Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

સારંગપુરમાં પૂ.મહંતસ્વામીની અધ્યક્ષતામાં યોજાનાર કુલડોલ ઉત્સવ અંતર્ગત સ્વચ્છતા અભિયાન

ભાવનગર તા.૧૬: તીર્થભૂમિ સારંગપુરમાં ભગવાન સ્વામિનારાયણના સમયથી ફુલદોલનો ઉત્સવ ખુબ જ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવાતો આવ્યો છે. આજ પ્રાસાદિક ભૂમિમાં આજે પણ તેમના આધ્યાત્મિક વારસદાર પ.પૂ. મહંતસ્વામી મહારાજે એ ઉત્સવ પરંપરાને જીવંત રાખી છે.

આ પુષ્પદોલોત્સવ ઉપક્રમે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, સારંગપુર દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. જેમાં દૂરસુદૂરથી પધારેલા હરિભકતો અને સારંગપુર સ્થિત સંત તાલીમ કેન્દ્રના સુશિક્ષિત સંતો પણ જોડાયા હતા. જેમા ગામનો મુખ્ય રસ્તો, ઉતાવળી અને ધોળા નદી અને ગામની ખુલ્લી ગટર લાઇનની સફાઇ કરવામાં આવી હતી. આ સ્વચ્છતા અભિયાન સતત ત્રણ દિસ ચાલ્યું હતું જેમાં ગામની સફાઇ તો થઇ પણ સાથે સાથે મચ્છરનો ઉપદ્રવ પણ ઘણો ઘટયો છે.

પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ પોતાના જીવનકાળ દરમ્યિાન અવારનવાર સ્વચ્છતા અભિયાનનું આયોજન કરતાં અને એમના જીવનમાંથી આપણને પણ સ્વચ્છતાની પ્રેરણા મળતી. તેઓ સંતો ભકતોને પણ સેવાકાર્યમા઼ જોડી સ્વચ્છતા જાગૃતિ લાવવાનું કાર્ય કરતા. આજે એ જ વારસો એમના આધ્યાત્મિક અનુગામી પ.પૂ. મહંતસ્વામી મહારાજે જીવંત રાખ્યો છે.

૨૧ માર્ચના દિવસે ઉજવાનાર આ ઉત્સવમાં દેર-પરદેશથી મુમુક્ષુ ભકતો લાભ લેવા પધારશે. પ.પૂ. મહંતસ્વામી મહારાજ ફુલોકી હોલી દ્વારા ભકતોને દિવ્ય સુખની લ્હાણી કરાવશે.

(3:25 pm IST)