Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

ગો ડેડી કંપનીનું ડોમેઈન એકાઉન્ટ હેક:વેબ ડિઝાઈનર મોરબીના ભેજાબાજ શખ્સનું કારસ્તાન : ઓનલાઈન વેચાણમાં મૂકી દીધું !!

મોરબી રવાપર રોડ પર રહેતા ભેજાબાજ દિવ્યેશ ગામી વિરુદ્ધ રાજકોટ સાયબર પોલીસ મથકમાં ફરિયાદ

મોરબી તથા રાજકોટ ખાતે કાર્યરત આઇટી સોલ્યુશન કંપની દ્વારા બનાવવામાં આવેલા સિરામીક ટાઇલ્સને લગતા છ ડોમેઈન નેમ હેક કરી મોરબીના ભેજાબાજ શખ્સે ઓનલાઈન વેચાણ માટે મુક્તા આ મામલે આઇટી સોલ્યુશન કંપનીના માલિક દ્વારા ભેજાબાજ ગઠિયા વિરુદ્ધ રાજકોટ સાયબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

સાયબર પોલીસ સ્ટેશન રાજકોટથી મળતી વિગતો મુજબ રાજકોટ 150 ફૂટ રિંગ રોડ ઉપર ધ સ્પાયર બિલ્ડિંગમાં લાઇટ લિંક સોલ્યુશન્સ નામની આઇટી કંપની ધરાવતા અને મોરબી તેમજ રાજકોટ ખાતે વેબસાઇટ ડીઝાઇનીંગ અને મોબાઇલ એપ ડેવલોપમેન્ટ નુ કામ કરતા આનંદકુમાર હેમંતલાલ ભોરણીયાના ગો – ડેડી એકાઉન્ટમાંથી priyarav57@gmail.com નામના ગો-ડેડી એકાઉન્ટ આઇ.ડી નં.૪૧૩૮૦૬૧૧૩ દ્વારા કંપનીના નામે ડોમેઈન થયેલા tilesview.com, tileswale.com, tileswalestore.com, tilewale.us, itileswale.in અને itileswale.com હેક કરી ઓનલાઈન વેચાણ માટે મુકાયા હોવાનું જણાતા તેઓ ચોકી ઉઠ્યા હતા.

વધુમાં ફરિયાદી આનંદકુમાર હેમંતલાલ ભોરણીયા આઇટી ટેકનોલોજીના જાણકાર હોય તેમને પોતાની રીતે ટેકનિકલી તપાસ કરતા તેમના ગો – ડેડી આઇડીને જ હેક  કરનાર વ્યક્તિ મોરબીનો જ હોવાનું ખુલ્યું હતું જેથી આંનદકુમારે રાજકોટ સાયબર પોલીસ મથકમાં મોરબીના રવાપર રોડ, ઓમ પાર્ટી પ્લોટ પાછળ સંસ્કાર એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 602માં રહેતા દિવ્યેશ જેન્તીભાઇ ગામી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આ મામલે રાજકોટ સાયબર પોલીસે આરોપી દિવ્યેશ ગામી વિરુદ્ધ આઇ.ટી એકટ ૨૦૦૦ ની કલમ ૬૬(સી),૬૬(ડી) મુજબ ખોટા રજીસ્ટર્ડ મો.નં.૯૦૯૯૦૯૯૨૨ થી તથા મેઇલ આઇ.ડી. હેક કરી ડોમેઇન તફડાવી ઓનલાઇન પ્લેટફોર્મ પર વેચવા મુકી લાઇટ લિંક સોલ્યુશન્સ નામની આઇટી કંપનીની પ્રાઇવેસીનો ભંગ કરવા સબબ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.

(11:19 pm IST)