Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

પોરબંદર લોહાણા હિતેચ્છુક મંડળના પ્રમુખ દિલીપભાઇ ધામેચા કોરોના સામેનો જંગ હારી ગયા

રાજકોટમાં સારવાર દરમિયાન નિધન : દિલીપભાઇ નિર્ણાયક સાપ્તાહિકના તંત્રી તેમજ અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલ હતા

(સ્મિત પારેખ - ભીખુભાઇ મહેતા દ્વારા) પોરબંદર તા. ૧૬ : લોહાણા હિતેચ્છુક મંડળના પ્રમુખ તથા નિર્ણાયક સાપ્તાહિકના તંત્રી તેમજ અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયને સેવા કાર્યો કરતા દિલીપભાઇ ધામેચાનું રાજકોટમાં કોરોનાની સારવાર દરમિયાન અવસાન થયું છે. સેવાભાવી દિલીપભાઇ ધામેચા કોરોના સામેનોજંગ હારી જતા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ - મીડિયા તેમજ મિત્ર મંડળમાં શોક વ્યાપી ગયેલ હતો.

પોરબંદરમાં લોહાણા હિતેચ્છુક મંડળના પ્રમુખ અને સોબરગૃપના ચેરમેન સહિત અનેકવિધ પ્રવૃતિઓના માધ્યમથી નવા-નવા આયોજનો હાથ ધરનારા નિર્ણાયક સાપ્તાહીકના તંત્રી દિલીપભાઇ ધામેચા (ઉ.વ. પર) એ થોડા દિવસો પહેલા જ કોરોનાનું રસીકરણ કરાવ્યું હતું. પ્રથમ ડોઝ લીધા બાદ તેઓ સ્વસ્થ હતા પરંતુ તેના ૧૦ દિવસમાં જ તેમની તબીયત લથડતા સૌ પ્રથમ પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ કોરોનાના લક્ષણો જણાતા રાજકોટ ખાતે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, અને ત્યારબાદ હોમઆઇસોલેટ રહેવાની સુચના અપાઇ હતી.  ત્યારપછી અચાનક સ્થિતિ બગડતા રાજકોટ લઇ જવાયા દિલીપભાઇ ધમેચાની સ્થિતિ સારી હોવાથી તેઓ પોરબંદર આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ ત્રણેક દિવસમાં પોરબંદરમાં તેમની પરિસ્થિતિ બગડી જતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં તેમની શરૂઆતમાં બે દિવસ સ્થિતિ સારી રહી હતી ત્યારબાદ અચાનક જ ઓકસીજનમાં કમી આવવા લાગતા ઓકસીજન આપવામાં આવ્યો હતો તેના બે દિવસમાં તેમની સ્થિતિ ગંભીર બની જતાં વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ કોરોનાની અસર કીડની સુધી ફેલાઇ જતાં ડાયાલીસીસની કાર્યવાહી થઇ હતી એ દરમિયાન જ ગુરૂવારે બપોરે તેમણે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન કોરોના સામેના જંગમાં શ્વાસ છોડી દીધા હતા.

અનેક સેવાકીય કાર્યોના સર્જક એવા દિલીપભાઇ ધામેચાની આકસ્મિક વિદાયથી ભારે શોકનું મોજુ પોરબંદરમાં ફરી વળ્યું છે. શહેરમાં અંધશ્રધ્ધાનું પ્રમાણ વધ્યું ત્યારે તેમણે સોબરગૃપ નામની સંસ્થાની સ્થાપના મિત્રો સાથે કરીને લોકોને જાગૃત કરવાની પ્રવૃતિ હાથ ધરી હતી ત્યારબાદ લોહાણા હિતેચ્છુક મંડળના માધ્યમથી લોહાણા જ્ઞાતિના બટુકોને નિઃશુલ્ક જનોઇ આપવાની કામગીરી દર વર્ષે યથાવત ચાલતી હતી. સતત ર૪-ર૪ વર્ષથી તેમના દ્વારા સમુહજનોઇના આયોજન પોરબંદરમાં થતા હતા અને જેમાં માત્ર પોરબંદરના જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરના લોહાણા સમાજના બટુકો જનોઇ અપાવતા હતા. તે ઉપરાંત નિર્ણાયક સાપ્તાહીકના તંત્રી તરીકે પણ તેઓ પોતાનું અખબાર બહાર પાડતા હતા. ત્યારબાદ સોશ્યલ મીડીયા આવૃતિ પણ બહાર પડતી હતી. તે ઉપરાંત લોહાણા અખબાર જગત (મીડીયા ગ્રુપ) ગુજરાતના પ્રમુખ તરીકે પણ તેઓ સેવા આપી રહ્યા હતા.

પોરબંદર થી ૩૦ કી.મી. દુર આવેલા શનિધામ હાથલા ખાતે શનિજયંતિ અથવા શનેશ્વરી અમાસ હોય ત્યારે અવાર-નવાર પોરબંદરથી ત્યાં સુધીની પદયાત્રાનું સુવ્યવસ્થિત આયોજન તેમના નેતૃત્વમાં થતુ હતું અને અસંખ્ય શનિભકતો તેનો લાભ લેતા હતા. હિન્દુ સ્મશાનભુમિ ખાતે મૃતકોના અસ્થિ રાખવામાં આવે છે તેને હરીદ્વાર ખાતે શાસ્ત્રોકત વિધી-વિધાન સાથે વિસર્જન કરાવવા સહિતની વિશિષ્ટ સેવા પ્રવૃતિઓ તેમના દ્વારા થતી હતી. તે ઉપરાંત કાળીચૌદશની રાત્રીએ હિન્દુ સ્મશાનભુમિમાં વિવિધ કાર્યક્રમો યોજવાની સાથોસાથ લોકજાગૃતિના અઢળક કાર્યક્રમો તેઓએ પોરબંદરને આપ્યા છે. અન્ય સંસ્થાઓ કરતા કાંઇક નોખુ-અનોખુ કરવા ટેવાયેલા દિલીપભાઇ ધામેચાના નિધનથી પોરબંદરના સામાજીક જગતે મહત્વનો સિતારો ગુમાવ્યો છે અને તેમના નિધનથી સમગ્ર શહેરમાં શોકનું મોજુ જોવા મળ્યું હતું.

કોરોનાને લીધે તેમનું નિધન થયું હોવાથી તેમની અંતિમવિધિ પણ રાજકોટ ખાતે જ કરવામાં આવી હતી. તેમના પત્ની લોહાણા હિતેચ્છુક મહિલા મંડળના પ્રમુખ યામીનીબેન ધામેચા અને વયોવૃધ્ધ માતા નિર્મળાબેનને વિલાપ કરતા તેઓ અચાનક જ માત્ર દશેક દિવસની કોરોનાની બિમારીમાં મૃત્યુ પામ્યા છે ત્યારે પરિવારજનો ઉપર પણ વજ્રઘાત થયો છે. બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા અને મિલનસાર સ્વભાવના તથા માત્ર પોરબંદર જ નહીં પરંતુ ગુજરાતભરના લોહાણા સમાજમાં અને માન અને સ્થાન ધરવતા અગ્રણી હતા.

(11:46 am IST)