Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

જૂનાગઢમાં રાષ્ટ્રીય કક્ષાનો N.S.S. કેમ્પ રંગેચંગે સંપન્ન

દેશની વિવિધ યુનિવર્સિટીના રપ૦ વિદ્યાર્થીઓ જોડાયા : ૭ દિ'ના કેમ્પમાં કવીઝ મતદાન જાગૃતિ, સ્વચ્છતા અભિયાન, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા : ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા સફળ આયોજન

જુનાગઢ, તા. ૧૬ : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હસ્તકના એન.એસ.એસ. સેલ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, ગાંધીનગર તથા એન.એસ.એસ. સેલ, ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢના સંયુકત ઉપક્રમે તા. ૬ જાન્યુઆરીથી ૧ર જાન્યુઆરી, દરમ્યાન ભારતી આશ્રમ, ભવનાથ, જુનાગઢ ખાતે રાષ્ટ્રીય કક્ષાનો એન.એસ.એસ., નેશનલ ઇન્ટીગ્રેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેનો રંગારંગ સમાપન સમારોહ યોજાયો હતો.

'એક ભારત શ્રેષ્ઠ ભારત' ની થીમ સાથે યોજાયેલ છ રાત્રી સાત દિવસના આ રાષ્ટ્રીય કક્ષાના કેમ્પમાં ગુજરાત તથા દેશ વિવિધ રાજયોમાંથી અલગ-અલગ વિશ્વ વિદ્યાલયોમાંથી પ્રોગ્રામ ઓફીસર્સ, એન.એસ.એસ. સ્વયંસેવકો, પ્રોફેસર્સ, આમંત્રીત મહેમાનો સહિત કુલ રપ૦ જેટલા ડેલીગેટસ ભાગ લેવા આવ્યા હતાં. આજના યુવાધનમાં શિસ્ત, સેવા, સમર્પણ, સંસ્કાર, શિક્ષણ તથા જ્ઞાન-માહિતીનો સમન્વય થાય અને આજના વિદ્યાર્થીઓ રાષ્ટ્રના વિકાસમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી શકે તેવા આશય રાષ્ટ્રીય સેવા યોજના (એનએસએસ)નો રહ્યો છે.

સાત દિવસના આ રાષ્ટ્રીય કક્ષાના કેમ્પમાં આજના યુવાનોને અનુરૂપ વિવિધ વિષયો ઉપર નિષ્ણાંતોના વકતવ્ય, શ્રમદાન, સ્વચ્છતા અભિયાન, મતદાન જાગૃતિ, કવીઝ-વકતૃત્વ-ડીબેટ-પોસ્ટર મેકીંગ-રંગોળી સહિતની વિવિધ સ્પર્ધાઓ, યોગા-પ્રાણાયમ તથા વિવિધ રમતગમતની પ્રવૃતિઓ, બેટી બચાવો-બેટી પઢાવો તથા બેટી વધાવો અને સ્વચ્છતા તથા ગાંધીજી ઉપરાંત પર્યાવરણ બચાવોની થીમ ઉપર વિશાળ રેલી, મતદાતા જાગૃતિ પ્રોગ્રામ, ગીરનારના જંગલોમાં ટ્રેકીંગ, સૌરાષ્ટ્ર તથા જુનાગઢના વિવિધ પ્રવાસન સ્થળોરૂપે ઐતિહાસિક વારસાની ઓળખ અને મુલાકાત સંદર્ભે સાસણ ગીર, સોમનાથ, ઉપરકોટ, સક્કરબાગ, મ્યુઝીયમ, અશોક શિલાલેખ, નરસિંહ મહેતાનો ચોરો સહિતની મુલાકાત, ગુજરાત સહિત વિવિધ રાજયોના સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતની પ્રવૃતિઓ કરવામાં આવી હતી. જૂનાગઢ મ્યુઝીયમ ખાતે ગુજરાત સરકારના 'ગુજરાત' મેગેઝીન તથા 'ગુજરાતના લોકોત્સવો અને મેળાઓ' પુસ્તિકાનું અન્ય રાજયોમાંથી આવેલા પ્રોગ્રામ ઓફીસર્સ તથા સ્વયંસેવકોને વિતરણ કરવામાં આવ્યું હતું. રોજ સાંજે અલગ અલગ રાજયોના નૃત્યો, ગીત-સંગીત, ડાયલોગ્સ, લઘુનાટકો, મીમીક્રી સહિતના સાંસ્કૃતિ કાર્યક્રમોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું અને ખરા અર્થમાં વિવિધ રાજયોની સંસ્કૃતિનું જુનાગઢ ખાતે આદાન-પ્રદાન થયું હતું.

