Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

કેશોદના અગતરાયમાં ૧૫ વર્ષના મેહુલને સગા મોટાભાઇનો પતાવી દેવાનો પ્રયાસ

મોટો દારૂ પી ગાળો બોલતો હોઇ મેહુલે ના પાડતાં પેટમાં છરીના ઘા ઝીંકયાઃ રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૧૫: કેશોદના અગતરાય ગામમાં રહેતાં ૧૫ વર્ષના મારવાડી તરૂણને તેના જ સગા મોટા ભાઇએ દારૂના નશામાં ઝઘડો કરી પેટમાં છરીના ઘા ઝીંકી દઇ હત્યાનો પ્રયાસ કરતાં ગામમાં ચકચાર મચી ગઇ છે. ગંભીર ઇજાગ્રસ્ત તરૂણને સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.

જાણવા મળ્યા મુજબ અગતરાયમાં રહેતાં અને ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતાં દિલીપભાઇ રાઠોડ (મારવાડી)ના પુત્ર મેહુલને સાંજે સાતેક વાગ્યે ગામમાં હતો ત્યારે કોઇ છરીના ઘા ઝીંકી ભાગી ગયું હતું. બેભાન હાલતમાં મેહુલને કેશોદ હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ ભાનમાં આવી તેણે પોતાના પર મોટા ભાઇ જેસીંગ રાઠોડે જ છરીથી હુમલો કર્યાનું જણાવ્યું હતું. કેશોદ પોલીસે આ મામલે હત્યાની કોશિષનો ગુનો નોંધી જેસીંગને સકંજામાં લીધો છે.

ગંભીર ઇજાગ્રસ્ત મેહુલ પાંચ ભાઇ અને બે બહેનમાં ચોથો છે. મેહુલના કહેવા મુજબ સાંજે પોતે ગામમાં હતો ત્યારે મોટો ભાઇ જેસીંગ દારૂ પી ઝઘડો કરી ગાળો દેતો હોઇ ના પાડતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને પેટમાં છરીના ઘા ઝીંકી ભાગી ગયો હતો.  પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:42 pm IST)