Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં ખેડૂતો, કારખાનેદારો, યુવાનો બેહાલ, છતાં સરકાર મૂર્છામાં, રામમંદિરનો ચુકાદો આવકાર્ય- ખુરશીદ સૈયદ

ભુજમાં જનવેદના સંમેલન દરમ્યાન વરિષ્ઠ કોંગ્રેસી આગેવાને રાજકોટ, ભાવનગર, જામનગરના કારખાનેદારોની આર્થિક મંદી અને ખેડૂતોની આર્થિક બેહાલીના મુદ્દે ભાજપ પર કર્યા આકરા પ્રહારો

ભૂજ, તા. ૧પ : (ભુજ) આજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત જનવેદના કાર્યક્રમ અંતર્ગત ભુજ આવેલા વરિષ્ઠ કોંગ્રેસી આગેવાન ખુરશીદ અહેમદ સૈયદે ભાજપ સરકારની નિષફળતા તેમ જ રામ મંદિરના ચુકાદાના મુદ્દે  'અકિલા' સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, માત્ર વચનો, સૂત્રો અને વિવાદાસ્પદ નિવેદનો સાથે દેશભકિતના નામે લોકોને ગુમરાહ કરતી ભાજપ સરકારને લોકો ઓળખી ગયા છે.

સરકારની અણઆવડતના કારણે આજે નાના કારખાનેદારો પરેશાની સાથે આર્થિક મંદીમાં ફસાયા છે. રાજકોટના ઓઇલ એન્જીન, સ્પેરપાર્ટ્સ ઉદ્યોગ, ભાવનગરના હીરા ઉદ્યોગ, જામનગરના બ્રાસ પાર્ટ્સ ઉદ્યોગ સાથે સંકળાયેલા કારખાનેદારો ખૂબ જ કફોડી હાલતમાં છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના ખેડૂતો પાયમાલ છે. સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદાતું અનાજ સડી રહ્યું છે. કયાંક કૌભાંડો થાય છે. પાક વીમાના રૂપિયા ચૂકવાતા નથી.

અતિવૃષ્ટિનો ભોગ બનેલા ખેડૂતો માટે જાહેર કરાયેલા પેકેજ ખૂબ જ ઓછું છે. આજે યુવાનોમાં બેરોજગારીનો ગ્રાફ વધી ગયો છે. ભણ્યા પછી કોઈ નોકરી નથી આપતું. ખેડૂતોને ભાવ નથી મળતા અને લોકો માટે ડુંગળી, શાકભાજી, દાળ ના ભાવોમાં મોંદ્યવારી પણ માઝા મૂકી રહી છે.

મહારાષ્ટ્ર અને હરિયાણાના ચૂંટણી પરિણામોએ બતાવી દીધું છે કે, હવે લોકોને દેશપ્રેમને નામે, આતંકવાદને નામે ગુમરાહ કરી શકાય એમ નથી. કોંગ્રેસના લદ્યુમતી સેલના રાષ્ટ્રીય ચેરમેન ખુરશીદ સૈયદે રામ મંદિરના ચુકાદાને આવકાર્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટના ચુકાદાના અમુક તથ્યો વિશે તેમણે છણાવટ કરતાં અત્યાર સુધી રામમંદિર અને બાબરી મસ્જિદ મુદ્દે અત્યાર સુધી કરાયેલા પ્રચાર સામેના પોતાના વિચારો દર્શાવ્યા હતા.

એઆઇસીસીના સદસ્ય અને ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન ખુરશીદ સૈયદે ટુક સમયમાં જ ગુજરાત કોંગ્રેસનું નવું સંગઠન માળખું તૈયાર થઈ જશે એવું જણાવ્યું હતું. કોંગ્રેસ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં લોકોના પ્રશ્ને અવાજ ઉઠાવશે.

(1:10 pm IST)