Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

પોરબંદરમાં કોરોના રસીકરણ માટે ૫૦ વર્ષથી વધુ ઉંમરના લોકોની યાદી બનાવવાનું ૯૦ ટકા કામ પુર્ણ

કલેકટરના માર્ગદર્શન હેઠળ ડોર ટુ ડોર સર્વે : ૪૯૧ મતદાન બુથ પ્રમાણે કર્મયોગીઓ શ્રમદાનમાં જોડાયા

પોરબંદર,તા.૧૫: કોરોના મહામારી પર અંતિમ પ્રહારનાં ભાગરૂપે વૈજ્ઞાનિકો દ્રારા તૈયાર રસીનાં વિતરણ માટે સરકારશ્રીની સુચનાથી પોરબંદર જિલ્લામાં ઇલેકશન મોડલ અપનાવીને કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ કર્મયોગીઓએ ડોર ટૂ ડોર સર્વે હાથ ધરીને ૫૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતી વ્યકિતઓની યાદી બનાવવાનું કાર્ય ૩ દિવસમાં ૯૦ ટકા જેટલુ પુર્ણ થયુ છે. ૧૦ તારીખથી શરૂ થયેલ આ કાર્યમાં પોરબંદર જિલ્લાનાં ૪૯૧ મતદાન બુથ પ્રમાણે કર્મયોગીઓ શ્રમદાનમાં જોડાયા છે.

સરકારશ્રીની સુચના મળતા જિલ્લાતંત્ર દ્રારા રાતોરાત અધિકારીઓ/કર્મચારીઓની મીટીંગ યોજીને રસીકરણ સર્વેના ઓર્ડર કરાયા હતા. તથા બુથ પ્રમાણે બી.એલ.ઓને તાલીમ પણ આપવામા આવી હતી. સર્વે માટે ઇલેકશન મોડલ બનાવી બુથ હેડ તરીકે બી.એલ.ઓ. અને તેમની સહાયતા માટે અન્ય બે શિક્ષકો, આશા વર્કસ સહિતના કર્મચારીઓ કામગીરીમાં જોડાયા છે.

કોરોના વેકસીન માટેના પ્રથમ તબક્કાનાં સર્વેમાં ૫૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતી વ્યકિતઓ તથા ૦ થી ૫૦ વર્ષ સુધીનાં એવા વ્યકિતઓ જેઓ થેલેસેમીયા, ડાયાબીટીસ જેવી ગંભીર બિમારી ધરાવતા વ્યકિતઓની યાદી તૈયાર કરવામાં આવી રહી છે.

પોરબંદર જિલ્લાનાં પોરબંદર, રાણાવાવ, કુતિયાણાના નગરપાલિકા વિસ્તારો, ગ્રામ્ય વિસ્તારો તથા ફોરેસ્ટ વિભાગના નેસ વિસ્તારોમાં કર્મયોગીઓ ડોર ટૂ ડોર પહોચીને કોરોના રસીકરણ માટેની યાદી બનાવી રહ્યા છે. કોરોના મહામારી પર પ્રહારના ભાગરૂપે થઇ રહેલા સર્વેમાં તલાટી કમ મંત્રી, તાલુકા વિકાસ અધિકારી, નાયબ મામલતદારો, મામલતદારો સહિત શિક્ષકો, આરોગ્ય વિભાગના કર્મયોગીઓ, તાલુકા, જિલ્લા પંચાયત સહિતના કર્ચચારીઓ ટીમ પ્રમાણે માનવ કલ્યાણલક્ષી આ શ્રમદાનમા જોડાયા છે.

કર્મચારીઓનો કાર્ય ઉત્સાહ વધારવા તથા ઓફિસ ચેમ્બરમાં બેસી રહેવાના બદલે ખુદ અધિકારીઓ પણ ફિલ્ડમાં જઇને લોકોને સર્વેથી વાકેફ કરી રહ્યા છે.

જિલ્લાના નેસ વિસ્તારોમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક એસ.ડી.ધાનાણી, મામલતદાર અર્જુનભાઇ ચાવડા, તાલુકા વિકાસ અધિકારી રજની ઠુમર સહિતની ટીમ પહોચીંને લોકોને કોરોના બિમારી અંગે જાણકારી આપી હતી તથા રસીકરણ માટે બનતી યાદીને લાયક એકપણ વ્યકિતની એન્ટ્રી બાકાત ન રહે તે માટે કર્મચારીઓને કાર્ય કરવા પ્રેર્યા હતા. ત્યારે બોરીયાવારા નેસમાં રહેતા ૬૬ વર્ષીય પુનાભાઇ નાજાભાઇએ કહ્યુ કે, સરકાર દ્વારા હાથ ધરાયેલ આ કામગીરીને અમે આવકારીએ છીએ તથા કોરોનાનું સંક્રમણ અમારા નેસ સુધી ન પહોંચે તે માટે પણ અમે પુરતી તકેદારી રાખીએ છીએ. તેમ જણાવેલ હતું.

(11:24 am IST)