Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ભાવનગર જીલ્લા પંચાયતની અંતિમ સામાન્ય સભા મળી : કોંગ્રેસે હોબાળો કરી વોકઆઉટ કર્યો : સદસ્યોને અપાયેલા મોબાઇલ-લેપટોપ પરત આપવા તાકીદ કરાઇ

ભાવનગર, તા.૧પ : ભાવનગર જીલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યોની પાંચ વર્ષની ટર્મ આગામી ર૧મી ડીસેમ્બરે પૂર્ણ થાય છે જેથી અંતિમ સામાન્ય સભાની ખાસ બેઠક પ્રમુખ વકતુબેન મકવાણાના અધ્યક્ષસ્થાને અને જીલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ તેમજ સદસ્યોની ઉપસ્થિતિમાં મળી હતી. આ બેઠકમાં ચાર ઠરાવો રજૂ થયા હતાં જે સર્વાનુમતે મંજુર કરાયા હતાં.

સભાના અંતે સત્તાધારી ભાજપના જી.પી.ના પ્રમુખ વકતુબેન તેમજ ઉપપ્રમુખ બી.કે. વાઘેલા આભારદર્શનની સાથે છેલ્લા અઢી વર્ષમાં જીલ્લા પંચાયત હસ્તક થયેલા વિકાસના કામો જાહેર કરતા હતાં તે વેળાએ વિપક્ષ-કોંગ્રેસના નેતા પ્રહલાદસિંહ (પદુભા ગોહિલ) સહિતના કોંગ્રેસના સદસ્યોએ ભાજપના શાસનમાં ભ્રષ્ટાચારો થયા છે. કોરોના કાબુમાં લેવામાં તંત્ર નિષ્ફળ નિવડયું છે તેવા સુત્રોચ્ચાર કરતા સભાનો બોયકોટ કરી બહાર નીકળી ગયા હતાં અને દેખાવો કર્યા હતાં.

ચોથો ઠરાવ જીલ્લા પંચાયતને મળતી સ્ટેમ્પ ડયુટીની ગ્રાંટમાંથી વિકાસના કામોનું બહાલીની અપેક્ષાએ મંજુર કરવાનો ઠરાવ હતો જેમાં ચાર કામો આ અગાઉ જાહેર થયા હતાં તેને બહાલી આપવામાં આવી હતી. જયારે આ બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી અગાઉ સુચવેલ કામોમાં ફેરફારોના પાંચ જેટલા કામો તેમજ નવા સાત જેટલા વિકાસના કામોના ઠરાવને અધ્યક્ષસ્થાનેથી મુકવામાં આવ્યા હતાં જે સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા. જયારે અધિકારી દ્વારા ચૂંટાયેલા સદસ્યોને અપાયેલા મોબાઇલ અને લેપટોપ પરત કરવા તાકીદ કરાઇ હતી.

વિદાય લેતા પ્રમુખ વકતુબેને તમામનો આભાર વ્યકત કર્યો હતો. જયારે ઉપપ્રમુખ બી.કે. વાઘેલાએ જણાવ્યું હતું કે,  છેલ્લા અઢી વર્ષમાં ભાજપના શાસનકાળ દરમ્યાન જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ, રસ્તાના કામો થયા છે. બ્લોકના કામો થયા છે ખેડૂતોના પ્રશ્નનો નિકાલ લાવ્યા છીએ. કોરાના મહામારી દરમ્યાન આરોગ્ય વિભાગે સરાહનીય કામગીરી કરી છે જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના સભ્યોએ પણ પોતાનેમળતી ગ્રાંટમાંથી રકમની ફાળવણી કરી છે. કરોડો રૂપિયાના વિકાસના કામો છે.

જયારે વિપક્ષના નેતા પ્રહલાદસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, છેલ્લા આઢી વર્ષના ભાજપના શાસનમાં લોકોના વ્યાજબી પ્રશ્નો ઉકેલાયા નથી ખેડૂતોના પ્રશ્નો ઉકેલાયા નથી, મકાનના લાભાર્થીઓને ફોર્મ ભરાયા પરંતુ મકાનો મળ્યા નથી, આરોગ્ય વિભાગમાં અપૂરતા સ્ટાફના કારણે કોરોના જેવી મહામારી કંટ્રોલમાં આવતી નથી. ભાજપના શાસનમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું વિપક્ષના નેતાએ આક્ષેપો કર્યા હતાં.

(11:32 am IST)