એન.એસ.એસ. ગીતથી શરૂ થયેલ સમાપન સમારોહમાં સ્વાગત-પ્રવચન તથા સમગ્ર કેમ્પનો અહેવાલ એન.એસ.એસ. કો-ઓર્ડીનેટર ડો. પરાગ દેવાણીએ આપ્યો હતો. કેન્દ્ર સરકારના અધિકારી અને એન.એસ.એસ. સેલ ગુજરાતના રીજીયોનલ ડાયરેકટર શ્રી ગીરધર ઉપાધ્યાય, જુનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયરશ્રી હિમાંશુભાઇ પંડયા, મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા, જુનાગઢ જીલ્લાના સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ શ્રી સૌરભ સિંઘ, યુનિવર્સિટીના સરકાર નિયુકત ઇ.સી. મેમ્બર શ્રી જયભાઇ ત્રિવેદી, જુનાગઢના પૂર્વ મેયર શ્રીમતિ આદ્યશકિતબેન મજમુદાર સહિતના મહાનુભાવોએ શિક્ષણલક્ષી, વિદ્યાર્થીલક્ષી તથા સમાજોપયોગી પ્રાસંગીક પ્રવચનો કર્યા હતાં. ગુજરાત રાજયના ઉચ્ચ શિક્ષણ વિભાગ તરફથી દેવાંગભાઇ પંડયા હાજર રહ્યા હતાં. અધ્યક્ષસ્થાનેથી બોલતા ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડો.) ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય કક્ષાના કેમ્પ માટે અત્રેની યુનિવર્સિટી ઉપર સરકાર દ્વારા મૂકાયેલ વિશ્વાસને ખરા અર્થમાં સાર્થક કરી શકયા તે ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના તથા જુનાગઢના અહોભાગ્ય છે. ભવિષ્યમાં પણ વિદ્યાર્થીલક્ષી-શિક્ષણલક્ષી- કારકિર્દીલક્ષી કે સમાજલક્ષી કોઇપણ પ્રવૃતિઓ માટે ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સદાય તત્પર રહેશે તેવું જણાવ્યું હતું. સમગ્ર સૌરાષ્ટ્રના ઇતિહાસમાં સાત દિવસનો નેશનલ ઇન્ટીગ્રેશન કેમ્પ સૌપ્રથમ વખત જૂનાગઢના આંગણે યોજાતા સુવર્ણ અક્ષરે ઇતિહાસ રચાયો હોવાનું કુલપતિએ અંતમાં જણાવ્યું હતું.

ગુજરાત તથા વિવિધ રાજયોમાંથી આવેલ પ્રોગ્રામ ઓફીસર્સ તથા સ્વયંસેવકોએ સતત સાત દિવસ સુધી રાષ્ટ્ર સેવા તથા રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપવાનો અનેરો લ્હાવો મેળવ્યો હતો જેના પરિણામે સમાપન સમારોહમાં લાગણીશીલ અને ભાવવાહી દૃશ્યો સર્જાયા હતાં. અંતમાં આભારવિધિ યુનિવર્સિટીના એન.એસ.એસ. કો-કો-ઓર્ડીનેટર ડો. અલ્કેશ વાછાણીએ કરી હતી તથા કાર્યક્રમનું સંચાલન ડો. નયન ટાંકે કર્યું હતું. રાષ્ટ્રગીત સાથે રાષ્ટ્રીય કક્ષાના સાત દિવસના એન.એસ.એસ. કેમ્પની પુર્ણાહુતિ કરવામાં આવી હતી. વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા ર૧ વિદ્યાર્થીઓ ઉપસ્થિત મહાનુભાવોના વરદ્ હસ્તે આકર્ષક ટ્રોફી તથા પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. ભાગ લીધેલ તમામ સ્વયંસેવકોને ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી તરફથી યાદગીરીરૂપે આકર્ષક મોમેન્ટો પણ આપવામાં આવ્યો હતો. સમગ્ર કેમ્પને સફળ બનાવવા કુલપતિશ્રી પ્રો.(ડો.) ચેતનભાઇ ત્રિવેદીના સહયોગ હેઠળ સ્ટેટ એન.એસ.એસ. ઓફીસર આર.જે. માચ્છી, યુનિવર્સિટીના સરકાર નિયુકત ઇ.સી. મેમ્બર્સ ચંદ્રેશભાઇ હેરમા, ભાવનાબેન અજમેરા, પ્રો. જયભાઇ ત્રિવેદી અને પ્રો. જીવાભાઇ વાળા, કુલસચિવ ડો. મયંક સોની, ડો. પરાગ દેવાણી, ડો. વિશાલ જોષી, ડો. અલ્કેશ વાછાણી, ડો. એ.એસ.ચોચા સહિતના તમામ પ્રોગ્રામ ઓફીસર્સ અને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

(1:11 pm IST)