Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

કંડલા પોર્ટ ટ્રસ્ટને ૯૨ કરોડની રકમ જમા કરાવવાના હુકમ સામે રાજકોટની કોમર્શિયલ કોર્ટમાં અપીલ

સુપ્રિમના ત્રણ નિવૃત જજોની પેનલ દ્વારા કરાયેલ હુકમ સામેની અપીલમાં ફરી કાનુની જંગ

રાજકોટ તા.૧૬: સુપ્રિમ કોર્ટના ત્રણ નિવૃત ન્યાયમૂર્તિઓની આર્બીટ્રલ ટ્રીબ્યુનલ સમક્ષ કંડલા પોર્ટ ટ્રસ્ટ (દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ) અને ચેન્નઇ સ્થિત ડે.આર.ઇ.ઇન્ફા.પ્રા.લી. વચ્ચે ચાલતા આબીટ્રેશન પ્રોસીડીંગ્સમાં કે.પી.ટી.ને રૂ.૯૨,૮૨,૩૨,૭૨૪/-  બેંકના એસ્ક્રો એકાઉન્ટમાં જમા કરાવવાના આદેશને રાજકોટની કોમર્શીયલ કોર્ટમાં પડકારતા આગામી દિવસોમાં કાનૂની જંગ જામશે તેવુ ચર્ચાઇ રહ્યું છે.

આ કેસની હકીકત એવી છે કે, કંડલા પોર્ટ ટ્રસ્ટ (કે.પી.ટી) દ્વારા મલ્ટીપર્પઝ કાર્ગોને બીલ્ટ-ઓપરેટ-ટ્રાન્સફરથી ચલાવવા માટે આપવાનું હોવાથી ટેન્ડર બહાર પડાતા ચેન્નઇ સ્થિત જે.આર.ઇ. ઇન્ફ્રા પ્રા.લી.ને ટેન્ડર મળતા કે.પી.ટી. તથા જે.આર.ઇ.પ્રા.લી. વચ્ચે કાર્ગો બર્થ નં.૧૫ના ડેવલોપમેન્ટ માટે તા.૧૮-૨-૨૦૧૧ માં બીલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર માટેનો કન્સેશન એગ્રીમેન્ટ ગાંધીધામ  ખાતે થયેલ હતો અને તે એગ્રીમેન્ટ મુજબ બન્ને પક્ષકારોએ તેમા જણાવયા મુજબની શરતોને આધીન કાર્યો કરવાના હતા.

સમય જતા બન્ને પક્ષકારો વચ્ચે પેમેન્ટ અને કામની કાર્યવાહી બાબતે વિવાદ થતા પક્ષકારો દ્વારા કરારની શરત મુજબ કોઇપણ તકરાર ઉપસ્થિત થાય તો ત્રણ આર્બીટ્રેટરની પેનલ દ્વારા તેનુ નિરાકરણ લાવવાનુ હોય પક્ષકારોએ સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયમૂર્તિશ્રી જસ્ટીસ આર.સી.લાહોટી, જસ્ટીસ જે.એમ.પંચાલ તથા જસ્ટીસ એ.આર.દવેની નિમણુંક આર્બીટ્રેટર તરીકે કરવામાં આવેલ અને કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા આર્બીટ્રલ ટ્રીબ્યુનલ સમક્ષ તકરારનુ નિવારણ લાવવા માટે અરજી દાખલ કરવામાં આવેલ હતી.

