Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

અમારી સંવેદના મરી જાય તો એ અમારી સાધુતા નથીઃ સંવેદના જીવતી રહેવી જોઇએઃ પૂ.મોરારીબાપુ

નાનાભાઇ જાનકીદાસબાપુ ટીકાકાકાને શ્રધ્ધાંજલી અર્પણઃ કાલે તલગાજરડામાં ભંડારો

જુનાગઢ તા.૧૬: પૂ.મોરારીબાપુના ભાઇ જાનકીદાસબાપુ-ટીકાકાકાનુ અવસાન થતા ઘેરો શોક છવાયો છે ગઇકાલે સમાધીયાત્રામા પૂ.મોરારીબાપુએ શોકાંજલી અર્પણ કરી હતી.

પૂજ્ય મોરારી બાપુના સૌથી નાના ભાઇ ટીકાકાકા-જાનકીદાસ બાપુના સમાધિ ઉત્સવ પ્રસંગે પૂજ્ય બાપુએ પોતાના ભાવપૂર્ણ સંદેશમાં જીવણ દાસ બાપુથી માંડીને ટીકાબાપુ સુધીના સહુની સમાધિને વંદન કર્યા. તેમણે કહ્યું કે શકિતપુજાના દિવસો પુરા થયા. હવનાષ્ટમીના દિવસે આજે ત્રિભુવન પરિવારમાંથી આ યજ્ઞમાં એક ફુલ સમર્પિત થયું. ચૈત્રી નવરાત્રિના દિવસો પૂર્ણ થયા. પરમ શકિતમાન રામનો આજે પ્રાગટ્ય દિવસે છે. મારા માટે એથી પણ અધિક,આજે રામચરિત માનસ પ્રાગટ્યનો દિવસ છે. આવા દિવસોમાં ટીકાએ સમાધિ લીધી છે. કેવળ..કેવળ..અને કેવળ દેવીકૃપા!

ભગવત ગીતામાં કહેવાયું છે.

જન્મ,મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાત દર્શનમ...

મનુષ્યના જીવનમાં જન્મ-મૃત્યુ-બુઢાપો અને રોગએ ચાર દોષ છે હું પહેલા જ સ્પષ્ટતા કરી દઉ કે અમે માર્ગી બાવાઓ ! અમારે બીજો કોઇ વિધિ હોતો નથી. અમે ભોંયમાં ભંડારી દઇએ છીએ. પછી કોઇ ઉત્તરકિયા હોતી નથી. સાધુની સગવડતા હોય તો ત્રીજા દિવસે ભંડારો કરે. ઘણી વાર વર્ષો પછી સગવડતા થાય તો મંડપ કરે.સમાધિ માટે કયો બીજો વિધિ હોઇ શકે? મને કોઇ બતાવે ! એટલે આ કોઇ શ્રધ્ધાંજલી સભા નથી, શોકાંજલિ સભા પણ નથી. કૈલાસ પર જ્યારે જગા કાકાનું નિર્વાણ થયું, ત્યારે માત્ર કથાના સમયનો ફેરફાર કર્યો હતો. ત્યાં સમાધિની વ્યવસ્થા નથી. માણસને વ્યવહારૂ બનવું જોઇએ હું તો પ્રવાહી પરંપરાનો માણસ છું. ત્યાં અમે સમાધિ નહીં, અગ્નિસંસ્કાર કર્યા. સવારને બદલે બપોર પછી કથા કરી. અમારામાં શ્રદ્ધાંજલિ ન હોય. કોને શ્રદ્ધાંજલિ? કોની શ્રદ્ધાંજલિ? ટીકાનો જન્મ સાર્થક છે! મને ખબર નથી મારૃં શું થશે?

જન્મ,મૃત્યુ,જરા,વ્યાધિ-જન્મએ પીડા નથી. માને પીડા થાય, પણ એક નવી ચેતના પ્રગટ થઇ રહી છે.એનોએ ઉત્સવ પણ છે. એ રીતે ટીકાનો જન્મ સાર્થક છે અને એટલે તેનો જન્મ ત્રિભુવન-પરિવાર માટે ઉત્સવ છે ! એને મૃત્યુ-નિર્વાણ પ્રાપ્ત કર્યુ, એ પણ મારા માટે ઉત્સવ છે! તેમ પૂ.મોરારીબાપુએ જણાવ્યુ હતું.

એક પીડા જરૂર છે, હું પણ માાણસ છું. ટીકાને વ્યાધિ હતો. વ્યાધિને પણ આપણે તપસ્યા ગણીને ઉત્સવ બનાવી શકીએ. શાસ્ત્રો કહે છે કે સુખઃદુઃખનો સ્વીકાર અપ્રતિકાર પૂર્વક કરવો. પણ ગમે તેવા સાધુ પુરૂષને યક્ષણ માટે તો દુઃખ થાય જ.ફોન આવ્યો કે ટીકાકાકા નથી રહ્યા. એક ક્ષણ માટે દુઃખ થયું.

