Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

જસદણમાં પ્રભારી રાજીવ સાતવે બતાવ્યા કડક તેવર!

જેઓને જવાબદારી સોંપાઇ છે તેઓ ગંભીરતાથી કરે કામગીરીઃ પ્રતિષ્ઠાના જંગમાં બેદરકારી દાખવનારાઓનું ભવિષ્ય ધૂંધળુઃ આજથી બે દિવસ જસદણમાં ડેરાતંબુ તાણશે રાજયપ્રભારીઃ નેતા અને કાર્યકરો પાસેથી પ્રચારકાર્યના મંગાયા હિસાબ-કિતાબઃ પ્રદેશ પ્રમુખ અને ઉપસ્થિત નેતા સંકલનથી વળગ્યા કામેઃ જવાબદાર નેતાઓને જાતે જ ફોન કરીને કરવામાં આવી તાકીદ

રાજકોટ તા.૧૫: ત્રણ રાજયોમાં ભાજપને વટભેર પછડાટ આપ્યા બાદ ગુજરાતમાં જસદણની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં ભાજપને શિરકત આપવા કોંગ્રેસે કમર કસી છે. રાજય પ્રભારી રાજીવ સાતવે આગામી ૧૮મી સુધી રાજકોટ અને જસદણમાં અડીંગો જમાવ્યો છે. જસદણ ખાતે આગેવાનોની બેઠકમાં રાજયપ્રભારે તેમના કડક તેવર બતાવીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે જેઓને પ્રચાર કામગીરીની જવાબદારી સોંપાઇ છે તે ગંભીરતાપૂર્વક જવાબદારી નિભાવે. બેદરકારી દાખવનારા માટે પાર્ટીના દરવાજા ભવિષ્યમાં થઇ જશે બંધ. દરમ્યાન મળતા અહેવાલો મુજબ પ્રદેશ પ્રમુખ તથા વિપક્ષી નેતાએ પણ અભૂતપૂર્વ સંકલન સાધી પ્રચાર આદર્યો છે.

અગાઉ સૌરાષ્ટ્ર -કચ્છના સહપ્રભારી તરીકે સફળ કામગીરી બજાવનાર રાજીવ સાતવની કાર્ય પદ્ધતિ, વલણ અને વર્તણૂંકથી તમામ આગેવાનો જાણકાર છે. સોંપાયેલ જવાબદારીમાં બેદરકારી દાખવનાર સામે કડક હાથે કામ લેવા માટે જાણીતા રાજીવ સાતવે હાઇકમાન્ડના કડક તેવરની જાણ ગઇકાલે જસદણ ખાતે આગેવાનો સમક્ષ પ્રદર્શિત કરીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે ભલામણોથી હોદ્દા મેળવનારાઓ પણ જો કામગીરીમાં બેદરકારી દાખવશે તો હકાલપટ્ટી જ આખરી રસ્તો રહેશે.

રાજય પ્રભારી રાજીવ સાતવે પ્રદેશના ટોચના નેતાઓને પણ સ્પષ્ટ શબ્દોમાં સંકલન સાધી કોઇપણ ભોગે જસદણની બેઠક ઉપર ભાજપને હરાવીને ઇડરીયો ગઢ પાછો મેળવવા માટે કામે લાગી જવા તાકીદ કરી હતી અને રાજીવ સાતવના કડક તેવરની સ્પષ્ટ અસર કોંગી નેતાઓ અને કાર્યકરોમાં જોવા મળી રહી છે.

કોંગ્રેસના પ્રચાર કાર્યમાં સ્પષ્ટ નજરે પડે છે કે, કોંગ્રેસી ધારાસભ્યો, પ્રભારીઓ,  નેતાઓ, પ્રદેશ હોદ્દેદારો ગંભીરતાપૂર્વક કામે લાગી ગયા છે.

જામનગર-દ્વારકા તરફના એક ધારાસભ્યએ ચૂંટણીમાં કામ કરવાની અનિચ્છા બતાવતા વાત દિલ્હી સુધી પહોચેલ. દિલ્હીની ચીમકી બાદ આ મહાનુભાવ જસદણ પંથકમાં કામે લાગી ગયાનું ચર્ચાઇ રહયું છે. (૧.૭)

(12:26 pm IST)