Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

કચ્છમાં હિટ એન્ડ રન : કાર ચાલકે હડફેટે લેતા ૨ના મોત

આદિપુરમાં બેફામ સ્પીડથી કાર હંકારીને મહિલા અને સ્કુટર ચાલકને ઉલાળતા બન્નેના જીવ લીધા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૧૫: કરછમાં માર્ગ અકસ્માતોના વધતાં જતાં બનાવો ચિંતા સર્જી રહ્યા છે. ગાંધીધામ આદિપુરને જોડતાં ટાગોર રોડ પર ડીએસપી ઓફિસ નજીક સાંજના ભાગે કાર ચાલકે બેદરકારીપૂર્વક બેફામ ગતિએ કાર હંકારીને બે નિર્દોષોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

ગાંધીધામથી આદિપુર જીજે-૧૨ ડીએમ-૯૩૫૦ના ચાલકે બેફામ સ્પીડથી કાર હંકારી સૌપ્રથમ રસ્તો ઓળંગી રહેલ રાહદારી મહિલા મંજુબેન હરમન બાવરીયા (ઉ.૩૦)ને ટક્કર મારી હતી. મંજુબેનને ટક્કર માર્યા બાદ ગાડીની સ્પીડ એટલી ભયંકર હતી કે આખે આખી કાર ફંગોળાઈ ગઈ હતી. જેના કારણે રોડ ઉપર જતાં એકિટવા ચાલક વિષ્ણુકુમાર બળદેવભાઈ રાઠોડ (ઉ.૪૨)ને કારની જોરદાર ટક્કર વાગી હતી અને તેઓ રોડ ઉપર ફંગોળાઈ ગયા હતા. કારની જીવલેણ ટક્કરથી આ ઘટનામાં મંજુબેન અને વિષ્ણુકુમાર બંનેના અરેરાટીભર્યા મોત નીપજયા હતા.

 આ અકસ્માત સર્જી કારચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. જીવલેણ અકસ્માત બાદ બનાવના સ્થળે લોકોના ટોળાં એકઠાં થઈ ગયાં હતા. આ સંદર્ભે આદિપુર પોલીસ સ્થળ પર જઈ કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. મૃતક મહિલા મંજુબેન મૂળ રાજસ્થાનના વતની છે અને છૂટક નાની-મોટી ચીજવસ્તુ વેચતા હતા.

તેઓ પાણી ભરીને આવતાં હતા ત્યારે કારચાલકે તેમને અડફેટે લીધા હતા. જયારે અન્ય મૃતક વિષ્ણુભાઈ રાઠોડ (મૂળ રહે. માંડલ, અમદાવાદ) કિડાણાની ગાયત્રી હાઉસીંગ સોસાયટીમાં રહેતા હતા અને કિડાણાની સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.

(10:55 am IST)