Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

'હિટ એન્ડ રન': લાઠીના જરખીયાના કોૈશિક પટેલનું જન્મદિવસે જ મોતઃ મિત્ર પિયુષ પટેલનો પણ જીવ ગયો

જિંદગી તો બેવફા હૈ...ગઇકાલે બર્થડે હોઇ મિત્રને લઇ લાઠી નાસ્તો કરવા ગયો'તોઃ પરત આવતી વખતે બંનેને કાળ ભેટ્યો : પિયુષ પડસાલા (ઉ.૧૭)નું ઘટના સ્થળે જ મોતઃ કોૈશિક સભાયા (ઉ.૧૮)એ રાજકોટમાં દમ તોડ્યોઃ તે સરધાર રહી ડિપ્લોમાનો અભ્યાસ કરતો હતોઃ લેઉવા પટેલ પરિવારોમાં કલ્પાંતઃ પિયુષ માતા-પિતાનો એકનો એક આધારસ્તંભ હતો : કોૈશિકની જરખીયા અને પિયુષની અડતાલા ગામે અંતિમયાત્રા નીકળતાં કાળો કલ્પાંતઃ અકસ્માત સર્જી ભાગેલા વાહન ચાલકની શોધખોળ

કાળનો કોળીયો બનેલા કોૈશિક સભાયાનો ફાઇલ ફોટો અને પિયુષ પડસાલાનો ઘટના સ્થળે મૃતદેહ જોઇ શકાય છે

રાજકોટ તા.૧૬: જિંદગી તો બેવફા હૈ એક દિન ઠુકરાયેગી...ગીત મુજબ જ જિંદગીનો અંત કયારે, કયાં અને કેવી રીતે આવી જાય તેની કાળા માથાના માનવીને ખબર પડતી નથી. લાઠીના અમરેલી રોડ પર પીપળીયાના પાટીયે બનેલી 'હિટ એન્ડ રન'ની ઘટનામાં લાઠીના જરખીયા અને અડતાલા ગામના બે લેઉવા પટેલ મિત્ર (છાત્રો)નો ભોગ લેવાતાં બંનેના સ્વજનોમાં કલ્પાંત સર્જાયો છે. કરૂણતા એ છે કે જરખીયાના છાત્રનો તો ગઇકાલે જ જન્મદિવસ હતો. અઢારમું વર્ષ બેસતાં બાજુના અડતાલા ગામે રહેતાં મિત્રને સાથે લઇ લાઠી નાસ્તો કરવા ગયો હતો. ત્યાંથી પરત આવતી વખતે બાઇકને અજાણ્યા વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં બંને મિત્રોએ વારાફરતી દમ તોડી દીધો હતો.

જાણવા મળ્યા મુજબ લાઠીના જરખીયા ગામે રહેતાં કોૈશિક અશોકભાઇ સભાયા (ઉ.૧૮)નો ગઇકાલે ૧૫મીએ જન્મદિવસ હતો. ૧૭ વર્ષ પુરા કરનાર કોૈશિક બર્થ ડેની ખુશાલીમાં નજીકમાં જ આવેલા અડતાલા ગામે રહેતાં પોતાના મિત્ર પિયુષ નિતીનભાઇ પડસાલા (ઉ.૧૭)ને બાઇકમાં બેસાડી લાઠી નાસ્તો કરવા લઇ ગયો હતો. આ બંને સાથે પીપીયા ગામનો ત્રીજો એક મિત્ર પણ જોડાયો હતો. નાસ્તો કર્યા બાદ કોૈશિક અને પિયુષ ત્રીજા મિત્રને પીપળીયા મુકી ત્યાંથી પોતાના ગામ તરફ આવી રહ્યા હતાં ત્યારે અમરેલી રોડ પર પીપળીયાના પાટીયા પાસે નિરાલી જીન નજીક સાંજના આઠેક વાગ્યે કોઇ વાહનનો ચાલક બાઇકને ઉલાળીને ભાગી જતાં બંને મિત્રો રોડ પર ફેંકાઇ ગયા હતાં અને ગંભીર ઇજાઓ થઇ હતી.

એ દરમિયાન જરખીયાના જ એક રહેવાસી ઘટના સ્થળેથી પસાર થતાં તેણે બંનેના પરિવારજનોને જાણ કરી હતી અને ૧૦૮ બોલાવી હતી. જો કે પિયુષ પડસાણાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત કોૈશિકને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોડી રાત્રે તેણે પણ દમ તોડી દેતાં કલ્પાંત સર્જાયો હતો.

વધુ માહિતી મુજબ કોૈશિક બે ભાઇમાં નાનો હતો અને સરધારના ગુરૂકુળમાં રહી ડિપ્લોમાનો અભ્યાસ કરતો હતો. હાલમાં થોડા દિવસ રજા હોઇ વતન જરખીયા ગયો હતો. તેના પિતા ખેતી કરી ગુજરાન ચલાવે છે. માતાનું નામ રેખાબેન છે. લાડકવાયાનું જન્મદિવસે જ મોત નિપજતાં સ્વજનોમાં શોકની કાલીમા છવાઇ ગઇ છે.

જ્યારે પિયુષ એક બહેનથી નાનો હતો અને માતા-પિતાનો એકનો એક આધારસ્તંભ લાડકવાયો હતો. તે પણ અડતાલા ગામે પરિવાર સાથે રહી અગિયારમું ધોરણ ભણતો હતો. કોૈશિકનો પરિવાર પણ પહેલા અડતાલા રહેતો હતો. હાલમાં આ પરિવારજનો જરખીયા સ્થાયી થયા છે. યુવાનીના ઉંબરે ડગ માંડી રહેલા બબ્બે મિત્રોના એક સાથ મોતથી લેઉવા પટેલ પરિવારોમાં ગમગીની છવાઇ ગઇ છે.

(11:44 am IST)