાત્રીના દાનપેટી તોડવામાં આવી છે જે સીસીટીવી ફૂટેજ જોતા ચારથી પાંચ છોકરા જે પંદર વર્ષથી પણના હોય તેવું જોવા મળી રહ્યું છે પરંતુ ધર્મસ્થાનો સલામત નથી તે બાબતની આ વિસ્તારમાંથી ફરિયાદ ઉઠી હતી જેથી તાત્કાલિક ગુનેગારોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરી હતી તેમજ જયારે જયારે તહેવારો આવે છે ત્યારે મા લક્ષ્મી શેરી સોની બજાર તેમજ પોસ્ટ ઓફિસ રોડ નાના વેપારીઓની દુકાનને નિશાન બનાવવામાં આવે છે દુકાનના બોર્ડ તોડી નાખવામાં આવે છે તેમજ બોર્ડ ઉપર લખેલી લાઈટો પણ તોડી નાખવામાં આવે છે જે બાબતે પોલીસે પણ આ બાબતે પેટ્રોલિંગ વધારી ને જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી તેમજ ધોરાજીના મેન બજાર ચકલા ચોક વિસ્તારમાંથી મોટી હવેલી પુષ્ટિ સંપ્રદાય તેમજ સ્વામિનારાયણ મંદિર અને મહા લક્ષ્મીજી મંદિર જવા માટે અહીંથી લોકો પસાર થાય છે ત્યારે રમજાન માસમાં આખો મહિનો નોનવેજ જાહેરમાં લારીઓ દ્વારા વેચવામાં આવે છે તે હિન્દુ સમાજની લાગણી ન દુભાય જેથી કરીને જાહેરમાં લારીઓ ન ઉભી રહે તેવી પણ પોલીસને વિનંતી કરી હતી.

આ સમયે મુસ્લિમ સમાજ વતી હમિદભાઈ ગોડીલ, કાસમ કુરેશી અને બધુભાઈ ચૌહાણ એ ખાતરી આપી હતી કે જાહેરમાં આ વિસ્તારમાં નોનવેજની લારીઓ ઉભી રાખવામાં નહીં આવે.

આ સાથે પોલીસ ઈન્સપેકટર હુકુમત સિંહ જાડેજાએ પણ જણાવેલ કે કોઈપણ હિન્દુ મુસ્લિમ તહેવાર માં કોઇની લાગણી દુભાય એ પ્રકારનું કૃત્ય ન કરવું જોઈએ જેથી પોલીસ પણ એલર્ટ રહેવાની છે અને શાંતિથી બન્ને સમાજના તહેવારો ઉજવાય તે જોવા વિનંતી કરી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે જેમને હનુમાનજી મંદિર ની ચોરી થઇ છે તે બાબતે પણ તપાસ ચાલી રહી છે નાના બાળકો છે જેમના હોય કે ઓળખતા હોય તો તાત્કાલિક પોલીસને માહિતી આપવા વિનંતી અને બીજી વાર આ પ્રકારનું કૃત્ય ના કરે તે ખાસ જોવા બધાને વિનંતી કરી હતી.

શાંતિ સમિતિની બેઠકમાં મેઘવાળ સમાજના એડવોકેટ અશોકભાઇ સોંદરવા સમસ્ત સિંધી સમાજમાંથી દિલીપભાઈ હોતવાણી ભરતભાઈ બગડા, બોદુભાઈ ચૌહાણ સહિતના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:53 am IST)