Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

અમરેલીમાં સહકાર સપ્તાહની ઉજવણી અંતર્ગત ધ્વજવંદન-સંમેલન

અમરેલી, તા. ૧પ : સમગ્ર ભારતવર્ષમાં દર વર્ષે ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘ, ન્યૂ દિલ્હી દ્વારા વિવિધ સહકારી સંસ્થાઓના માધ્યમથી સહકારી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે તે અન્વયે દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશના સહકારી આગેવાન તેમજ ખેડૂત નેતા દિલીપભાઇ સંઘાણીના માર્ગદર્શન મુજબ અમરેલી જીલ્લામાં પણ અલગ અલગ સંસ્થાઓમાં ૬૬મા અખિલ ભારતીય સહકાર સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.

સહકારી સપ્તાહની ઉજવણી પ્રસંગે અમર ડેરી, અમરેલી ખાતે જીલ્લાની ચારેય ટોચની સહકારી સંસ્થાઓ દ્વારા સહકારી ધ્વજવંદન કાર્યક્રમ યોજાયેલ.

કાર્યક્રમની શરૂઆતમાં અમર ડેરી, અમરેલીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયાએ આવકાર્યા બાદ સહકાર સપ્તાહની ઉજવણી અંગે પ્રાથમિક માહિતી, માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત સૌ મહાનુભાવોનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાના હસ્તે સહકારી ધ્વજ ફરકાવવામાં આવેલ. ઉપસ્થિત સૌ મહાનુભાવો, સભાસદો, ડીરેકટર્સ અને સ્ટાફ દ્વારા સામૂહિક 'સહકારી ગીત'નું ગાન કરવામાં આવ્યું હતું.

અમરેલી જીલ્લા મધ્યસ્થ સહ. બેંકના વાઇસ ચેરમેનશ્રી અરૂણભાઇ પટેલ દ્વારા સહકાર સપ્તાહની ઉજવણી દ્વારા સહકારી સંસ્થાઓમાં પાયાની સહકારી ભાવના અને મૂલ્યોનું સંવર્ધન અને જતન કરી શકાય છે તેમ જણાવેલ.

અમરેલી જીલ્લા સહકારી સંઘના અધ્યક્ષ મનીષભાઇ સંઘાણી દ્વારા જણાવેલ કે આ વર્ષનું સહકાર સપ્તાહનું વિષયવસ્તુ નૂતન ભારતના નિર્માણ માટે સહકારી સંસ્થાઓની ભૂમિકા છે. તેમજ ૧૪ના અજના દિવસનું વિષયવસ્તુ ગ્રામીણ સહકારી સંસ્થાઓ દ્વારા નવા સાહસોનો પ્રારંભ છે. આ બન્ને વિષયવસ્તુ પર તેઓએ વિસ્તૃત માર્ગદર્શન આપેલ તેઓએ જણાવેલ કે સહકારી પ્રવૃતિએ શોષણ નાબૂદીનો યજ્ઞ છે. પૂ. ગાંધીજીના આ સુત્રને પણ આજના પ્રસંગે યાદ કરેલ.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી અમરેલીના સાંસદશ્રી નારણભાઇ કાછડીયાએ જણાવેલ કે અમરેલી અને ગુજરાત રાજયની સહકારી પ્રવૃતિ સમગ્ર દેશમાં પ્રેરણારૂપ છે ત્યારે આવા કાર્યક્રમો સામાન્ય જનમાનસની સહકારી પ્રવૃતિ પ્રત્યેની લાગણી અને વિશ્વાસને વધુ દૃઢ કરે છે. આ કાર્યક્રમના આયોજન બદલ તેઓએ ખુશી વ્યકત કરી હતી અને સમગ્ર સહકારી ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

આ કાર્યક્રમમાં અમરેલી જીલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘના અધ્યક્ષશ્રી જયંતીભાઇ પાનસુરીયા તેમજ ચારેય જીલ્લા કક્ષાની ટોચની સહકારી સંસ્થાઓના બોર્ડ ઓફ ડાયરેકટર્સ તેમજ કર્મચારીગણો ઉપસ્થિત રહ્યા હતાં.

આભારવિધિ શ્રી રાજેશભાઇ માંગરોળીયાએ કરી હતી.

(1:03 pm IST)