Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

જામજોધપુરમાં નર્મદા પાઇપ લાઇનમાંથી પાણીની ચોરી :એક મહિલા સહીત 14 ખેડૂતો વિરુદ્ધ ફરિયાદ

જામનગર :નર્મદા નીરની મર્યાદિત આવક સામે જામનગર જીલ્લાના જામ જોધપુર તાલુકા મથકે પાણી ચોરી ઝડપાઇ છે જેમાં એક મહિલા સહિતના ખેડૂતો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે લોકો નર્મદાની પાઈપ લાઈનના એર વાલ્વમાં પાઈપ લગાવી ખેતીમાં સિંચાઈ કરતા હોવાનું ખુલ્યું છે અંગે ફોજદારી કેસ  નોંધવામાં આવ્યો છે.

  મળતી વિગત મુજબ જામજોધપુર તાલુકા મથકે ભાગોળે ખેતીની જમીન ધરાવતા અમુક ખેડૂતો દ્વારા નર્મદાની પાઈપ લાઈનમાંથી પાણી ચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠતા ભાણવડ પાણી પુરવઠા તંત્ર દ્વારા ચકાસણી કરતા રસિક મોહન સીણોજીયા, તેના ભાઈઓ રાવજી બહિ અને જમનભાઈ, દામજી ધનજી ખાંટ અને અન્ય પાંચ ખેડૂતો, ધનજી ભોવાન ઘરસડીયા અને અન્ય બે શારદાબેન કાન્તિલાલ, રોહિત કાન્તિલાલ સહિતના ૧૪ ખેડૂતો દ્વારા પાણી ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને નાયબ કાર્યપાલક ઈજનેર જયદેવ સીન્હોરા તમામ ખેડૂતો સામે જામજોધપુર પોલીસમાં પાણી ચોરી અને જાહેર મિલકતને નુકસાન પહોચાડવા સબબ ફરિયાદ નોંધાવી છે
   અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભાની ટર્મમાં જામજોધપુર વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરનાર ચીમનભાઈ સાપરિયાએ રાજ્યના કેબિનેટ કક્ષાના કૃષિ મંત્રી તરીકે ફરજ બજાવી હતી, ત્યારે પૂર્વ કૃષિ મંત્રીના ગામમાંથી ખેડૂતો દ્વારા પાણી ચોરીની ઘટના સામે આવતા પોલીસ પણ હરકતમાં આવી છે.

ત્રણ જીલ્લાના પાણીની ચોરી: નર્મદા યોજનાની એનસી- ૨૧ બલ્ક પાઈપ લાઈનનો કાલાવડ તાલુકાના પાંચ દેવદા ગામે હેડ વર્કસ આવેલ છે. અહીથી જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના સાત તાલુકાના નાગરિકોને પાણી પૂરું પાડવામાં આવે છે. પાઈપ લાઈન મારફત સાતેય તાલુકાના ૧૪, ૧૬,૬૪૦ નાગરિકોને પીવાનું પાણી આપવામાં આવે છે.

(9:20 am IST)