Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

પત્નિ સાથે પ્રેમસબંધ હોવાની ખબર પડતા યુવાનને દારૂ પાઇ કુવા ઉપર બેસાડી ધક્કો મારી દીધો : કેરાળીની ઘટના

જેતપુર પંથકમાં ૨૦ દિ' પહેલા મળેલી લાશ અંગે પર્દાફાશ : વિરપુરમાં હત્યાનો ગુન્હો દાખલ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧૫ : તાલુકાના કેરાળી ગામે ૨૦ દિવસ પહેલા કુવામાંથી મળેલ લાશ અંગે તપાસ કરતા તેમાં અપમૃત્યુના બદલે મર્ડરનું બહાર આવતા વિરપુર પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે, તાલુકાના કેરાળી ગામે રહેતા નિલેષભાઇ રણછોડભાઇ વસાવા (રહે. મુળ ભરૂચ) તેના પરિવાર સાથે કેરાળી ખેતમજુરી કરવા આવેલ અને ખેતરમાં રહેતા ત્યારે નિલેષભાઇ ગત તા. ૨૭-૧૧ના રોજ ગુમ થયેલ હોય તેની શોધખોળ કરતી. વાડીના કુવામાંથી તેનો મૃતદેહ મળી આવતા વિરપુર પોલીસે ગુન્હો દાખલ કરેલ અને તેની તપાસ હાથ ધરેલ.

તપાસ દરમિયાન દારૂનો મામલો બહાર આવતા કંઇક શંકાસ્પદ હોવાનું માલુમ પડતા પી.એસ.આઇ. આર.એન.ભોજાણી, ભરતભાઇ કોચરા, મીલનભાઇ દવેરાએ તપાસ હાથ ધરતા નિલેષભાઇનું કુવામાં પડી જવાથી મોત નહિ પરંતુ તેની હત્યા થયાનું માલુમ પડેલ. જેની હત્યામાં આ જ ગામમાં રહી ખેત મજુરી કરતો વિનોદ દિપસંગ વસાવા સંડોવાયેલ હોય તેની આકરી પૂછપરછ કરતા પ્રેમ પ્રકરણ બહાર આવેલ.

જેમાં વિનોદની પત્ની કવિતાબેન સાથે નિલેષભાઇને પ્રેમ સંબંધ હોવાનું માલુમ પડતા વિનોદે નિલેષભાઇનું ઢીમ ઢાળી દેવાનો પ્લાન બનાવી તેને આ જ ગામમાં આવેલ રણછોડભાઇ વેલજીભાઇ રાખોલીયાની વાડીમાં લઇ જઇ ખૂબ દારૂ પીવડાવી કુવાની પારી ઉપર બેસાડી વાતો કરતા તેને કુવા ધક્કો મારી દીધેલ. બાદમાં પોલીસને તે બંને સાથે હોવાનું રટણ કરતો હતો પરંતુ પોલીસ તપાસમાં જાહેર થઇ જતા પોલીસે મરણજનાર નીલેષભાઇના પત્ની કૈલાશબેનની ફરિયાદ પરથી વિનોદ દિપસંગ વસાવા વિરૂધ્ધ ગુન્હો નોંધી તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(1:03 pm IST)