Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

વાયદાઓ પૂર્ણ કરવા રાજ્‍ય સરકાર તત્‍પર : ભૂપેન્‍દ્રભાઇ પટેલ

સુરેન્‍દ્રનગરમાં મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતિમાં ભાજપનું સ્‍નેહમિલન : મહેન્‍દ્રભાઇ મુંજપરા, કિરીટસિંહ રાણા સહિતનાની ઉપસ્‍થિતિ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૫ : સુરેન્‍દ્રનગર ખાતે ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્‍થિતિમાં જિલ્લા ભાજપ દ્વારા નૂતનવર્ષ સ્‍નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.
સુરેન્‍દ્રનગર ભક્‍તિનંદન સર્કલ પાસેના મેદાનમાં આયોજિત નૂતનવર્ષ સ્‍નેહમિલન કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાંથી પધારેલ ભાજપના કાર્યકર્તાઓને સંબોધન કરતાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, રાજય સરકારની અઢળક યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી છે અને તેથી જ રાજયની પ્રજા પાર્ટી પર વિશ્વાસ મુકી રહી છે. આત્‍મનિર્ભર ગુજરાતના સંકલ્‍પ થકી આત્‍મનિર્ભર ભારતની નેમ પૂર્ણ કરી શકાશે તેવો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો.
વધુમાં મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે,ᅠરાજયની પ્રજા માટે જે કામો માટે વાયદાઓ કર્યા છે તે વાયદાઓ પૂર્ણ કરવા પર હંમેશા તત્‍પર છીએ. નવી સરકાર નવા ઉત્‍સાહ અને ઉમંગથી પ્રજાની વચ્‍ચે રહીને કામ કરી રહી છે. પાર્ટીના કાર્યકર્તાઓને પાર્ટી નેતૃત્‍વ પર વિશ્વાસ રાખીને પક્ષના કાર્યને સર્વોપરી ગણીને સર્વે કાર્યકર્તાઓને સાથે મળીને આગામી વિધાનસભાની ચૂંટણીના કામે લાગી જવા પણ માટે આહ્વાન કર્યું હતું.
કેન્‍દ્રીય રાજયમંત્રીશ્રી અને સુરેન્‍દ્રનગર લોકસભા વિસ્‍તારના સાંસદ સભ્‍યશ્રી મહેન્‍દ્રભાઇ મુંજપરાએ પ્રજાલક્ષી કાર્યો માટે કાર્યકર્તાઓને હંમેશા તત્‍પર રહેવા પ્રેરણા આપી હતી. વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાર્થક કરવા કાર્યકર્તાઓને કામે લાગી ઉત્‍સાહિત કર્યા હતા. આ પ્રસંગે સ્‍વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના ચેરમેન આઇ.કે. જાડેજાએ પ્રસંગોચિત્ત ઉદ્દબોધન કરી કાર્યકર્તાઓને નવા વર્ષની શુભેચ્‍છા પાઠવી નવા ઉમંગ અને ઉત્‍સાહ સાથે રાષ્ટ્ર કાર્ય માટે વધુને વધુ સમય ફાળવવા આહ્વાન કર્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન સુરેન્‍દ્રનગર જિલ્લાના, તાલુકાઓના, શહેરોના, ભાજપના વિવિધ મોરચાઓના તેમજ વિવિધ મંડળોના આગેવાનો દ્વારા મુખ્‍યમંત્રીનું સ્‍મૃતિભેટ, સ્‍મૃતિચિહ્નો, પુષ્‍પમાળાઓ તેમજ ઝાલાવાડની પાંચાળ ભૂમિની ઓળખ એવી પાઘડી અને બંડી પહેરાવીને વિશેષ સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી દેવભાઈ માલમ, સાંસદ વિનોદભાઇ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી બબુબેન પાંચાણી, ધારાસભ્‍ય ધનજીભાઈ પટેલ, સુરેન્‍દ્રનગર નગરપાલિકાના પ્રમુખ વિરેન્‍દ્રભાઈ આચાર્ય, પૂર્વ ધારાસભ્‍ય ધનરાજભાઈ કેલા, શ્રીમતી વર્ષાબેન દોષી જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઇ મકવાણા તેમજ અગ્રણી સર્વશ્રી નિતિનભાઈ ભારદ્વાજ, પ્રશાંતભાઈ કોરાટ, અનિરૂદ્ધસિંહ પઢિયાર, જયેશભાઈ પટેલ, હિતેન્‍દ્રસિંહ સહિતના પદાધિકારીઓ અને મોટી સંખ્‍યામાં કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(11:15 am IST)