એને વર્ષોથી વ્યાધિ હતો.કદાચએ બાણશૈયા ઉપર હતો. બાણશૈયા ઉપર ભીષ્મ જ હોય એવં નથી, સૌમ્ય પણ હોઇ શકે ! એ રીતે વ્યાધિ પણ એના માટે તપસ્યા હતી.

જરા એટલે ઉમર અને ઉમર માત્ર શરીર પૂરતી નહીં ! જરા એટલે પરિપકવતા, જરા એટલે પાકી ગયેલી સમજ ! હું અત્યારે મારા નાના ભાઇ માટે નથી બોલતો, સમાધિ માટે બોલું છું ! બધા જાણે છે કે એણે કદી કોઇ ફરિયાદ નથી કરી. ''ભલે મોટાભાઇ...'' એટલું જ કહે!

આ બધા દેવતાઓ જાણે છે, જગદમ્બા દેવી પણ જાણે છે,  દિકપાલ જાણે છે, અસ્તિત્વ પણ જાણે છે ! મારો ભાઇ બહુ પીડિત હતો ! રાત્રે ચાર વાગ્યે હોસ્પિટલમાંથી ડોકટરનો ફોન આવે છે કે ''ટીકા કાકા બાપુ સાથે વાત કરવા માંગે છે'' બાપુએ વાત કરી ટીકાબાપુનો અવાજ થોડો બેસી ગયેલો.બાપુએ પૂછ્યું, ''ટીકા જાગે છે, ભાઇ?'' ટીકા બાપુએ કહ્યું ''હા, મોટાભાઇ પણ મારી ચિંતા ન કરતા. ''આ એની સમજ હતી! એ સમજનો આજે ઉત્સવ છે.એના જન્મનો આજે ઉત્સવ છે, એની સમાધિનો આજે ઉત્સવ છે.

બાપુએ આ પ્રસંગે પીડા સાથે કહ્યું કે ''સમાધિ પછી અમારે ભંડારો હોય અને પછી પાછું મારે તો લોકાભિરામં શરૂ થાય એટલે આ વખતે હનુમાન જયંતીના બધા ઉત્સવો અને અસ્મિતાપર્વ બંધ રાખવું પડ્યું. મહાનુભાવોની વંદના એમના ઘરે સન્માન સાથે પહોંચાડી દેવામાં આવશે. ''બાપુએ કાર્યક્રમ બંધ રાખવા બદલ પીડા પણ વ્યકત કરી.

બાપુએ સૌને કહ્યું કે ''નવ કરશો કોઇ શોક રસિકડાં નવ કરશો કોઇ શોક... ''સાધુની વિદાયનો શોક ન હોય ! અમે સાધુ છીએ પણ જીવ છીએ, માણસ છીએ ! ક્ષણભર દુઃખ પણ થાય. અમારી સંવેદના મરી જાય તો એ અમારી સાધુતા નથી. સંવેદના જીવતી રહેવી જોઇએ. આંસુડા ડૂકી જાય એના જેવો બીજો કોઇ દુકાળ નથી ! પણ રોવા માટે ખૂણા હોય, સમાજ નથી હોતો ! કયારેક મારી આંખમાં આંસુ આવે ત્યારે સમજ્જો કે હું તમારી સામે નથી પણ તલગાજરડાના એક ખૂણા પાસે છું.

અંતે બાપુએ કહ્યું કે ''આપ સૌ મોટી સંખ્યામાં અહીં સદ્વાવ લઇને આવ્યા છો, એ બદલ આખો ત્રિભુવન પરિવાર આપનો ઋણી છે. સંસારને નાતે, સમાજને નાતે, વ્યવહારને નાતે હું બધા સાથે એક પ્રમાણિક અંતર રાખીને જોડાયેલો બાવો છું. આપ સૌ આવ્યા એનો રાજીપો વ્યકત કરૃં છું.

આમ તો સમાધિના મંત્રો હોય છે, સમાધિની વિધિ હોય છે સમાધિ ગાયત્રી હોય છે. પણ એ બધું બહુ અટપટું હોય અને વિશ્વાસુને અટપટું ન ફાવે ! મંત્રો આવડતા હોય-સમાધિના-તો બહુ સારી વાત છે. પણ મંત્રો ન  આવડે તો હનુમાન ચાલીસા બોલતા બોલતા સમાધિ આપી દેવી ! અને સમય હોય તો ભુશંડી રામાયણ બોલી લેવું. અંતે બાપુએ સમાધિ વખતે ગવાતા સાધુ પરિવારના વિદાય ગીત સાથે અશ્રુ પૂર્ણ રીતે પોતાના વચનોને વિરામ આપ્યો.

''તમને છેલ્લી રે વેળાના રામરામ....'' તેમ અંતમાં પૂ.મોરારીબાપુએ જણાવ્યુ હતું.

(4:14 pm IST)