Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

જૂનાગઢ જિલ્લાના દરેક મતદાન મથક ખાતે ચુનાવ પાઠશાલાની સ્થાપના કરાશે

જયાં ઓછું મતદાન થાય છે ત્યાં વિશેષ સ્વીપ પ્રોગામનું માર્ગદર્શન આપતા કલેકટર સૌરભ પારધી

જૂનાગઢ, તા.૧૬: જૂનાગઢ તા.૧૫ શરીરમાં જેટલું પ્રાણનું મહત્વ છે એટલું મહત્વ લોકશાહીમાં મતદાનનું છે. ચૂંટણીપંચે આ વર્ષેઙ્ગ પાત્રતા ધરાવતા એક પણ મતદાતા મતદાનથી વંચિત ન જાય એ થીમ પર સમગ્ર રાષ્ટ્રમાં મતદાર જાગૃતિ ઝુંબેશનું માર્ગદર્શન આપ્યું છે. જૂનાગઢ લોકસભા વિસ્તારમાં પણ એક પણ પાત્રતા ધરાવતા મતદાતા મતદાનથી વંચિત ન જાય એ માટે ઝુંબેશ ચાલી રહી છે. જૂનાગઢ જિલ્લાની લોક સંસ્થાઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ ઉપરાંત શાળા-કોલેજોના યુવા વિદ્યાર્થીઓ સહિત સૌ કોઈને મતદાર જાગૃતિ ઝુંબેશમાં જોડીને જિલ્લામાં લોકશાહીનું પર્વ વધુને વધુ મતદાન કરીને ઉજવવામાં આવે તે માટે જિલ્લાના અધિકારીઓના સંકલનથી ટિમ વર્ક કરવામાં આવશે.

 જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને આજે મતદાર જાગૃતિ અભિયાન સાથે જોડાયેલા સ્વીપ કોર કમિટીના તમામ સભ્યો સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. કલેકટર  સૌરભ પારધીએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચનો મુખ્ય હેતુ પાત્રતા ધરાવતો એક પણ નાગરિક મતદાનથી વંચિત ન જાય અને વીવીપેટ ઇવીએમથી થતા મતદાનની તેમની જાણકારી મળે તેવો છે. હાલ જૂનાગઢ જિલ્લાના વિવિધ સ્થળોમાં મતદાર જાગૃતિ રથ ફરી રહ્યો છે તેના હકારાત્મક પ્રતિભાવોની પણ સમીક્ષા કરી હજુ વિવિધ ઔદ્યોગિક વિસ્તાર, શૈક્ષણિક સંસ્થાઓ, એસોસીએશનો, અને જયાં યુવા મતદારો છે તે વિસ્તાર તેમજ પાછલી ચૂંટણીમાં જયાં ઓછું મતદાન થયું છે એવા ખાસ સમુદાયોમાં તેની જાગૃતિ ફેલાવવામાં આવે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

ચૂંટણીપંચની માર્ગદર્શિકા અનુસાર જૂનાગઢ જિલ્લાના દરેક મતદાન મથક ખાતે ચુનાવ પાઠશાળાની સ્થાપના કરવામાં આવશે. મતદાર મિત્ર દ્વારા મતદાર જાગૃતિ કરવા અંગે નોડલ ઓફિસરશ્રી અને જિલ્લા શિક્ષણાધિકારીને સુચના આપવામાં આવી હતી. સમાજની મુખ્ય ધારાથી દૂર રહેલા અને ખાસ કેવા પ્રાથમિક રીતે જણાતા વિસ્તારમાં પણ મતદાન જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવશે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી  પ્રવીણ ચૌધરી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી  વી.એન.સરવૈયા તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ અને મનસુખભાઈ વાજા સહિતના સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:40 am IST)