Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

કોટડા સાંગાણીના પીપલાણામાં હત્યાઃ યુવાનની અર્ધનગ્ન લાશ મળી

અન્ય સ્થળે હત્યા કરી લાશ બાવળની ઝાડીમાં ફેંકી દેવાયાની શકયતાઃ આશરે ૨૮ થી ૩૦ વર્ષનો યુવાન પરપ્રાંતિય જેવો લાગે છેઃ માથામાં બોથડ પદાર્થનો ઘા કરાયોઃ રોડથી ઘટના સ્થળ સુધી લાશ ઢસડવામાં આવ્યાના નિશાનઃ કોટડા સાંગાણી પોલીસે તપાસનો ધમધમાટ આદર્યોઃ હત્યાનો ભોગ બનનારે માત્ર ચડ્ડી અને બ્લુ રંગનો શર્ટ પહેર્યા છે

 

જ્યાંથી હત્યા કરાયેલી લાશ મળી તે સ્થળ તથા એકઠા થયેલા લોકો અને લાશ જે રીતે ઉંધી પડી છે તે દ્રશ્યો જોઇ શકાય છે. હત્યાનો ભોગ બનનારે ચડ્ડી અને શર્ટ પહેર્યા છે, પેન્ટ ગાયબ છે. તમામ તસ્વીરો કોટડા સાંગાણીથી કલ્પેશ જાદવે મોકલી છે

રાજકોટ તા. ૧૬: કોટડા સાંગાણીના પીપલાગા ગામમાં રાજકોટ-કોટડા રોડ પર બાવળના ઝાડ નીચેથી યુવાનની હત્યા કરાયેલી લાશ અર્ધનગ્ન હાલતમાં મળી આવતાં ચકચાર મચી ગઇ છે. માથામાં બોથડ પદાર્થ ઝીંકી હત્યા કરાયાનું અનુમાન છે. આ યુવાન પરપ્રાંતનો હોય તેમ જણાય છે.કોટડા સાંગાણીથી કલ્પેશ જાદવે જણાવ્યા મુજબ સવારે રાજકોટ-કોટડા રોડ પર પીપલાણામાં રોડ સાઇડમાં બાવળની ઝાડી વચ્ચે એક યુવાનની લાશ પડી હોવાની કોઇ રાહદારી મારફત જાણ થતાં કોટડા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. મૃતક યુવાનની ઉમર આશરે ૨૮ થી ૩૦ વર્ષની જણાય છે. તેણે બ્લુ રંગનો શર્ટ અને અંડરવિયર ચડ્ડી પહેરી છે. પેન્ટ ગાયબ છે. પગમાં ઇજાના નિશાન છે અને માથાના ભાગે પણ બોથડ પદાર્થનો ઘા કરાયો હોય તેવું લાગ ેછે.થોડે દૂરથી લાશને ઢસડવામાં આવ્યાના નિશાન પણ મળ્યા છે. રોડ પરથી લાશ મળી ત્યાં સુધી ઢસડાયાના નિશાન છે અને લોહીના ડાઘા છે. એક પથ્થર ઉપર પણ લોહીના ડાઘ દેખાયા છે. નજીકમાં જ ૨૦૦ મિટર દૂર ગોલ્ડ કોઇન નામનું કારખાનુ છે. ત્યાંથી મજૂરો દોડી આવ્યા હતાં. બીજા લોકો પણ ઘટના સ્થળે ભેગા થયા છે. હત્યાનો ભોગ બનનાર પરપ્રાંતિય હોય તેવી ચર્ચા છે. મૃતકની ઓળખ મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પેન્ટ ગાયબ હોઇ હત્યા અન્ય સ્થળે કર્યા બાદ લાશનો આ સ્થળે નિકાલ કરવામાં આવ્યાનું અનુમાન છે. ઘટનાને પગલે પીપલાણા ગામમાં ચકચાર મચી ગઇ છે. (૧૪.૮)

 

(1:00 pm IST)