Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

પોરબંદર ભાજપમાં આંતરિક વિખવાદથી રમેશભાઇ ધડુકની દયનીય સ્થિતિ

વિજયભાઇ રૂપાણીની પોરબંદર, કેશોદ, જેતપુર અને ઉપલેટાની જાહેરસભામાં લોકસભા ઉમેદવાર તરીકે રમેશભાઇની ગેરહાજરી : પોરબંદર વિસ્તારમાં ભાજપનો નહીંવત જેવો પ્રચાર

પોરબંદર, તા. ૧૬ : પોરબંદર સ્થાનિક ભાજપમાં આંતરિક વિખવાદ બહાર આવતો જાય છે. ગઇકાલે પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રમેશભાઇ ધડકુના સમર્થનમાં યોજાયેલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની જાહેરસભામાં ખૂદ રમેશભાઇ ધડકુની સ્ટેજ ઉપર ગેરહાજરી દેખાતી હતી. જાહેરસભાના સ્ટેજ ઉપર ચૂંટણીના ઉમેદવાર તથા ધારાસભ્યના નામ સાથેના બેનરો ગાયબ થઇ ગયેલ. આંતરિક વિખવાદને લીધે રમેશભાઇ ધડકુની સુડી વચ્ચે સોપારી જેવી દયનીય હાલત થઇ છે.

મુખ્યમંત્રી વિજયભાઇની આ પહેલા કેશોદ જેતપુર, ઉપલેટામાં જાહેરસભા યોજાઇ હતી. જેમાં પણ રમેશભાઇ ધડુક ઉપસ્થિત રહ્યા નહોતા.

સ્થાનિક ભાજપમાં આંતરિક વિખવાદને લઇ પક્ષના ચૂંટણી પ્રચાર ઉપર અસર થઇ રહી છે. પોરબંદર વિસ્તારમાં નહીંવત જેવો પ્રચારની છે. માત્ર ર થી ૩ વોર્ડમાં નામ પૂરતો પ્રચાર થઇ રહેલ છે.  જે વિસ્તારમાં પ્રચાર માટે જવું હોય ત્યાં પાણી પ્રશ્ન હોય ઉમેદવાર અને નેતાઓને લોકો ઘેરી લઇ ઉગ્ર રજૂઆતો કરતા હોય ઉમેદવારને પ્રચાર માટે જવા વિચારવું પડે છે. કેટલીક જગ્યાએ પ્રચારમાં જતા પહેલા પાણી વિતરણ વ્યવસ્થા કરવામાં આવે છે.

(11:51 am IST)