Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

ધોરાજીમાં કડિયા સમાજ દ્વારા પૂ.શામજીબાપુની પુણ્યતિથી ઉજવાઇ

ધોરાજી, તા.૧૬: ધોરાજી સમસ્ત કડિયા સમાજ દ્વારા શ્યામવાડી ખાતે સતાધારના સંત શિરોમણી ભકતભૂષણ શામજીબાપુની ૩૬મી પુણ્યતિથિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવેલ હતો. જેમાં ગુજરાત બક્ષીપંચ નિગમના ચેરમેન અને ચોટીલા આપાગીગા ઓટલાના મહંત શ્રી નરેન્દ્રબાપુ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા અને પૂજય શામજીબાપુની પુણ્યતિથિ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું આ સાથે સમાજને એક થવા આશીર્વાદ પાઠવ્યા હતા.

અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ એ પૂજય શામજીબાપુને ૩૬મી પુણ્યતિથિ પ્રસંગે જણાવેલ કે સતાધાર આજે વિશ્વની અંદર પ્રસિદ્ઘ પામેલ છે એનું કારણ શામજીબાપુની અનેરી સમાજ સેવા છે. જેના ભાગરૂપે આજે સમસ્ત કડિયા સમાજ ભેગો થયો છે ત્યારે ગુજરાત સરકારના બક્ષીપંચના જે લાભો મળે છે સમાજને એ લાભ લેતા નથી કા તો લાભ લેતાં આવડતું નથી આ બાબતે કડિયા સમાજના હોદ્દેદારોએ સમાજલક્ષી વધુ યોગદાન આપે તેઓ ભાર મૂકયો હતો. અને આજે ગુજરાત બક્ષીપંચ આપણા સમાજના સંત શિરોમણી નરેન્દ્ર બાપુ સોલંકીની જવાબદારી છે તો વધુ લાભ મેળવે તેઓ જ્ઞાતિજનોને જણાવ્યું હતું. આ સાથે સમસ્ત કડિયા સમાજના પ્રમુખ રાજેન્દ્રભાઈ યાદવ કડીયા કેળવણી મંડળના પ્રમુખ પંકજભાઈ મકવાણા મંત્રી લલિતભાઈ મકવાણા વિગેરે એ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

આ પ્રસંગે ૩૬ મી પુણ્યતિથિ મહોત્સવના દાતાશ્રી મગનભાઈ ગોહેલ, વિનોદભાઈ ગોહેલ, બીપીનભાઈ ગોહિલ, કિશોરભાઈ ગોહિલ, અશ્વિનભાઈ ગોહિલ વિગેરેનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વિજયભાઈ હીરાભાઈ પોરીયા લલિત ભાઈ મકવાણા, પંકજભાઈ મકવાણા, નયનભાઈ કુહાડીયા, ભરતભાઇ બગડા, પ્રવિણભાઇ રાઠોડ, કિશોરભાઈ વાઘેલા, મનોજભાઈ રાઠોડ,  પરસોતમભાઈ કાચા, મોહનભાઈ ટાંક, વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

શામજીબાપુની પુણ્યતિથિ પ્રસંગે દીપ પ્રાગટ્ય સાથે-સાથે દાતાશ્રીઓનો સન્માન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું કાર્યક્રમનું સંચાલન પંકજભાઈ મકવાણા કરેલું હતું.(૨૩.૩)

 

(12:14 pm IST)