Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

બારડની સજાને સ્ટે કરતાં હુકમને હાઇકોર્ટે રદ કર્યો

તાલાલાના સભ્ય ભગવાન બારડની મુશ્કેલીમાં વધારો : સેશન્સ કોર્ટને ફરીથી મામલાની સુનાવણી કરવા આદેશ સેશન્સ કોર્ટના હુકમને પડકારતી સરકારની અરજી મંજૂર

અમદાવાદ, તા.૧૫ : તાલાલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડને સને ૧૯૯૫ના રૂ.૨.૫૩ કરોડની ખનીજ ચોરીના કેસમાં બે વર્ષ અને નવ મહિનાની સજા ફટકારી હતી. આ ચુકાદાથી નારાજ થયેલા ભગવાન બારડે વેરાવળ સેશન્સ કોર્ટમાં અપીલ કરતાં સેશન્સ કોર્ટે જયુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટના સજાના હુકમ સામે સ્ટે જારી કરી દીધો હતો. જેને પગલે રાજય સરકાર તરફથી ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશ્યલ ક્રિમીનલ એપ્લીકેશન દાખલ કરી સજાને સ્ટે કરતાં સેશન્સ કોર્ટના હુકમને પડકારાયો હતો. જેની સુનાવણીમાં આજે જસ્ટિસ સોનિયાબહેન ગોકાણીએ રાજય સરકારની અરજી મંજૂર કરી બારડની સજાને સ્ટે કરતાં વેરાવળ સેશન્સ કોર્ટના હુકમને રદબાતલ ઠરાવ્યો હતો. એટલું જ નહી, હાઇકોર્ટે સમગ્ર મામલાની ફરીથી સુનાવણી હાથ ધરવા સેશન્સ કોર્ટને હુકમ કર્યો હતો. હાઇકોર્ટના આ હુકમને પગલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડની મુશ્કેલીમાં વધારો થયો છે. તાલાલાના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડે ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરવા અને તાલાલાની પેટાચૂંટણી જાહેર કરવાના નિર્ણયને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યા છે. બીજીબાજુ રાજય સરકારે પણ બારડની સજાને સ્ટે કરતાં વેરાવળ સેશન્સ કોર્ટના હુકમ સામે ગુજરાત હાઇકોર્ટમાં ખાસ ફોજદારી અરજી દાખલ કરી હતી. જેમાં એડવોકેટ જનરલ કમલભાઇ બી.ત્રિવેદી અને એડિશનલ એડવોકેટ જનરલ પ્રકાશભાઇ કે.જાનીએ મહત્વની દલીલો કરતાં જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં સૂત્રાપાડાની જયુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટે પુરાવાઓ અને કાયદાકીય જોગવાઇઓને લક્ષ્યમાં લઇને પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડને બે વર્ષ અને નવ મહિનાની સજાનો ચુકાદો આપ્યો છે. એટલું જ નહી, જયુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટે તેના ચુકાદામાં રૂ.૨.૫૩ કરોડની ખનીજ ચોરી થયાનું સ્પષ્ટ તારણ આપ્યું છે. આવા ચુકાદાથી નારાજ થઇને જયારે બારડે સેશન્સ કોર્ટમાં અપીલ કરી ત્યારે સામાન્યતઃ અપીલની સુનાવણી દરમ્યાન જે વ્યકિતને સજા થઇ છે તે જામીન માટેની માંગણી કરી શકે પરંતુ ચુકાદાને સ્ટે કરવાની માંગણી સેશન્સ કોર્ટ દ્વારા સ્વીકારી શકાય નહી. આ બાબતે સુપ્રીમકોર્ટે તેના જુદા જુદા ચુકાદાઓ મારફતે એ સિધ્ધાંત પ્રસ્થાપિત કર્યો છે કે, એક વખત સજાનો હુકમ થઇ જાય ત્યારપછી બહુ જ અપવાદરૂપ કેસમાં સજાના ચુકાદાની સામે સ્ટે આપવો જોઇએ. કારણ કે, સ્ટે આપવાથી આખા જજમેન્ટને નિરર્થક બનાવી દેવાય છે અને તે જજમેન્ટ અપાયું જ નથી, તેવી સ્થિતનું નિર્માણ થાય છે. તેથી આ કેસના સંજોગો જોતાં એવું કંઇ અનિવાર્ય ન હતું કે, સેશન્સ કોર્ટે ખાસ અધિકારનો ઉપયોગ કરી સજાના ચુકાદા સામે સ્ટે જારી કરવો જોઇએ.

વધુમાં સેશન્સ કોર્ટે આ જજમેન્ટને સ્ટે કરતાં પહેલા કાયદાની જોગવાઇ પ્રમાણે, અદાલત સજાનો હુકમ શા માટે સ્ટે કરે છે તેના કારણો વિગતવાર જણાવવા જોઇએ, પરંતુ જણાવ્યા નથી. આ કેસમાં કાયદાકીય જોગવાઇઓ અને સુપ્રીમકોર્ટના પ્રસ્થાપિત ચુકાદાનો ભંગ થયો છે, તેથી હાઇકોર્ટે વેરાવળ સેશન્સ કોર્ટના બારડની સજાને સ્ટે કરતાં હુકમને ગેરકાયદે અને રદબાતલ ઠરાવવો જોઇએ. જસ્ટિસ સોનિયાબહેન ગોકાણીએ સરકારપક્ષની આ દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટનો હુકમ રદ કરી ફરીથી આ સમગ્ર મામલે સેશન્સ કોર્ટને સુનાવણી હાથ ધરવા હુકમ કર્યો હતો.

(7:48 pm IST)
  • અમદાવાદમાં બાકીદારો ઉપર તૂટી પડતું મ્યુનિસીપલ કોર્પોરેશનઃ ૧૨૦૦ મિલ્કતો સીલઃ છેલ્લા ત્રણ દિવસમાં ૩ હજારથી વધુ મિલ્કતો સીલઃ અમદાવાદ કોર્પોરેશનને આ વર્ષે ૭૯૬ કરોડની આવકઃ ૯૦૦ કરોડની આવકનો લક્ષ્યાંક પૂર્ણ કરવા તંત્ર મકકમ access_time 3:24 pm IST

  • ઓલ ઇન્ડિયા બાર એક્ઝામીનેશન XIII (AIBE XIII )નું પરિણામ થયું જાહેર : પરિક્ષાર્થીઓ પોતાના પેપરની પુનઃ ચકાસણી માટે 15 થી 31 માર્ચ સુધીમાં રૂ. 200 ભરીને અરજી કરી શકશે : પરિણામ http:// aibe13. allindiabarexamination. com/result. aspx વેબસાઈટ પર જોઈ શકાય છે access_time 9:50 pm IST

  • દેશમાં સૌથી મોટી સમસ્યા બેરોજગારી, જો અમારી સરકાર આવશે તો ગરીબોના ખાતામાં રૂપિયા જમા કરશે : રાહુલઃ રાહુલ ગાંધીએ કહ્યું કે જો અમારી સરકાર આવશે તો મર્યાદા કરતાં ઓછી આવક હશે તેને રૂપિયા મળશે : અમારી સરકાર ગરીબોના ખાતામાં પૈસા જમા કરશે access_time 3:24 pm IST