Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

દક્ષિણામૂર્તિ ખાતે ગિજુભાઇ બધેકાની સ્મૃતિઓ ચિરંજીવ બનાવવા માટે આધુનિક સ્મારક બનાવવામાં આવશે : જીતુભાઇ વાઘાણી

ગિજુભાઇ બધેકાના ૧૩૭માં જન્મદિવસની ભાવનગરમાં દક્ષિણામૂર્તિ ખાતે ભવ્ય ઉજવણી : ગિજુભાઇ બધેકાના જન્મદિવસને પ્રતિવર્ષ 'બાળવાર્તા દિન' તરીકે ઉજવવાની જાહેરાત કરતા શિક્ષણમંત્રી : રાજયમાં આખું વર્ષ બાળવાર્તા દિન તરીકે ઉજવવા માટેની કમિટીની પણ રચના : ગિજુભાઇ બધેકાના વિચારો એક દિવસ પુરતા સીમિત ન બની રહેતા ચિરંજીવ બની રહેવા જોઇએઃ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી

રાજકોટ, તા. ૧પ : બાળ કેળવણીના ભીષ્મ પિતામહ એવા સ્વ. શ્રી ગિજુભાઈ બધેકાના જન્મ દિવસને પ્રતિવર્ષ રાજ્યમાં 'બાળવાર્તા દિન'તરીકે ઊજવવાની શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ ગર્વભેર જાહેરાત કરી છે.

સ્વ. શ્રી ગિજુભાઈ બધેકાની ૧૩૭મી જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે તેમણે જણાવ્યું કે, ગિજુભાઈ બધેકાના વિચારો માત્ર એક દિવસ પૂરતા સીમિત ન રહેતા તે ચિરંજીવ બની રહેવા જોઈએ અને તેને લોકોના સ્મરણ સુધી પહોંચાડવા માટે રાજ્યમાં આખા વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્રમો દ્વારા તેની ઉજવણી કરવામાં આવશે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આ ઉજવણીને સાકાર કરવા માટે કમિટીનું ગઠન પણ કરવામાં આવ્યું છે. જેના દ્વારા વિવિધ કાર્યક્રમો નિર્ધારિત કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, ગિજુભાઈ બધેકાના બાળ કેળવણીના ઘડતર અને સંસ્કારોની જરૂરિયાત આજે પણ છે અને તેને લોકો સુધી લઈ જવા માટે રાજ્યના કેબલ નેટવર્ક પર પણ તેને અડધો કલાક સુધી વિવિધ વાર્તાકારો દ્વારા બાળવાર્તાના માધ્યમથી રજૂ થાય તે માટેના પણ પ્રયત્નો કરવામાં આવશે.

શિક્ષણમંત્રીશ્રીએ આ નવા વિચારને મૂર્તિમંત બનાવવા માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે પણ હકારાત્મકથી આવકાર્યો છે તે માટે તેમનો આભાર વ્યકત કર્યો હતો.

તેમણે કહ્યું કે, કરેલું કંઈપણ ફોગટ જતું નથી. સ્વ. ગિજુભાઈ બધેકાએ ૮૦ વર્ષ પહેલાં જે વિચારબીજ રોપ્યાં હતાં તે આજે વટવૃક્ષ બન્યાં છે અને તેનો છાયડો અનેક બાળકોએ લીધો છે.

સ્વ. ગિજુભાઈ બધેકાએ આજથી વર્ષો પહેલા ભાર વગરના ભણતરની હિમાયત કરી હતી. જેને આપણે આજે અમલમાં મૂકી રહ્યાં છીએ તે તેમની વિદ્વતા અને વિઝનના દર્શાવે છે. બાળકોમાં શિક્ષણનું સિંચન અને ઘડતર કેવી રીતે કરી શકાય તેનું દર્શન તેમણે વર્ષો પહેલાં કરાવ્યું હતું.

તેમના વિચારો નવી પેઢી સુધી પણ પહોંચે છે તે માટે તેમના આધુનિક સ્મારક બનાવવાની પણ શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી હતી.

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી સ્વ. ગિજુભાઈ બધેકાની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવી આદરાંજલી પણ વ્યકત કરી હતી.

જાણીતા સાહિત્યકાર અને હાસ્યકાર શ્રી સાંઈરામભાઈ દવેએ સ્વ. ગિજુભાઈ બધેકાની બાળવાર્તાઓની રસપ્રદ રજૂઆત કરી હતી.

આ કાર્યક્રમમાં જાણીતા શિક્ષણવિદ નલિનભાઇ પંડિત, શિક્ષણાધિકારી એન.જી.વ્યાસ, શ્રી મહેશભાઈ પાંડે, પૂર્વ ધારાસભ્ય નાનુભાઈ, જી.સી.આર.ટી.ના નિયામકશ્રી ટી.એસ. જોશી, સંસ્થાનાં ટ્રસ્ટીશ્રી અરૂણભાઈ દવે, સંસ્થાનાં મેનેજિંગ ટ્રસ્ટીશ્રી ડો. ધીરેન્દ્રભાઈ મૂની, સાહિત્ય રસિકો તથા ભાવનગરની જનતા ઉપસ્થિત રહી હતી.

(3:53 pm IST)