Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

સુરજકરાડીમાં રાત્રે ઘરફોડીઃ ૭ તોલા સોનાની ચોરી

મહાવીર સોસાયટીમાં રહેતા રઘુવંશી વેપારી પરેશ ભાયાણી પરિવાર સાથે રાજકોટ ગયા હોઇ બંધ મકાનના તાળા તોડી તસ્કરો કવા કરી ગ્યાઃ પાડોશી મહીલાએ મકાનનું તાળુ તુટેલુ જોઇ ચોરી અંગે જાણ કરી

સુરજકરાડીમાં ગઇરાત્રે મકાનના તાળા તોડી તસ્કરોએ ઘરફોડી કરી હતી. તે દર્શાવતા તસ્વીર

મીઠાપુર તા. ૧૬  તાલુકાના સુરજકરાડી ગામે ગઇ રાત્રે ઘરફોડી કરીને તસ્કરોએ ૬ થી ૭ તોલા સોનાની ચોરી કરતા નાના એવા ગામમાં જબરો ફફડાટ ફેલાયો છે.

આ બનાવની વિગતો મુજબ ઓખામંડળ તાલુકાના છેવાડાના ગામ સુરજકરાડી આરંભડા નજીક અતિ પોશ એવી મહાવીર સોસાયટી કે જયાં સારા વેપારીઓ રહે છે તે જગ્યાએ ગઇ રાત્રે એક ઘરફોડીનો બનાવ બનતા ભારે ચકચાર મચી જવા પામી છે. બનાવની વિગતોમાં હનુમાન મંદિરની બાજુમાં રહેતા રઘુવંશી વેપારી પરેશભાઇ ભાયાણી કે જેઓ મોબાઇલના ધંધા સાથે સંકળાયેલ છે તેઓ પોતાની પત્ની અને બે બાળકો સહીત બે દિવસ પહેલા રાજકોટ પોતાનું મકાન બંધ કરી ગયા હતા. ગઇ રાત્રે તેઓ મોડી ટ્રેનમાં પરત ફરી રહ્યા હતા પરેશભાઇના પત્ની ઘરે બ્યુટી પાર્લરનું કામ કરતા હોય કાલે રાત્રે તેમના પાડોશી તેમના ઘરે મેહદી લેવા માટે ગયા કારણ કે મકાનની બારની ગ્રીલનું તાલુ ખુલ્લુ જોતા એમ લાગ્યું કે તેઓ આવી ગયા છે. પરંતુ અંદર નજર કરતા મકાનનું તાળુ પણ ખુલ્લુ જોવા મળ્યું હતું તેથી તેઓએ આજુબાજુમાં બધા ઘરોને જાણ કરતા બધાજ પડોશીઓ ત્યાં દોડી ગયા હતા અને જોતા જ ચોરી થઇ હોય એવો આભાસ થતા તાત્કાલીક ટ્રેનમાં આવતા પરેશભાઇને જાણ કરાયા બાદ તુરંતજ ઘટનાની જાણ પોલીસમાં કરાઇ હતી.

ચોરીના સમાચાર મળતાની સાથેજ મીઠાપુર પીઆઇ ચન્દ્રકાલાબા જાડેજા સ્ટાફ મહિરાજદાન ગઢવી તથા રવિભાઇ સોલંકી સાથે તાત્કાલીક ચોરીના સ્થળે ધસી ગયા હતા. અને પરેશભાઇ આવતાની સાથેજ ઘર ખોલાવી નિરીક્ષણ કર્યું હતું. ઘરમાં ગાદલા ઉઠલાવેલા સાથે સાથે ડ્રેસીંગ ટેબલ તેમજ કબાટ પણ ખુલ્લા જોવા મળ્યા હતા. પ્રાથમીક તપાસ દરમિયાન સોનાના દાગીના જેમ કે ચેન, વીટી એમ મળીને અંદાજે ૬ થી ૭ તોલા ગયા હોવાના અહેવાલો મળ્યા છે. પોલીસ દ્વારા કુલ કેટલો માલ ગયો છે. તેની ખરાઇ કરાયા બાદ વિધિવત ફરીયાદ દાખલ કરી ચોરને પકડવા માટે ચક્રો ગતિમાન કરાશે તેવું પોલીસ દ્વારા જણાવવામાં  આવ્યું છે. ખુબજ પોશ ગણતા આ વિસ્તારમાં હમણાને હમણા ચોરી ના આ બીજા બનાવે પોલીસની ઉંઘ હરામ કરી નાખી છે તો સાથે સાથે આજુબાજુના રહેવાસીઓમાં પણ ભારે ફફડાટ સાથે ભયની લાગણી પ્રસરી ગઇ છે.(૬.૧૦)

(12:20 pm IST)