Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

મોરબીના ૫ ગામના ખેડૂતોને નર્મદા યોજના માટે પૂર્વે જમીન સંપાદન બાદ વળતર કયારે ચુકવાશે?

મોરબી તા. ૧૬ : સરકાર દ્વારા વિવિધ યોજનાઓ માટે ખેડૂતો પાસેથી જમીન સંપાદન કરવામાં આવતી હોય છે. જોકે મોરબી તાલુકાના પાંચ ગામના ખેડૂતોની જમીન સંપાદિત કર્યાને ૨૦ વર્ષ વીતી ગયા છતાં વળતરના ઠેકાણા નથી અને ખેડૂતોએ કોર્ટમાં કરેલ દાવાને પગલે કોર્ટે આપેલ ચુકાદા બાદ હજુ પણ વળતર મળ્યું નથી જેથી આજે ખેડૂતોએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવીને જલ્દીથી વળતર મળે તેવી માંગ કરી છે.

મોરબી તાલુકાના પાંચ ગામના ખેડૂતોની જમીન સરકારે સંપાદિત કરી હતી નર્મદા યોજના અન્વયે નહેર બાંધકામ માટે સંપાદિત કરેલ જમીનનું વળતર ખેડૂતોને પૈસામાં નક્કી કરાયું હોય ૨૦ વર્ષ પૂર્વે લીધેલી જમીનના નજીવા વળતરના વિરોધમાં ખેડૂતોએ કોર્ટમાં જઈને ન્યાય માંગ્યો હતો અને ૨૯-૦૯-૨૦૧૭ ના રોજ કોર્ટના ચુકાદા છતાં હજુ સુધી ખેડૂતોને વળતર મળ્યું નથી જે મામલે મોરબીના નીચી માંડલ, ઘૂટું, ઉંચી માંડલ, હરીપર (કેરાળા) અને કેરાળા એમ પાંચ ગામના ખેડૂતોએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું અને કોર્ટ દ્વારા નર્મદા કેનાલની સંપાદિત જમીનનો આપવામાં આવેલ ચુકાદા મુજબ તાત્કાલિક નિર્ણય કરી વળતરની રકમ ખેડૂતોને ચુકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ખેડૂતોની જમીનનો કબજો લીધાને ૨૦ વર્ષથી વધુનો સમય વીત્યો છે અને કોર્ટ દ્વારા મંજુર કરેલ વળતર આજદિન સુધી મળ્યું નથી જે અંગે યોગ્ય પગલા ભરીને તાકીદે વળતર ચુકવવામાં આવે તેવી માંગ કરી છે.

(10:25 am IST)