Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

જેતપુરમાં કોંગો ફિવરનો શંકાસ્પદ કેસ : તંત્ર દોડતુ

દર્દી ખાનગી હોસ્પિટલમાં સઘન સારવાર હેઠળ : સ્થાનિક જિલ્લા પંચાયતની આરોગ્ય, પશુપાલન ખાતાની ટીમે ગામના પશુઓ અને નાગરિકોની તપાસણી શરૂ કરી

અમદાવાદ, તા. ૧૫ : ભાવનગર બાદ હવે રાજકોટમાં પણ કોંગો ફિવરે દસ્તક દીધી હોય તેમ લાગી રહ્યું છે. જેતપુરના પીપળવા ગામે કોંગો ફિવરનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. હાલ દર્દી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સ્થાનિક જિલ્લા પંચાયતની આરોગ્ય અને પશુપાલન વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ગામના પશુઓ અને લોકોની તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, ભાવનગર જિલ્લામાં કોંગો ફિવરના સૌથી વધુ કેસ સામે આવ્યા હતા અને એક પછી એક લોકો તેમાં ભોગ બન્યા બાદ માત્ર ભાવનગરનું સ્થાનિક આરોગ્ય તંત્ર જ નહી પરંતુ રાજય આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયુ હતુ. કોંગો ફિવરના શંકાસ્પદ કેસોની સઘન સારવાર અને તેનો ફેલાવો અટકાવવાથી લઇ તેને ડામવા સહિતના તમામ અસરકારક પગલાંઓ લેવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેને લઇ ભાવનગરમાં પરિસ્થિતિ નિયંત્રણમાં આવી હતી પરંતુ ત્યાં તો રાજકોટમાં જેતપુરના પીપળવા ગામે કોંગો ફિવરનો શંકાસ્પદ કેસ સામે આવતાં મામલાને ગંભીરતાથી લઇ સ્થાનિક આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર પણ દોડતુ થઇ ગયુ હતુ.

                     હાલ તો દર્દીને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સઘન સારવાર અપાઇ રહી છે પરંતુ સાથે સાથે તંત્રના અધિકારીઓ અને નિષ્ણાતો પણ ચાંપતી નજર રાખી રહ્યા છે. બીજબાજુ, કોંગો ફિવરનો શંકાસ્પદ કેસ સામે આવ્યા બાદ સ્થાનિક જિલ્લા પંચાયતની આરોગ્ય અને પશુપાલન વિભાગની ટીમ અને કર્મચારીઓ દ્વારા ઘેર-ઘેર ફરી લોકોની તેમ જ પશુઓની તપાસ અને નિદાન-માર્ગદર્શની કાર્યવાહી તાબડતોબ શરૂ કરી દીધી હતી.

(8:27 pm IST)