Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

મોરબીના સિરામિક ઉદ્યોગના પ્રેશર ડ્રોપ પ્રશ્ને ઉર્જામંત્રી સાથે બેઠક મળીઃ ઉકેલની ખાતરી

મોરબી, તા.૧૫: મોરબીના સિરામિક ઉદ્યોગને છેલ્લા સપ્તાહથી ગેસમાં પ્રેશર ડ્રોપની સમસ્યાને પગલે કરોડોની નુકશાની સહન કરવી પડી રહી છે અને ગેસના ધાંધિયાથી ઉદ્યોગજગત પરેશાન છે ત્યારે આ મામલે તાજેતરમાં મોરબી પધારેલા ઉર્જા મંત્રી સાથે સિરામિક એસોના હોદેદારોએ બેઠક યોજી હતી અને ઉર્જા મંત્રીએ પ્રશ્નોના ઉકેલની ખાતરી આપી છે.

 રાજયના ઉર્જા મંત્રી અને મોરબી જીલ્લા પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલની મોરબી મુલાકાત દરમિયાન સિરામિક એસો હોલ ખાતે સિરામિક એસોના પ્રમુખો મુકેશભાઈ ઉધરેજા, કિશોરભાઈ ભાલોડીયા, કિરીટભાઈ પટેલ અને નીલેશભાઈ જેતપરિયા તેમજ અગ્રણી ઉદ્યોગપતિઓએ ઉર્જામંત્રી સાથે મુલાકાત કરી હતી અને ગેસના ધાંધિયાથી ઉદ્યોગને થઇ રહેલા નુકશાનથી અવગત કરવામાં આવ્યા હતા જે મામલે જીએસપીસી સાથે ઉર્જામંત્રીએ મસલતો કરી હોય અને પ્રેશર ડ્રોપની સમસ્યાના સમાધાન માટે ગાળા નજીકથી નવી લાઈનો નાખવાની શરૂ કરી દેવામાં આવી છે અને પ્રેશર ડ્રોપનો પ્રશ્ન જલ્દીથી ઉકેલાઈ જશે તેવી ખાતરી મળતા એસોસીએશનના હોદેદારોએ રાહતનો શ્વાસ લીધો છેે.

મોરબીના સિરામિક એકમો દ્વારા પ્રતિદિન ૨૨ લાખ કયુબીક મીટરનો વપરાશ હોય તેમજ કોલગેસ પ્રતિબંધ બાદ ૫૦૦થી વધુ ફેકટરીઓ નેચરલ ગેસનો વપરાશ કરશે જેથી આગામી દિવસોમાં ગેસનો વપરાશ પ્રતિ દિન ૬૫ લાખ કયુબીક મીટર જેટલો થશે જેથી સીરામીક એસોના પ્રમુખ કિરીટભાઈ પટેલ સહિતના હોદેદારોએ ગુજરાત ગેસ કંપનીને ભાવઘટાડો કરવા પણ રજૂઆત કરી છે ગેસના ભાવમાં રાહત મળવાથી સિરામિક ઉદ્યોગને વેગ મળશે તેમ જણાવ્યું છે.

(12:09 pm IST)