Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ભાવનગરમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની મહાપાલિકાની બેધારી નિતી સામે કોંગ્રેસના આમરણાંત ઉપવાસ : આગેવાનોને પોલીસે અટકમાં લીધા બપોર બાદ ફરી ઉપવાસ : સાંજે ખાત્રી આપતા આંદોલન ૧૫ દિવસ માટે સમેટાયું

ભાવનગર,તા. ૧૫ : ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી સત્તાધારી ભાજપ અને મહાપાલિકાના અધિકારીઓની ગેરકાયદેસર દબાણ હટાવવાની બેધારી નીતિ સામે આંદોલન ચાલી રહ્યું છે. આ અગાઉ રેલી, આવેદનપત્ર, દેખાવો યોજ્યા હતા. જ્યારે સોમવારે કોંગ્રેસના પ્રમુખ વાઘાણી સહિતના ૬ કોંગ્રેસના આગેવાનોએ આમરણાંત ઉપવાસ તેમજ અન્ય કાર્યકરોએ મહાનગરપાલીકા નજીકમાં ઉપવાસ આંદોલન શરૂ કરતા પોલીસ તંત્રએ તમામની અટકાયત કરી સ્થાનિક એ.ડીવી પો. મથકમાં લઇ જવાયા હતા. બપોરે ૨ કલાકે તમામ કાર્યકરોને મુકત કરાતા કોંગ્રેસના પ્રમુખ સહિતના આગેવાન કાર્યકરો ફરીવાર બપોર બાદ મહાનગરપાલિકા નજીકમાં આમરણાંત ઉપવાસ અને પ્રતિક ઉપવાસ શરૂ કર્યા હતા. જ્યારે સાંજે ૫ કલાકે મહાનગરપાલીકાના કમિશનર ગાંધીએ કોંગ્રેસના આગેવાનો કાર્યકરો સાથે બેઠક યોજી આ બાબતે આગામી ૧૫ દિવસની અંઘ્ર યોગ્ય કાર્યવાહી અને પગલા લેવાશે તેવી ખાત્રી આપતા આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતુ કે કમિશનર પ્રેસ મીડીયા સમક્ષ ખાત્રી આપે ત્યારબાદ કમિશનરે પ્રેસ મીડીયા સમક્ષ પણ ખાત્રી આપી હતી કે ૧૫ દિવસથી અંદર કાર્યવાહી કરાશે. ત્યારબાદ અમરણાંત ઉપવાસ પર બેઠેલા કોંગ્રેસના આગેવાનોએ શરબત પીવડાવી પારણા કરાવવામાં આવ્યા હતા.

ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતુ કે, ભાવનગર શહેરમાં વિકાસ માટે ગેરકાયદેસર બાંધકામો દુર કરવામાં આવે તેની સામે કોંગ્રેસપક્ષને વાંધો નથી પરંતુ ભાજપ સરકાર દ્વારા ફકત ગરીબ અને આર્થિક રીતે પછાતના ગેરકાયદેસરના બાંધકામો તથા ઝુપડપટ્ટીઓ તોડી પાડવામાં આવે છે. જ્યારે ભાવેણાના મહારાજા શ્રીકૃષ્ણકુમારસિંહજીએ આપેલ અનમોલ ભેટ સમાન ગૌરી શંકર સરોવર-બોરતળાવ ઉપર આવેલી ડુબની જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા છે. ત્યાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી કારણે કે ત્યાં મોટા માથાઓના અને આર્થિક રીતે સધ્ધ લોકોના પાકા બાંધકામ છે. તેની સામે કોંગ્રેસ તંત્રની આવી બેધારી નિતી સામે આંદોલન શરૂ કર્યું છે. કમિશનર દ્વારા ૧૫ દિવસમાં કાળીયાબીડમાં આવેલ બોરતળાવની ડુબની જમીનમાં ગેરકાયદેસર બાંધકામો પર કાર્યવાહી કરવાની ખાત્રી આપતા કોંગ્રેસના આગેવાનોના આમરણાંત ઉપવાસ સમીટી લેવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મ્યુનિ. વિપત્રના પૂર્વ નેતા જયદીપસિંહ ગોહિલ, માજી નગરસેવકો, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ એેન.એસ.યુ.આઇ સહિતના જુદા જુદા સંગઠનના આગેવાન કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(11:53 am IST)