Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ખંભાળિયા-દ્વારકા હાઈવે ઉપર ઈકો કાર પૂલ નીચે ખાબકીઃ ૮ ઘવાયા

ડ્રાઈવરે સ્ટીયરીંગ ઉપર કાબુ ગુમાવતા અકસ્માતઃ ઈજાગ્રસ્તોને ખંભાળીયા સિવિલ હોસ્પીટલે ખસેડાયા

ખંભાળીયા, તા. ૧૬ :. ખંભાળીયા-દ્વારકા હાઈવે પર લીંબડી નજીક ઈકો કારના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ઈકો કાર પૂલ નીચે ખાબકતા અંદર બેઠેલા આઠ મુસાફરોને ગંભીર ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

છેલ્લા એકાદ મહિનામાં ઈકો કારના વધતા અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો હોય તેમ વધુ એક દ્વારકા તરફ જઈ રહેલી ઈકો કારની લીંબડી નજીક અકસ્માત સર્જાયો છે. ખંભાળીયા-દ્વારકા હાઈવે પર ગત બપોરના સમયે દ્વારકા તરફ પૂરપાટ ઝડપે જઈ રહેલી ઈકો કારના ચાલકે લીંબડી નજીક સ્ટીયરીંગ પરનો કાબુ અચાનક ગુમાવતા મુસાફરો ભરેલી ઈકો કાર પૂલ ઉપરથી નીચે નદીના પટ્ટમાં ખાબકતા અંદર બેઠેલા મુસાફરોમાં દેકારો બોલી જવા પામ્યો હતો. ઈકો કાર નીચે ખાબકતા જોઈ આસપાસના લોકો તથા વાહન ચાલકો દોડી આવી તાત્કાલીક ૧૦૮ની ટીમને જાણ કરતા ખંભાળીયા ૧૦૮ની ટીમ અકસ્માત સ્થળે પહોંચી પ્રાથમિક સારવાર સાથે ખંભાળીયાની સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતમાં દેવાભાઈ પાલાભાઈ (ઉ.વ. ૪૦), મંજુબેન દેવાભાઈ (ઉ.વ. ૩૫), કાનાભાઈ (ઉ.વ. ૪૮), રાણીબેન મોરી (ઉ.વ. ૩૫), ડાયાભાઈ (ઉ.વ. ૫૦), ચંદુભાઈ (ઉ.વ. ૪૮) સહિત બાળકોને ઈજા થયેલી હતી. વધુ ઈજાગ્રસ્ત મહિલાને જામનગર સીવીલ હોસ્પીટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતાં.(૨-૭)

૧૦૮ ટીમની પ્રમાણિકતા, મુસાફરોનો કિંમતી માલ-સામાન પરત કરાયો

ખંભાળીયા, તા. ૧૬ :. અકસ્માત સર્જાતા ઈજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર અર્થે ખંભાળીયા ૧૦૮ની ટીમ દ્વારા ખંભાળીયા સીવીલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા. ત્યારે ઈજાગ્રસ્ત મુસાફરોના માલ-સામાનનું પણ ધ્યાન રાખી ઈએમટી સાગર તથા પાયલોટ પ્રકાશ ચોપડાએ ઈજાગ્રસ્ત મુસાફરોના સોનાના ૪ તોલા જેટલા દાગીના તેમના પરિવારજનોને પરત આપી પ્રમાણિકતા દાખવી હતી.(૨-૭)

(1:02 pm IST)