કે.પી.ટી. દ્વારા મુખ્યત્વે એવી રજૂઆતો હતી કે જે.આર.ઇ.ઇન્ફ્રા પ્રા.લી. દ્વારા કરાર પાલનમાં અસંખ્ય ચૂકો કરવામાં આવેલ હોવાથી એગ્રીમેન્ટ ટર્મીનેટ યાને રદ કરવો જોઇએ જયારે સામે જે.આર.ઇ. ઇન્ફ્રા. પ્રા.લી. દ્વારા એવી તકરાર લેવામાં આવેલ કે ટર્મીનેટ યાને રદ કરવાની કાર્યવાહી પહેલા જે.આર.ઇ. ઇન્ફ્રા પ્રા.લી.ની બાકી નિકળતી રકમ રૂ.૯૨,૮૨,૩૨,૭૨૪/- કન્સેશન એગ્રીમેન્ટમાં નક્કી  થયા મુજબ કે.પી.ટી.દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એસ્ક્રો ખાતામાં જમા કરાવ્યા બાદ જ ટર્મીનેશન સંદર્ભે નિર્ણય કરી શકાય. કે.પી.ટી. દ્વારા જે.આર.ઇ. ઇન્ફ્રા પ્રા.લી.ની કસુરને કારણે તેઓને ૨૪,૬૬,૦૨,૧૪,૫૦૦/- (આશરે બે હજાર ચારસો છાંસઠ કરોડ) ચૂકવવા જવાબદાર થતાં હોવાનુ જયારે સામા પક્ષે જે.આર.ઇ. ઇન્ફ્રા પ્રા.લી. દ્વારા ખરેખર કે.પી.ટી. દ્વારા તેમને ૧૭,૬૯,૬૩,૪૯,૭૩૯/- (આશરે સતરસો ઓગણાસીંતેર કરોડ) આપવાના થાય છે તેવી સામ સામે માંગણીઓ ત્રણ નિવૃત ન્યાયમૂર્તિઓની આર્બીટ્રલ ટ્રીબ્યુનલ સમક્ષ બન્ને પક્ષકારો દ્વારા કરવામાં આવેલ હતી.

મુખ્ય તકરારનુ નિવારણ થાય ત્યાં સુધીમાં જે.આર.ઇ.ઇન્ફ્રા પ્રા.લી.દ્વારા આર્બીટ્રેશન એકટની કલમ-૧૭ મુજબ અરજી દાખલ કરી કન્સેસન એગ્રીમેન્ટની શરત નં.૧૭.૧ અને ૧૭.૫ મુજબ મુખ્ય તકરારનો નિવેડો ન આવે ત્યાં સુધી વચગાળાની રાહત રૂપે કે.પી.ટી. દ્વારા જે.આર.ઇ. ઇન્ફ્રા પ્રા.લી.ના એસ.બી.આઇ.ના એસ્ક્રો ખાતામાં રૂ.૯૨,૮૨,૩૨,૭૨૪/- જમા કરાવવા અરજી કરેલ હતી જે અરજી આર્બીટ્રલ ટ્રીબ્યુનલ દ્વારા મંજુર કરવામાં આવતા કે.પી.ટી. દ્વારા આર્બીટ્રેશન એકટની જોગવાઇ અનુસાર રાજકોટની કોમર્શીયલ કોર્ટમાં તેમના એડવોકેટ નરેશભાઇ સીનરોજા મારફત અપીલ દાખલ કરેલ અને આર્બીટ્રલ ટ્રીબ્યુનલ દ્વારા કરવામાં આવેલ હુકમ રદબાતલ કરવા માંગણી કરવામાં આવેલ.

જે.આર.ઇ.ઇન્ફ્રા પ્રા.લી.ને કે.પી.ટી. આવી અરજી કરશે તેવો અંદાજ હોય તેઓએ પહેલેથી જ તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફત કોર્ટમાં કેવીએટ દાખલ કરી દીધેલ હતી અને તેઓને સાંભળ્યા વિના અદાલત કોઇ નિર્ણય ન કરે તેવી માંગણી કરેલ હતી જેથી અપીલ દાખલ કરાતા જે.આર.ઇ. ઇન્ફ્રા પ્રા.લી.વતી એડવોકેટ તુષાર ગોકાણી હાજર થયેલ હતા અને અદાલત હવે બન્ને પક્ષકારોને સાંભળ્યા બાદ અપીલનો નિર્ણય કરશે. આવનારા દિવસોમાં સુપ્રિમ કોર્ટના ત્રણ નિવૃત ન્યાયમૂર્તિઓની ટ્રીબ્યુનલ દ્વારા આપવામાં આવેલ હુકમ સંદર્ભે કોમર્શીયલ કોર્ટ શું રૂમ અપનાવે છે તે વકિલ આલમમાં ચર્ચાનો વિષય બની ગયેલ છે.

આ કામમાં કંડલા પોર્ટ ટ્રસ્ટ વતી સિનીયર એડવોકેટ નરેશ સીનરોજા, ચિરાગ છગ રોકાયેલ છે તેમજ જે.આર.ઇ. ઇન્ફ્રા પ્રા.લી. વતી ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોરાણી, સ્તવન મહેતા, ગૌરાંગ ગોકાણી, અમૃતા ભારદ્વાજ, કેવલ પટેલ રોકાયેલ છે.

(11:46 am IST)