Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને કચ્છી દાબેલી સહિત વાનગી ભોજનમાં પીરસાશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ એક દિવસના ગુજરાતના પ્રવાસે : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની મુલાકાતને પગલે તંત્રને સજ્જ કરી દેવામાં આવ્યું છે, ભુજથી ધોરડો જતા માર્ગે પોલીસ ખડકી દેવામાં આવી

અમદાવાદ,તા.૧૪ પીએમ મોદી મંગળવારે એક દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વખતે તેઓ કચ્છ વિસ્તારની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી મોદીની કચ્છ મુલાકાતને પગલે સુરક્ષાનું રિહર્સલ કરવામાં આવ્યું છે. બીજી તરફ સુરક્ષાને ધ્યાનમાં રાખીને એસપીજીએ કચ્છમાં ધામા નાખ્યા છે. પીએમ મોદી અહીં વિવિધ વિકાસલક્ષી કાર્યોનો શિલાન્યાસ કરશે. એવી પણ માહિતી મળી છે કે પીએમ મોદીને ભોજનમાં કચ્છી વાનગીઓ પણ પીરસવામાં આવશે. પીએમ મોદી આવતીકાલે એટલે કે મંગળવારે કચ્છ આવી રહ્યા છે ત્યારે તેમને ભોજનમાં કચ્છી વાનગી પીરસવામાં આવશે. ધોરડો ખાતે પીએમ મોદી માટે ગુજરાતી થાળી, ઉપરાંત અડદિયા, ગુલાબપાક, કચ્છના સમોસા અને દાબેલી પીરસવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભોજનની વ્યવસ્થા માટે એક ખાસ પાર્ટીને ઑર્ડર આપવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીની મુલાકાતને પગલે તંત્રને સજ્જ કરી દેવામાં આવ્યું છે.

સુરક્ષાને ધ્યામાં રાખીને ભુજથી ધોરડો જતા માર્ગે પોલીસ ખડકી દેવામાં આવી છે. ઉપરાંત પ્રસિદ્ધ કાળા ડુંગર સ્થાનકે પણ સુરક્ષા એજન્સીઓનો કાફલો પહોંચી ગયો છે. ધોરડોના સફેદ રણમાં કાર્યક્રમ માટે વિશાળ ડોમ ઊભો કરવામાં આવ્યો છે. સુરક્ષાને લઈને રણમાં ચોતરફ પોલીસ, એસપીજી સહિતની સુરક્ષા વ્યવસ્થા ગોઠવાવામાં આવી છે. વડાપ્રધાન મોદી માત્ર પાંચ કલાક માટે કચ્છ આવી રહ્યાં છે. આવતીકાલે વડાપ્રધાન દિલ્હીથી ૧૧:૩૦ વાગ્યે કચ્છ આવવા રવાના થશે. બપોરે દોઢ વાગે તેઓ ક્ચ્છના ભૂજ એરપોર્ટ પહોચશે. અહીંથી હેલિકોપ્ટર મારફતે માંડવી પહોચશે. જે બાદ અહીં પીએમ મોદી કેટલીક વિકાસલક્ષી પરિયોજનાનો શિલાન્યાસ કરશે.

વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટમાં ડિસેલિનેશન પ્લાન્ટ, હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્ક અને સંપૂર્ણપણે ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ એન્ડ પેકિંગ પ્લાન્ટનો સમાવેશ થાય છે. પીએમ મોદી સાંજે સાડા પાંચ વાગ્યે સફેદ રણનો નજારો પણ માણશે. પીએમ મોદી મંગળવારે ગુજરાતના કચ્છના ધોરડોની મુલાકાત લેશે. સાથે રાજ્યમાં કેટલીક વિકાસલક્ષી પરિયોજનાનો શિલાન્યાસ કરશે. વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટમાં ડિસેલિનેશન પ્લાન્ટ, હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્ક અને સંપૂર્ણપણે ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ એન્ડ પેકિંગ પ્લાન્ટ સામેલ છે. પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી સફેદ રણની પણ મુલાકાત લેશે અને પછી એક સાંસ્કૃતિક કાર્યક્રમના સાક્ષી બનશે.

(11:43 am IST)