Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ભાજપના ૨૨ વર્ષના શાસનમાં સૌને માત્ર તકલીફો જ મળીઃ ચાવડા

સૌરાષ્ટ્રમાં સોમનાથદાદાને મસ્તક નમાવી જનસંપર્ક અભિયાન આદરતા પ્રદેશ પ્રમુખઃ કોંગ્રેસના આંતરીક જુથવાદને ડામી બુથવાદ થકી આગળ ધપી કાર્યકર પ્રજા મિત્રની ભૂમિકા અદા કરશે

રાજકોટ, તા. ૧૬ :. ગત વિધાનસભા ચૂંટણીમાં જુથવાદ, આંતરીક હુંસાતુંસી અને નબળા સંગઠન છતા ભાજપના શ્વાસ અધ્ધર ચડાવી દેનાર કોંગ્રેસના નવનિયુકત નવયુવાન પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગઈકાલે સોમનાથ મહાદેવને જલાભિષેક અને પૂજા-અર્ચન કરી સૌરાષ્ટ્રમાં જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો હતો અને કોંગ્રેસના જુથવાદને જાકારો આપી જુથવાદના ધોરણે આગળ ધપવા કટીબદ્ધતા દર્શાવી હતી. તેમણે ભાજપ પર આકરા પ્રહાર કરી ૨૨ વર્ષથી ખેડૂતો, માછીમારો, વેપારીઓ તથા આમજનતાને માત્રને માત્ર તકલીફો જ મળ્યાનું જણાવ્યું હતું.

તેમણે સોમનાથદાદા પાસે આવનારા સમયમાં ગુજરાતની પ્રજાની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી અને કહ્યું હતુ કે કોંગ્રેસને કાર્યકર બુથવાદના ધોરણે આગળ ધપીને પ્રજાની વેદનાને વાચા આપશે અને સાચા પ્રજામિત્રની ભૂમિકા અદા કરશે.

વેરાવળ ખાતે તેમણે મીડીયા સાથે પણ વાત કરી હતી અને જણાવ્યુ હતુ કે, સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરો અને લોકોને મળવાના એક જનસંપર્ક અભિયાનના ભાગરૂપે આજે સૌરાષ્ટ્રમાં સોમનાથદાદાના આશિર્વાદ લઈ પ્રજા અને કાર્યકરોની લાગણી મુજબ જે સરકાર ૨૨ વર્ષથી ખેડૂતો, માછીમારો, વેપારીઓ, નાના ઉદ્યોગકારો તથા આમઆદમીને અન્યાય કરી રહી છે તેની સામે મકકમ લડત આપીશું.

તેમના જણાવ્યા મુજબ કોંગ્રેસના કાર્યકરનું બુથ સુધીનું સંગઠન કરી પ્રજાની વેદનાને અમે વાચા આપીશું. અમે સરકાર સામે લડીશુ અને કોંગ્રેસનો કાર્યકર પ્રજામિત્રની ભૂમિકા નિભાવશે.

ગઈકાલે ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારીમાં હાજરી આપીને તેમણે કોંગ્રેસના કાર્યકરોને મજબુત સંગઠન બનાવવા હાકલ કરી હતી.

આજોઠા ખાતે મળી રહેલી ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારીમાં હાજરી આપી હતી. આ જીલ્લાની  કારોબારીમાં વિપક્ષી નેતા પરેશ ધાનાણી, ધારાસભ્યો ભગવાનભાઈ બારડ, પુંજાભાઇ વંશ, વિમલ ચુડાસમા, મોહનભાઇ વાળા સાથે જીલ્લાના કોંગી આગેવાનો અને કાર્યકરો હાજર  રહયા હતા. આ તકે પ્રમુખ ચાવડા અને ધાનાણીએ  કોંગીના કાર્યકરો અને આગેવાનોને સંગઠન મજબુત બનાવી કોંગ્રેસની વિચારધારા છેવાડાના લોકો સુધી પહોંચાડવા અત્યારથી કામે લાગી જવાની સાથે આગામી ૨૦૧૯ની સામાન્ય ચુટણીમાં વિધાનસભા કરતા પણ શ્રેષ્ઠ દેખાવ કરી બહુમતિ લાવવા બુથ સુધી કામ કરવા જણાવ્યું હતું.(૨-૨)

(12:00 pm IST)