Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

ઝીંઝુડા ડ્રગ કેસઃ ગ્રામજનોની આંખમાં ધૂળ નાખવા સમસુદીન દોરા, ધાગાના ધતિંગ કરતો

પોતાના ઘરમાં કરોડોનું ડ્રગ્સ છુપાવનાર આરોપી મૂળ બાબરા તાલુકાના ખીજડિયા ગામનો સમસુદીન દોઢ વર્ષથી ઝીંઝુડા ગામમાં રહેતો હતો : અગાઉ જુગાર કેસમાં પકડાયો હતો

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧૫: મોરબી તાલુકાના આમરણ નજીક દરિયાથી માત્ર બે કિલોમીટર દુર વસેલા નાના એવા ઝીંઝુડા ગામમાંથી એટીએસ અને મોરબી એસઓજીએ સયુકત રીતે રૂ.૬૦૦ કરોડની કિંમતનું હેરોઇન ડ્રગ્સ ઝડપી લેવા પ્રકરણમાં જેના રહેણાંકમાંથી ડ્રગ્સનો જથ્થો પકડાયો તે સમસુદીન પીરઝાદા ગામ લોકો અને પોલીસની નજરથી બચી શકાય તે માટે દોરા- ધાગાના ધતિંગ કરતો હોવાનું અને સીધા સાદો વ્યકિત હોવાનો આંચળો ઓઢી દોરા – ધાગાના અને જોવાના કામના નામે ડ્રગ્સ માફિયાઓના સંપર્કમાં હોવાનું બહાર આવ્યું છે.

મોરબી જિલ્લાના છેવાડે આવેલ અને દરિયા કાંઠાથી માત્ર બે કિલોમીટર દૂર આવેલ ઝીંઝુડા ગામમાંથી ૬૦૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાતા ગામ લોકો ડ્રગ્સ છુપાવનાર સમસુદીન પીરઝાદા ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે. ૧૮૦૦ લોકોની વસ્તી ધરાવતા ઝીંઝુડા ગામમાં મુખ્યત્વે મુસ્લિમ અને કોળી સમાજની વસ્તી આવેલી છે. હેરોઇન ડ્રગ્સ કન્સાઈમેન્ટ પોતાના દ્યરમાં છુપવાનારો સમસુદીન પીરઝાદા મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ખીજડિયા ગામનો વતની છે અને ઝીંઝુડા ગામનો ભાણેજ હોય છેલ્લા દોઢેક વર્ષથી તે ઝીંઝુડા ગામે રહેવા આવ્યો હોવાનું અને અહીં દોરા, ધાગા અને જોવાનું કામ કરી ગુજરાન ચલાવતો હોવાનું ગામના જ સમસુદીનભાઈ જણાવે છે.

વધુમાં ઝીંઝુડા ગામના આગેવાન એવા સમસુદીનભાઈ કહે છે કે, ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાઇ ગયેલા સમસુદીને અમારા ગામને કલંકિત કર્યું છે. આ ગામના ઇતિહાસમાં આવું કયારેય બન્યું નથી. આ અગાઉ સમસુદીન જુગાર રમતા ઝડપાઇ ગયો હોવાનું તેમને ઉમેરી જોવાનું અને દોરા ધાગાનું કામ કરતો હોય લોકોની વ્યાપક અવર જવર તેના દ્યરે રહેતી હોય લોકોને આવા ગોરખધંધા અંગે કોઈ જાણકારી ન હોવાનું પણ તેમને ઉમેર્યું હતું.

હાલમાં મોરબી એસઓજી અને એટીએસની ટીમ આરોપીઓ સાથે હજુ પણ ઝીંઝુડા ગામમાં તપાસનો દૌર ચલાવી રહી છે અને હેરોઇન ડ્રગ્સ પ્રકરણમાં ઝીણવટ ભરી તપાસ સ્થાનિક ચાલતી હોય ગ્રામજનોમાં તરેહ તરેહની ચર્ચાઓ ચાલી રહી છે.

(12:23 pm IST)