Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

કાલે વિરપુર (જલારામ)માં આઠમો સર્વજ્ઞાતી સમુહ લગ્નોત્સવ : ૯૬ નવદંપતિ પ્રભુતામાં પગલા પાડશે

વિરપુર (જલારામ) તા.૧૬ : સુપ્રસિધ્ધ યાત્રાધામ પૂજય જલારામ બાપાની ભૂમિ વિરપુર ગામે સામાજીક પ્રવૃતિઓમાં સતત અગ્રેસર રહેલી સામાજીક સંસ્થા આવિષ્કાર યુનિવર્સલ ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા હેત પ્રાયમરી સ્કુલ આવિષ્કાર મહિલા વિકાસ મંડળના સંયુકત ઉપક્રમે આયોજીત આઠમો સર્વજ્ઞાતીય સમુહલગ્ન આગામી તા.૧૭ રવિવારે યોજાશે. જેમાં ૯૬ સર્વજ્ઞાતીના યુગલો પ્રભુતામાં પગલા માંડશે એકી સાથે એક જ દિવસમાં ૯૬ નવદંપતીઓના લગ્ન વિરપુર ગામની દ્વિતીય વખત ઘટના છે.

પ્રખ્યાત ભાવેશભા કોઠારી અને નિખીલભાઇ કોઠારીની માલીકીની જમીન જે કોઠારી મેદાન તરીકે ઓળખાય છે તે ગ્રાઉન્ડમાં સવારે ૭ થી ૧૦ ૩૨ નવદંપતીઓ ૧૦ થી ૧ ૩૨ નવદંપતીઓ તેમજ રાત્રીના ૬ થી ૯ ૩૨ નવદંપતીઓના લગ્નના આયોજન ત્રણ વિભાગમાં હાથ ધરાયા છે. આ સમુહલગ્નમાં મુંબઇ શહેરના દાતાશ્રીઓનો અભૂતપૂર્વ સહયોગ રહ્યો છે.

દાતાઓના સહયોગથી દરેક નવદંપતીઓને ૮૦ જેટલી વસ્તુઓ કરિયાવરમાં અપાશે. મુંબઇ શહેરથી વિનોદભાઇ ચોથાણી, ભુપેન્દ્રભાઇ જોશી, હેમાબેન દાવડા, થાણેના દાતા નાનજી ખીમજી થાણાવાલા, ભુલેશ્વર મંદિરના યોગેશભાઇ વસાણી રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, પ્રખર હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા, ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, જેતપુરના પૂર્વ ધારાસભ્ય જશુમતીબેન કોરાટ, જેતપુરના મનસુખભાઇ ખાચરીયા, ગોંડલના રમેશભાઇ ધડુક, સંતો મહંતો, ભોજલરામ મંદિરના ગાદીપતી ભકિતરામબાપા, ઉગમબાપા આશ્રમ બાંદ્રાના ગાદીપતી ગોરધનબાપા, કડબાલ બાપા સિતારામ મંદિરના જયેશભાઇ સોઢા, સમસ્ત ખાંટ રાજપૂત સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. હિન્દુ શાસ્ત્રોકત લગ્ન વિધી માનકેેશ્વર મંદિરના પૂજારી મુકુંદ અદા કરાવશે. એક જ દિવસમાં ૮૦૦૦ માણસો માટે ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાશે.

૩૦૦ સ્વયંસેવકો ખડે પગે સેવા આપશે. આયોજન બેનમુન હોય વિરપુર ગામમાં અનેરો ઉત્સાહપ્રેરે છે. સંસ્થા દ્વારા આયોજનની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉપરોકત સર્વજ્ઞાતીય સમુહલગ્નમાં નવદંપતીઓને આશિર્વાદ આપવા સૌ જ્ઞાતિના આગેવાનો, સાધુ સંતો ઉપસ્થિત રહેવા સંસ્થાના પ્રમુખ અનિલભાઇ સરવૈયાએ અપીલ કરી છે.(૪૫.૫)

(12:16 pm IST)