Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

મોટુ ફુલેકુ ફેરવનાર જુનાગઢના બે શખ્સો ફરીયાદના ૧૦ માસ પછી પણ ભુગર્ભમાં?

ફરીયાદીની ઉચ્ચકક્ષાએ રજુઆત છતા પરીણામ શુન્ય

જુનાગઢ, તા., ૧પઃ મોટુ ફુલેકુ ફેરવનાર જુનાગઢના બે શખ્સો ફરીયાદનાં ૧૦ માસ પછી પણ ભુગર્ભમાં રહેતા ફરીયાદીએ આ ઇસમોને ઝડપી લઇ ન્યાય અપાવવા માંગણી કરી છે.

આ અંગે જુનાગઢની ગીરીરાજ સોસાયટીમાં રહેતા વેપારી મોટુમલ હાસારામ રીજવાણી (ઉ.વ.૬પ) એ જણાવેલ કે જુનાગઢમાં મધુવન ગોલ્ડ આર્ટ અને શ્રીજી ગોલ્ડ નામની ભાગીદારી પેઢી સોનાના દાગીના બનાવી અને વેચવાનો કારોબાર કરે છે.

આ પેઢીના ભાગીદારો શ્યામ વિનોદરાય પાટડીયા અને લાડલેશ વિનોદરાયે મોટુમલ સાથે કચ્છના ગુંદાળા ખાતેના ૯પ પ્લોટનો રૂ. ૮૦ લાખમાં વેચાણ સોદો કરેલ. બાદમાં સોદો ફોક કરી પ્લોટો બેન્કને મોરગેજમાં આપવા જણાવેલ.

સોદો ફોક થતાં રૂ. ૬૦ લાખનો ચેક આપવાનું દસ્તાવેજમાં લખાણ કરેલ પરંતુ ચેક આપ્યા ન હતા.

આ ઠગાઇ અને છેતરપીંડી કરતા જુનાગઢ બી ડીવીઝન પોલીસમાં ફરીયાદ કરાઇ હતી. જો કે આ સિવાયના સોદામાં રૂ. ૪૦ લાખના ત્રણ ચેક આપેલા તે પણ રીટર્ન થતા ફોજદારી કેસ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત બાબા કન્સ્ટ્રકશન સાથે પણ રૂ. પાંચ કરોડની છેતરપીંડી કરી હતી. આરોપીઓ સામે માળીયા હાટીના, રાજકોટ કોર્ટમાં પણ કરોડોની છેતરપીંડીના કેસ ચાલી રહયા છે.

બંન્ને આરોપી સામે ધરપકડનાં વોરન્ટ ઇસ્યુ થવા છતા હાજર થયા ન હોય અને ભુગર્ભમાં ઉતરી ગયેલા આરોપીઓના પકડી પાડવા મોટુમલ રીજવાણીએ ઉચ્ચ કક્ષાએ પણ રજુઆત કરેલ પરંતુ પરીણામ શુન્ય રહેતા તેઓએ અખબારી નિવેદનથી આરોપીઓને સત્વરે પકડી પાડવા ફરી માંગણી કરેલ છે.

(1:06 pm IST)