Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

બે સદી પછી પણ ખૂટયો નથી આ પ્રસાદ !

જલારામબાપાના અન્નધામમાં ભોજન પ્રસાદની સાથે થશે રામનું ભજન પણ...

ટુકડો ત્યાં હરિ ઢૂંકડો... આ ચાર શબ્દ કયાંય પણ વંચાય-સંભળાય એટલે તરત એક જગ્યાનું સ્મરણ થાય. એ છે વીરપુર-જલારામબાપાની જગ્યા, જલારામબાપા અને વીરબાઈમાની ભકિતની જ્યોત બબ્બે સદીની અવધિ વટાવ્યા પછી પણ ઝળહળે છે. આ વીરપુરનું ધાર્મિક મહાત્મ્ય હોવા ઉપરાંત એ જગમાં જાણીતુ છે એના અન્નક્ષેત્રથી અને વિશ્વમાં કદાચ કયાંય જોટો ન જડે એવી વાત એ છે કે ભોજન કરાવવાની આ સદ્વૃતિનાં અવિરત ૨૦૦ વર્ષ આ વર્ષે પૂર્ણ થઈ રહ્યા છે. એ નિમિત્તે ૧૮થી ૨૬ જાન્યુઆરી સુધી જલિયાણધામ વીરપુરમાં મોરારિબાપુની કથાનું પણ આયોજન થઈ રહ્યુ છે. રામનું ભજન અને જલારામના ભોજનનો પ્રયાગ વીરપુરમાં રચાશે.

વીરપુરમાં પૂજ્ય મોરારિબાપુની રામકથા અગાઉ નવેમ્બર, ૨૦૦૩ (માનસ રામભગત) અને ડિસેમ્બર, ૨૦૧૧ (માનસ ભગત શિરોમણિ)માં યોજાઈ ગઈ છે. આ વખતે ત્રીજી રામકથા છે. પૂ. જલારામબાપા પ્રત્યે બાપુનો આદર અને અહોભાવ જાણીતા છે, પરંતુ આ વખતે કથાનું જે નિમિત છે એ પણ વધારે અગત્યનું છે. જો કે વીરપુર જલારામની જગ્યાના પરિવારે આટલા વર્ષોમાં કયારેય એક પણ પ્રવૃતિનો પ્રચાર કયાંય કર્યો નથી - થવા પણ દીધો નથી. પોતે તો કોઈને ન કહે, પરંતુ કોઈ એમની આ વાત લખે તો પણ એમને કયારેય એ ગમે નહીં એટલી નિઃસ્પૃહતાથી એ બાપાના વિચારને જીવંત રાખી રહ્યા છે.

જો કે અહીં સૌથી વધુ અગત્યનું કે એક જગ્યાએ દરરોજ સેંકડો માણસો છેલ્લા બસ્સો વર્ષથી બન્ને ટંક ભોજન લે છે. વીરપુરનું સદાવ્રત કહો કે પ્રસાદગૃહ, એ બે સદી દરમિયાન કયારેય બંધ નથી રહ્યું. આપણે ત્યાં ધાર્મિક જગ્યા કે મંદિર વગેરેની વાત આવે એટલે તરત ચમત્કાર કે પરચાની ચર્ચા શરૂ થઈ જાય. બસ્સો વર્ષથી કોઈ એક અન્નક્ષેત્ર સતત ચાલુ હોય ત્યાં ભોજન-પ્રસાદ લેનારાની સંખ્યા ઘટે નહીં, પણ વધતી જાય એ પોતે જ મોટો એક ચમત્કાર છે ! વિક્રમ સંવતના કેલેન્ડર અનુસાર મહાસુદ બીજ, ૧૮૭૬ના દિવસે જલારામબાપા અને વીરબાઈમાએ શરૂ કરેલુ સદાવ્રત શરૂ કરેલું સદાવ્રત આજે વિક્રમ સંવત ૨૦૭૬માં પણ ચાલુ છે.

દરરોજ સવારે ૯.૩૦ વાગ્યે પહેલી પંગત પડે અને બપોરે અઢી વાગ્યા સુધી ભાવિકો-ભકતો પ્રસાદ લે. મીઠી બુંદી, બટેટાનું રસાવાળુ શાક, રોટલી, મગ અને સાંજે ખીચડી-કઢી. ભોજન માટે આવનારાનું ન તો નામ પૂછવામા આવે કે ન ધર્મ-જાતિ કે કયાંથી આવ્યા ? એવો સવાલ થાય. જલારામબાપાનો જીવનમંત્ર હતો કે આંગણે આવેલી કોઈ વ્યકિત ભૂખી ન જવી જોઈએ.. એ મૂળ વિચારને એમના વંશજો પણ નિભાવી રહ્યા છે. વીરપુરમાં બન્ને સમય જે પીરસવામાં આવે છે એને ભોજન નહીં, પણ પ્રસાદ કહે છે, કારણ કે એ ભોજન તૈયાર થયા બાદ જ મંદિરમાં થાળ ધરાવવામાં આવે છે.

