Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

વાંકાનેરના ઢુવાની હોટેલમાં કુટણખાનુ ચાલતુ'તું: મેનેજર સહિત બે પકડાયા

અમદાવાદનો ચેતનસિંહ તથા અંકુર પાનસુરીયાએ મહારાષ્ટ્રીયન લલનાને મોકલી મેનેજર દિનેશ પટેલ સાથે મળી ગોરખધંધો શરૂ કર્યો'ને પોલીસ ત્રાટકીઃ અંકુરની શોધ

વાંકાનેર, તા. ૧૬ :. વાંકાનેર પાસે આવેલ ઔદ્યોગીક ઝોન ઢુવા ગામની હોટલમાં ચાલતા કુટણખાના પર તાલુકા પોલીસે રેડ કરી મેનેજર સહિત બે શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે મુખ્ય સૂત્રધારની શોધખોળ હાથ ધરાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ઢુવા ઔદ્યોગીક વસાહતમાં આવેલ એ.કે. હોટલમાં મહારાષ્ટ્રીયન યુવતીને બોલાવી કુટણખાનુ ચાલતુ હોવાની બાતમી મળતા મોરબી એસ.પી. જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકાના પી.એસ.આઈ. જી.આર. ગઢવી તથા સ્ટાફે ઉકત હોટલમાં ડમી ગ્રાહક મોકલી કુટણખાનુ ચલાવનાર હોટલના મેનેજર દિનેશ પુંજાજી ડોકલા જાતે પટેલ (ઉ.વ. ૨૬) રહે. ઝાલ, એ.કે. હોટલ ઢુવા મુળ રહે. સુરખંડ-ખેડા, તા. સરાળા, જિલ્લો ઉદેપુર-રાજસ્થાન તથા ચેતનસિંહ ઉર્ફે રવિ ભારતસિંહ પરમાર રહે. હાલ નિર્ણયનગર, નંદનવન ફલેટ અમદાવાદ, મૂળ ગામ રાજપુત ફળીયુ-નાપાવાટા, તા. બોરસદ, જિલ્લો આણંદને મહારાષ્ટ્રીયન લલના સાથે ઝડપી લીધા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રીયન લલનાને ચેતનસિંહ અમદાવાદથી ઢુવા લાવ્યો હતો. આ લલનાને અમદાવાદનો અંકુર ઉર્ફે રોહીત પાનસુરીયા પટેલ મુંબઈથી લાવી ચેતનસિંહને હવાલે કરી હતી અને ચેતનસિંહે ઢુવા સ્થિત એ.કે. હોટલના મેનેજર દિનેશ પટેલ સાથે મળી છેલ્લા બે દિવસથી ગોરખધંધો શરૂ કર્યો હતો. હોટલ મેનેજર એ.કે. પટેલ લલના પાસે આવતા ગ્રાહકો પાસેથી ૮૦૦થી ૧૦૦૦ રૂ. લેતો હતો અને આ રકમમાંથી લલના તથા ચેતનસિંહ અને અંકુરને ભાગબટાઈ આપતો હતો.

તાલુકા પોલીસે પકડાયેલ હોટલ મેનેજર દિનેશ પટેલ તથા ચેતનસિંહની ધરપકડ કરી છે તથા પકડાયેલ લલનાએ સાક્ષી બનાવાયેલ છે. મુખ્ય સૂત્રધાર અંકુર ઉર્ફે રોહીતની શોધખોળ હાથ ધરી છે.(૨-૧૯)

(4:43 pm IST)