Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ઓખામાં બોટના સામાનની ચોરીઃ આંબરડી ગામે પવન ચક્કીમાં લાઈન રીપેર કરવા જતા ધમાલ મચી

ખંભાળીયા, તા. ૧૬ :. ઓખામાં આડતરા મસ્જીદની બાજુમાં રહેતા કરીમભાઈ જીકુભાઈ બેતારાના ગોડાઉનમાં કિરણભાઈ આનંદભાઈએ રાખેલ બોટનો વાયરલેસ સેટ (૧) જીપીએસ મશીન (૨) વાયરલેસ સેટ (૩) એરીયલ તથા કેબલ વાયર (૪) હોકાયંત્ર મળી કુલ રૂ. ૪૫૦૦૦નો મુદામાલ કોઈ ગોડાઉનના તાળા તોડી ચોરી કરી લઈ ગયાની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ખંભાળીયા તાલુકાના આંબરડી ગામે સર્વે નંબર ૯૩ પૈકી ૨ ની જમીનમાં આવેલ સુઝલોન કંપનીની પવન ચક્કીઓમાં ભોલાભાઈ દેરાજ માતંગ (૨) રાજુ ભોલા માતંગ (૩) ભરત ભોલા માતંગ એ ઈલેકટ્રીક લાઈન પર લગાવેલ ઓ.એફ.સી. કાપી નાખતા ફરીયાદી કીરણભાઈ નંદાણીયા તથા સાહેદો રીપેર કરવા જતા આરોપીઓએ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ઓ.એફ.સી. કેબલ અને રૂ. ૪૦,૦૦૦નું નુકશાન કર્યાની પોલીસ ફરીયાદ સુઝલોન કંપનીના અધિકારી કીરણભાઈ નંદાણીયાએ ઉપરોકત આરોપીઓ વિરૂદ્ધ ખંભાળીયા પોલીસમાં નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અહીંયા કેમ ઉભો છે ? તેમ કહી છરી મારી

ખંભાળીયામાં જાલદપીરની દરગાહ પાસે રહેતા ઈબ્રાહીમ સલીમભાઈ શાહમદાર મજીદ ચોકમાં ઉભા હતા ત્યારે રફીક હસન વાઢીયા રહે. ભાડથરવાળાએ 'તું અહીંયા કેમ ઉભો છો ?' તેમ કહી અપશભ્દો બોલી છરી વડે હુમલો કરી ઈજા કર્યાની પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મીઠાપુરમાં ટ્રક હડફેટે મૃત્યુ

મીઠાપુર ટાટા કંપનીના ગેઈટ પાસેથી લાલસીંગપુર તરફ જતા રોડ પર મો.સા. નંબર જીજે ૩૭ એ ૦૬૮૫નું લઈને જઈ રહેલ સુનીલભા માનસંગભા જામ (ઉ.વ.૧૮) વાળાને ટ્રક નંબર જીજે ૦૫ એઓ ૬૮૪૬ના ચાલક એ હડફેટે લેતા સુનીલભા જામને ગંભીર ઈજા થતા કરૂણ મૃત્યુ નિપજ્યુ હતું. આ બનાવ અંગે મૃતકના કુટુંબીજન સામરાભા કરમણભા જામએ ફરીયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ભૂલથી દવા પીતા

ખંભાળીયામાં ગણેશ મંદિર પાસે રહેતા લક્ષ્મીબેન વાલાભાઈ પારીયા (ઉ.વ.૨૮)વાળા ભૂલથી ઉંદર મારવાની દવા પી લેતા સારવારમાં ખસેડવામાં આવેલ છે.

દારૂ સાથે ઝડપાયો

દ્વારકામાં ટીવી સ્ટેશન પાસે હરીશભાઇ સવજીભાઇ પરમાર પાસેથી દારૂ બોટલ નંગ- ૧ કિંમત રૂપિયા - ૪૦૦ સાથે ઝડપાઇ આવતા પોલીસ એ વધુ પુછપરછ હાથ ધરતા અન્ય એક ઇસમ (ફરારી) મહેમુદ ઉર્ફે મેમલા નું નામ ખુલતા પોલીસ એ ફરાર જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે.

ગઢકામા આપઘાત

ગઢકા ગામે રહેતી જાગૃતિબેન આંબાભાઇ ડાભી ઉ-૨૧ કોઇપણ કારણોસર પોતાની જાતે ઝેરી દવા પી લેતા મરણ પામ્યાની જાહેરાત યુવતીના પિતા આંબાભાઇ લખુભાઇ ડાભી એ કલ્યાણપુર પોલીસમાં કરતા પોલીસ એ આગળ ની તપાસ હાથ ધરી છે.

દવા પી લેતા

સલાયા ના માયલાવાસ વિસ્તારમાં રહેતા રૂત્વીકભાઇ માંડણભાઇ ઓડીચ ઉ - ૧૮ કોઇપણ કારણોસર પોતાના ઘરે ખડમાં છાંટવાની દવા પી લેતા સારવારમાં ખસેડવામાં આવેલ છે.

કલ્યાણપુર તાલુકાના હરીપર ગામે રહેતા સુરેશભાઇ વલુભાઇ રાઠોડ કોઇપણ અગમ્ય કારણોસર પાતાની મેળે ઝેરી દવા પી લેતા સારવાર માં ખસેડવામાં આવેલ છે.(૨-૯)

(11:57 am IST)