Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

પાણીનું મહત્વ સમજી કરકસરયુકત ઉપયોગ કરોઃ કુંવરજીભાઇ

રાજકોટઃ સુરેન્દ્રનગરઃ જિલ્લાના દેવગઢ ખાતે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ ગુજરાત રાજય પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા આયોજીત સુખભાદર ડેમ આધારિત ૧૫ ગામોની પાણી પુરવઠા યોજનાનું ભૂમિપૂજન કરતાં જણાવ્યું હતુ કે, છેવાડાના વિસ્તારોમાં વસતા લોકોને યોગ્ય માત્રામાં પીવાનું પાણી મળી રહે તે માટે રાજય સરકાર આયોજનબધ્ધ કાર્ય કરી રહી છે. જેના કારણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આરંભેલું નલ સે જલ અભિયાન ગુજરાતમાં સાચા અર્થમાં સાકાર થઈ રહયું છે. તેમણે પાણીનો કરકસરયુકત ઉપયોગ કરવા અનુરોધ કરતા જણાવ્યું હતુ કે, આજે અંતરિયાળ વિસ્તારો સુધી નર્મદાના નીર પહોંચ્યા છે, ત્યારે લોકોએ પણ પાણીનું મહત્વ સમજી તેનો કરકસર પૂર્ણ ઉપયોગ કરવો પડશે. પૂર્વ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા અને પૂર્વ સાંસદશ્રી શંકરભાઈ વેગડએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતુ. આ યોજના પૂર્ણ થતાં શીરવાણીયા, ગઢ શીરવાણીયા, સાંગોઈ, વાંટાવચ્છ તેમજ તેના બે પરા વિસ્તાર ઉમાપર અને અમરાપર, લાખાવાડ, દેવગઢ, નડાળા, ગરાંભડી, કસવાળી, નોલી તેમજ તેના બે પરા વિસ્તાર રામગઢ અને વિહળનગર, સુદામડા, નિનામા, નાના હરણિયા, શેખદોડ અને પીપળીયા ગામના લોકોને પીવાનું શુધ્ધ પાણી મળી રહેશે. મુખ્ય ઈજનેરશ્રી એલ. જે. ફફલ, અધિક્ષક ઈજનેર સર્વશ્રી એલ. કે. કોટા અને કાનાણી, અગ્રણીઓ સર્વશ્રી મહેશ મકવાણા, રણછોડ રબારી ઉપસ્થિત રહેલ.

(11:54 am IST)