Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

સોમનાથ દાદાની અવિરત કૃપા ગુજરાત ઉપર વરસતી રહી છેઃ વિજયભાઇ

૩૦૦૦ કરોડની રેકર્ડ બ્રેક મગફળી સરકારે ખરીદી છેઃ આચારસંહિતા પુરી થતા વિકાસ કાર્યો હવે ફરી ધમધમતા થયા છે

પ્રભાસ પાટણ : સોમનાથ મહાદેવના દર્શને બીજી વખત અને મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત વિજયભાઇ રૂપાણી દંપતિ સોમનાથમાં આવેલ હેલીપેડ ખાતે પધારેલ હતા. સોમનાથ મહાદેવના દર્શન કરેલ, ગંગાજળ અભિષેક, ધ્વજાપૂજા, ધ્વજા ચઢાવેલ અને તેમની મંદિરમાં સાકરતુલા કરવામાં આવેલ. સાકરતુલા અને ધ્વજારોહણ બાદ મુખ્યમંત્રીશ્રી અહીના હમીરસિંહજી ગોહિલના મંદિરે અને બાજુમાં આવેલ ગણપતિના મંદિરના દર્શન કરેલ અને સરદાર પટેલને વંદના કરી અને પુષ્પો અર્પણ કરેલ. ત્યારબાદ સોમનાથ વીઆઇપી ગેસ્ટ હાઉસમાં ટુંકુ રોકાણ કરેલ જેમાં ઉપસ્થિત ભાજપના કાર્યકરો અને સંગઠનના હોદેદારો સાથે ચર્ચા-વિચારણા કરેલ. બપોરના ૧ કલાકે હેલીકોપ્ટર મારફત રાજકોટ જવા રવાના થયા હતા. મુખ્યમંત્રીના આગમન પુર્વે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો અને દર્શનાર્થીઓને સઘન ચેકીંગ બાદ જ જવા દેવામાં આવતા હતા. મુખ્યમંત્રી વિજયભાઇની સાથે કલેકટરશ્રી સહિત ગીર સોમનાથના અધિકારીઓ પણ વ્યવસ્થામાં હતા અને સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર સહિત અધિકારીગણ પણ સતત ઉપસ્થિત રહેલ. સોમનાથ દર્શન બાદ પત્રકારો સાથે વાત કરતા જણાવેલ કે સોમનાથ દાદાની કૃપા ગુજરાત ઉપર વર્ષોથી અનન્ય રીતે વરસતી રહી છે. જેને કારણે ગુજરાતનો વૈભવ અને વિકાસ થતો રહે છે. ચૂંટણી વિજય મળ્યા બાદ પ્રથમ વખત સોમનાથ આવવાનુ થયુ છે. પત્રકારોએ ટેકાના ભાવ અંગે પ્રશ્નો પુછાતા તેના ઉત્તરમાં તેમણે જણાવેલ કે અત્યાર સુધી ૩૦૦૦ કરોડ રૂ.થી વધુ મગફળીની ખરીદી કરાયેલ છે જે માટેના ર૬૦ જેટલા સેન્ટરો ખોલવામાં આવેલા જેમાના જાન્યુઆરીના અંત સુધીમાં કામગીરી પુર્ણ થતા મોટાભાગની મગફળી ખરીદી થઇ છે અને સહુ પ્રથમવાર આટલી રેકોર્ડ બ્રેક મગફળી ખરીદી કરેલ છે.ગીર સોમનાથ જીલ્લાના વિકાસ અંગેના પ્રશ્નના જવાબમાં જણાવેલ કે ચૂંટણી આચારસંહિતના કારણે વિકાસના કામકાજો બંધ હતા જે આચારસંહિતા પુરી થતા શરૂ થઇ ચુકયા છે અને વિકાસ અટકશે નહી. સ્થાનિક સ્વરાજયની ચૂંટણી અંગે ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધેલ છે અને બજેટ પણ ખુબજ સારૂ બહાર પડશે. વિકાસ લક્ષી અને સર્વાંગી વિકાસ થતો રહેશે તેમ વિજયભાઇએ અંતમાં જણાવેલ હતુ.(તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ-પ્રભાસ પાટણ)(૩-ર)

(9:56 am IST)