તૈતરિય ઉપનિષદનો શ્લોક છેઃ અન્નં બ્રહ્મેતિ વ્યજાનાત.. અન્નને બ્રહ્મ જાણ... એ અહીં ચરિતાર્થ થાય છે. જલારામબાપાએ ૨૦૦ વર્ષ પહેલા આ સેવા શરૂ કરી ત્યારે આવો ખ્યાલ પણ નહીં હોય કે અચાનક લેવાનું આવેલુ આ વ્રત ભવિષ્યમાં તપ બની જશે. પૈતૃક વ્યવસાયમાં મન ન લાગ્યું અને એમણે ખેતી કરી. લોકોની સેવા કરવાનું શરૂ કર્યુ. વીરબાઈમાં જેવા પારાયણ વ્યકિત જીવનસાથી બન્યા એટલે સેવાને શકિત પ્રાપ્ત થઈ. ફકત ભોજન કરાવી દેવું એ એક માત્ર ઉદ્દેશ નથી. ભોજનમાં સમર્પણ, સેવાની સુવાસ છે. અહીં કેન્દ્રમાં સ્વાદ નહીં, હરિહરનો સાદ છે.

સો વર્ષ પહેલાનો દુષ્કાળ, ૧૯૮૬-૮૭ની અછત કે ૧૯૯૯નું નબળું વર્ષ, ૨૦૦૧નો ધરતીકંપ કે રમખાણ જેવા કોઈ પણ કપરા દિવસ-સંજોગમાં આ ભોજન યજ્ઞ બંધ રહ્યો નથી. તહેવાર કે જાહેર રજામાં તો કેટલા લોકો પ્રસાદ લે એનો કોઈ હિસાબ નથી, પરંતુ સામાન્ય દિવસમાં કે રવિવારે પણ સંખ્યા બમણી-ત્રણ ગણી થઈ જાય છે અને કયારેય કોઈ ગણતરી કરવામાં આવી નથી કેેટલું અનાજ, ઈંધણ કે શાક વપરાયુ. હવે તો એ વાત પણ અજાણી નથી કે ૯ ફેબ્રુઆરી, ૨૦૦૦થી આ જગ્યામાં કોઈ પણ દાન-ભેટ સ્વીકારવાનું બંધ થયુ છે અને પ્રસાદની ગુણવત્તા કે ભોજન કરાવવાનો અંતરનો ભાવ તો યથાવત છે.

જે લોકો જગ્યામાં કે નજીક બનેલી ભોજન શાળામાં આવે છે એમાં તો સમાજના તમામ વર્ગના લોકો હોય છે. મોટી મોટી મોટરકારમાંથી પણ ઉતરીને લોકો ત્યાં પલાંઠી વાળીને જમવા બેસે છે એટલે ત્યાં ફકત ગરીબો જ નથી જમતા. જરૂરતમંદ લોકો માટે છેલ્લા કેટલાક સમયથી જગ્યા દ્વારા માધુકરી નામે પ્રકલ્પ શરૂ કરવામાં આવ્યો છે. એ લોકો ઝૂંપડા કે કયાંય પણ રહેતા હોય ત્યાં ભોજન પહોંચાડવામાં આવે છે. દુષ્કાળ વખતે પશુ માટે ઘાસચારાની વ્યવસ્થા જગ્યા દ્વારા કરવામાં આવે, સાથે જ એના માલધારી માટે પણ ભોજન આપવામાં આવે છે. ધરતીકંપ વખતે માલ-સામાનની કિટ પણ પહોંચાડવામાં આવી હતી.

મોટી વાત એ છે કે આ યુગમાં પણ એક નાના ગામમાં વર્ષોથી નહીં, દાયકાઓથી આવું સદાવ્રત ચાલે છે. આ અન્નક્ષેત્રને બસ્સો વર્ષ પૂર્ણ થાય છે. એ નિમિત્તે મોરારિબાપુ ફરી રામકથા કહેવાના છે. મોરારિબાપુની વ્યાસપીઠનો સંદેશ છેઃ સત્ય, પ્રેમ, કરૂણા, જલારામબાપાએ બસ્સો વર્ષ પહેલા શરૂ કરેલા ભોજનયજ્ઞમાં પણ વાત તો આ જ છે ને હજારો-લાખો આસ્થાળુઓનો અનુભવ છે કે આ જગ્યાનું એક આગવું સત છે, જેના પ્રતાપે જ અહીંનું અન્નક્ષેત્ર ૨૦૦ વર્ષથી અવિરત ચાલે છે ને અવિરત ચાલતું રહેશે. ચિત્રલેખામાં પ્રસિદ્ધ થયેલ જાણીતા પત્રકાર - કટાર લેખક - સાહિત્યકાર - વકતા - જવલંત છાયા (મો. ૯૯૦૯૯ ૨૮૩૮૭)નો અહેવાલ સાભાર 

(3:54 pm IST)