Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

હોસ્‍પિટલના કામના લીધે ઉતાવળમાં નાણાં લીધા વિના જ ATM છોડી જનાર ગ્રાહકનાં પાછળથી નાણાં ઉપાડવા આવેલ જૂનાગઢના મુસ્‍લિમ બિરાદરે નાણાં લઇ પોલીસ મારફત SBIને ૮ હજાર રૂપિયા પરત આપ્‍યા!

જૂનાગઢ,તા. ૧૬:  સુખનાથ વિસ્‍તારમાં રહેતા હુસેનભાઈ બીલખિયા મજેવડી ગેઇટ પાસે આવેલ એસબીઆઈના એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયા હતા. જે દરમિયાન એક ભાઈ એટીએમમાંથી બહાર નીકળતા નીકળતા જયારે હોસ્‍પિટલના કામમાં જરૂર હોય, કોઈ બીમાર હોય રૂપિયાની જરૂર હોય ત્‍યારે પણ પોતાના પૈસા આપણનેનો મળે, એટીએમમાંથી રૂપિયાના નીકળેᅠ તો શું કામનું...? એમ બબડતા બબડતા બહાર નીકળેલા હતા. ત્‍યારબાદ આ હુસેનભાઈ બીલખિયા રૂપિયા ઉપાડવા જતા, કોઈ પણ કાર્યવાહી કર્યા વગર રૂ. ૮,૦૦૦/- એટીએમ માંથી બહાર નીકળેલા પડયા હતા. હુસેનભાઈ બીલખિયાને ખ્‍યાલ આવી ગયો હતો કે જે ભાઈ બોલતા બોલતા બહાર નીકળતાં હતા તેના જ આ રૂપિયા છે. હોસ્‍પિટલનું કામ હોવાની વાત સાંભળેલી તેથી પોતે જોયે ઓળખાતા હોય, હોસ્‍પિટલમાં પણ તપાસ કરેલી પણ પેલા ભાઈ મળ્‍યા ના હતા. જેથી, હુસેનભાઈ બીલખિયા સુખનાથ વિતારના કોર્પોરેટર અશરફભાઈ થૈમ ને લઈને આ અંગેની જાણ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને કરવામાં આવેલ હતી.

ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્‍ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, રીડર પીએસઆઇ આર.કે.સાનીયા તથા સ્‍ટાફના એ.એસ.આઈ. રવિરાજસિંહ, પો.કો. ચંદ્રેશભાઈ, હરદાસભાઇ, નરેન્‍દ્રભાઈ, સહિતની ટીમ દ્વારા હુસેનભાઇ બીલખિયાની રજુઆત આધારે શનિ રવીની રજા હોય પરંતુ, બેંકના ગ્રાહકના રૂપિયાનો સવાલ હોઈ, એસ.બી.આઈ. બેન્‍ક, સર્કલ ચોક બ્રાન્‍ચના મેનેજર અમિત સરગાનાનો સંપર્ક કરી, આખી વિગત જાણ કરવામાં આવેલ અને મજેવડી ગેઇટના એટીએમમાંથી રૂ. ૮,૦૦૦/- નું ટ્રાન્‍જેકશન ચેક કરી, ગ્રાહકની વીગત આપવા જાણ કરવામાં આવેલ હતી. જે દરમિયાન એસબીઆઈ, સર્કલ ચોક બ્રાન્‍ચના મેનેજર અમિત સરગાના દ્વારા બેંકમાં રજા હોવા છતાં, સ્‍ટાફને દોડાવી, મજેવડી ગેઇટના એટીએમના ટ્રાન્‍જેકશન તપાસી, ગ્રાહકની વિગત ચેક કરતા, આ સમયમાં ગ્રાહક દ્વારા રૂપિયા ઉપાડવા આવેલાની વિગત મળી આવેલ હતી. પરંતુ, એ પૈકીના તમામ ગ્રાહકોને બોલાવી, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ રેંજના સાયબર સેલ પોલીસ સ્‍ટેશનના પો.કો. નરેશભાઈ તથા એ ડિવિઝન સ્‍ટાફ દ્વારા આજદિન સુધી અલગ અલગ બેંકમાં તપાસ કરાવતા, બેન્‍ક એકાઉન્‍ટ મળી આવેલ ના હતો. આ રૂપિયા કોના હતા..? એ નક્કી થતું ના હતું. જેથી, હુસેનભાઈ બીલખિયાને પાછા બોલાવી, રીડર પીએસઆઇ આર.કે.સાનિયા રૂબરૂ તેઓની હાજરીમાં સ્‍ટેટ બેન્‍ક ઓફ ઇન્‍ડિયાના સર્કલ ચોક બ્રાન્‍ચના મેનેજર અમિત સરદાના તથા ડામોરને રોકડા રૂપિયા ૮,૦૦૦/- સુપ્રત કરવામાં આવેલ હતા. બેન્‍ક દ્વારા હુસેનભાઈ બીલખિયાને રૂપિયા આપવા બદલ પહોંચ પણ આપવામા આવેલ હતી.

 જૂનાગઢ સુખનાથ વિસ્‍તારના સામાન્‍ય માણસ હુસેનભાઈ બીલખિયાની ઇમાનદારીના કારણે એસબીઆઈ બેંકના સહયોગથી બેંકના ગ્રાહકના એટીએમમાં ઉપાડવા આવેલા રૂ. ૮,૦૦૦/- પરત બેંકમાં જમા કરાવતા, પોલીસ અધિકારીઓ દ્વારા હુસેનભાઈ બીલખિયાની પ્રમાણિકતાને બિરદાવવામાં આવેલ હતી અને બેંકના ગ્રાહકને પણ કોઈ ગ્રાહક દ્વારા તા. ૦૯.૧૦.૨૦૨૦ ના રોજ સાંજના ૭.૩૦ વાગ્‍યે મજેવડી ગેઇટ પાસે આવેલ એસબીઆઈના એટીએમ ઉપર રૂ. ૮,૦૦૦/- ઉપાડવા ગયા હોય અને રૂપિયા ઉપડયા ના હોય તેઓએᅠ એસ.બી.આઈ. બેન્‍ક, સર્કલ ચોક અથવા ડીવાયએસપી કચેરીનો સંપર્ક કરવા વિનંતી પણ કરવામાં આવેલ છે. જેથી, જરૂરિયાત વાળા ગ્રાહકના રૂપિયા પરત મળી શકે.

(1:28 pm IST)