Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

ટંકારામાં સ્કુલ વિદ્યાર્થીની સગીરાની છેડતીના ગુનામાં પકડાયેલ આરોપીને પાંચ વર્ષની સજા

ભોગ બનનાર સગીરાને ૩ લાખનું વળતર ચુકવવા આદેશ

ટંકારા,તા. ૧૬: ટંકારા પંથકમાં સ્કૂલે જતી સગીરાની છેડતી કરવામાં આવી હોય જે ગુન્હામાં સંડોવાયેલ ઇસમ ઝડપાયા બાદ કોર્ટમાં કેસ ચાલી જતા પોકસો કોર્ટે આરોપીને પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો છે.

ટંકારામાં વર્ષ ૨૦૧૬ ની સાલમાં છેડતીનો બનાવ બન્યો હોય જે બનાવ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીને ઝડપી લીધો હતો અને આજે પોકસો કોર્ટના સ્પેશ્યલ જજ એમ કે ઉપાધ્યાયની કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે આરોપી ભગવાનજી દેવજી ચાવડા (ઉ.વ.૪૫) રહે ટંકારા ઉગમણા નાકા વાળાને કસુરવાન ઠેરવ્યો હતો સરકારી વકીલ સંજયભાઈ દવેની દલીલો તેમજ આઠ સાક્ષી અને ૦૯ દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવ્યા હતા કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવી પોકસો એકટ ૨૦૧૨ ની કલમ ૮ હેઠળ તકસીરવાર ઠેરવી ૫ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૧૦ હજાર દંડ તેમજ ભારતીય દંડ સંહિતાની કલમ ૫૦૬ (૨) મુજબ તકસીરવાર ઠેરવી ૧ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૨૫૦૦ દંડ તેમજ ૫૦૪ ની કલમ મુજબ ૯ માસની સજા અને ૧૦૦૦ રૂ દંડ ફટકાર્યો હોય અને કોર્ટે આરોપીને મુખ્ય ગુનાઓની મુખ્ય સજાઓ એક સાથે ભોગવવાનો આદેશ કર્યો હોય જેથી આરોપીને ૫ વર્ષની સખ્ત કેદની સજા અને ૧૩,૫૦૦ રૂ નો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ ઉપરાંત ભોગ બનનાર બાળકીને ગુજરાત વિકટીમ કમ્પેન્શેશન સ્કીમ ૨૦૧૯ અંતર્ગત રૂ ૩ લાખ ચુકવવા પણ હુકમ કરવામાં આવ્યો છે જયારે ગુનેગાર જામીન મુકત હોય જામીન તાત્કાલિક અસરથી રદ કરી ગુનેગારને કસ્ટડીમાં લઈને હુકમ અન્વયે સજા વોરંટ પાઠવવા સ્પેશ્યલ જજ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.

(10:26 am IST)