Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

પોરબંદરમાં ઇજા પામેલ ૧૨૦ પક્ષીઓની કરૂણા અભિયાન હેઠળ તાત્કાલીક સારવાર કરી

પોરબંદર તા,૧૬: કરૂણા અભિયાન અંતર્ગત પતંગની દોરથી ઘવાયેલા ૧૨૦ જેટલા પક્ષીઓને પોરબંદર પક્ષી અભ્યારણ્ય ખાતે સારવાર આપવામા આવી છે. જયારે પાંચ પક્ષીઓના પીડાદાયક મોત નિપજયા છે. મકરસંક્રાતિના દિવસે ૬૭ જેટલા પક્ષીઓને ઇજા પહોચતા ડોકટર્સ અને સેવાભાવી લોકોએ સતત ૧૪ કલાક જેટલો સમય સેવા બજાવી ઘાયલ પક્ષીઓને સારવાર આપી હતી.

ઉતરાયણ પર્વ નિર્મિતે આકાશમા ચગતી પતંગોની દોરથી ઘવાયેલા પક્ષીઓને સારવાર આપવા પોરબંદર જિલ્લામા પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા ખાતે પશુ દવાખાનાની ૧૯૬૨ નંબરના વાહન મારફત ડોકટર્સ દ્વારા તત્કાલ સારવાર આપવામા આવે છે.

પક્ષી અભ્યારણ્ય ખાતે તા.૧૦ જાન્યુઆરીથી તા.૧૫ જાન્યુઆરી સુધી ૧૨૦ જેટલા  પક્ષીઓની સારવાર કરવામાં આવી છે. જયારે પાંચ પક્ષીઓના મૃત્યુ થયા છે. સામાન્ય ઇજા પહોંચતા પક્ષીઓને સારવારના અમુક કલાકો/દિવસો બાદ આઝાદ કરવામાં આવે છે. જયારે વધુ ઘવાયેલા પક્ષીઓને આજીવન એક મર્યાદિત સ્થળ પર જ રાખવામાં આવે છે.

પોરબંદર પક્ષી અભ્યારણ્ય ખાતે ઘાયલ પક્ષીઓની સારવાર કરતા ડો.અમીનકુમાર શ્રીવાસ્તવે તથા ડો.હર્ષે જણાવ્યુ કે, ૧૪મી જાન્યુઆરીના રોજ ૬૭ પક્ષીઓ પતંગની દોરથી ઘવાયા હતા. જેમા સૌથી વધુ કબુતર અને કુંજ હતા. પક્ષીઓને વધુ પીડા ભોગવવી ન પડે તે માટે મકરસંક્રાતિના દિવસે અમે સવારે ૮ કલાક થી રાતના ૧૦ કલાક સુધી ઘાયલ પક્ષીઓની સારવાર કરી હતી. ગંભીર રીતે ઘવાયેલા ફલેમીંગોનુ ઓપરેશન કરીને શ્રીવાસ્તવે કહ્યુ કે, આ રાજય પક્ષીને પગમાં ગંભીર ઇજા પહોંચી હતી. જેથી એમનો એક પગ કાપવાની ફરજ પડી હતી. આ ઉપરાંત તેની પાંખમાં પણ ઇજા પહોંચી છે. જેથી આ પક્ષીની ઉડવાની સંભાવના નહિવત છે, પણ સમયસર તેને સારવાર માટે લાવવામા આવતા તેનો જીવ બચી ગયો છે. તે જીવે ત્યા સુધી તેને ફોરેસ્ટ વિભાગ દ્વારા સુરક્ષીત સ્થળે રાખવામાં આવશે.

કરૂણા અભિયાન અંતર્ગત પક્ષીઓની સારવાર માટે  ડો.અમીનકુમાર શ્રીવાસ્તવ ઉપરાંત ડો.હર્ષ, ડો. કણઝારીયા, ડો હસમુખ પટેલ, વેટ.આસીસ્ટન્ટ બાપોદરા વિજય સહિત સેવાભાવી ડોકટર્સ સહિત પક્ષી પ્રેમીઓ ફરજ બજાવી રહ્યા છે.  (સંકલનઃ જીતેન્દ્ર નિમાવત માહિતી બ્યુરો પોરબંદર)

(9:51 am IST)