Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

૩૦મીએ જૂનાગઢ હેરીટેજ ફેસ્ટીવલનું આયોજન

બિરવા કુરેશી દ્વારા મહાબત અને બહાઉદીન મકબરા ખાતે ભવ્ય સાંગીતિક નિઃશુલ્ક કાર્યક્રમ

જૂનાગઢ તા.૧૫ : ક્રાફટ ઓફ આર્ટ એક એવી પહેલ છે. જેના દ્વારા લોકો, ખાસ કરીને યુવાપેઢી આપણા ઐતિહાસિક સ્મારકો પ્રત્યે કેન્દ્રીત થાય અને આપણને મળેલા વારસાનું મુલ્ય સમજે. આ પહેલ મૂળ અમદાવાદના બિરવા કુરેશી દ્વારા કરવામાં આવી છે.

છેલ્લા ૯ વર્ષથી ગુજરાતના વિભિન્ન ઐતિહાસિક સ્મારકોએ ૧૯ જેટલા સંગીત સમારોહનું આયોજન કરીને તે સ્મારકમાં છુપાયેલી કલા, ઇતિહાસ અને ગૌરવને લોકો સુધી લઇ જવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાતભરમાં અનેક સ્થળો જેવા કે, સરખેજ રોઝા, અડાલજ વાવ, ભદ્રકિલ્લો અને ત્રણ દરવાજા અમદાવાદ, રાણકી વાવ પાટણ, ખાન મસ્જિદ ધોળકા ખાતે યોજાયેલ સાંગીતીક કાર્યક્રમોમાં ઉચ્ચ પ્રતિભાશાળી સંગીતકારોએ પ્રસ્તુતી કરી. જેમાં હજારો લોકોનો પ્રતિસાદ પ્રાપ્ત થયો. આ કાર્યક્રમને એક તહેવારની માફક ઉજવવા તદન નિઃશુલ્ક રાખવામાં આવે છે. જેથી અનેક લોકો તેને માણી શકે.

આ પહેલનું ૧૦મુ વર્ષ ઉજવવા આપણા જૂનાગઢમાં તા.૩૦મી નવે. ૨૦૧૯ના રોજ બિરવા કુરેશી દ્વારા જૂનાગઢ હેરીટેજ ફેસ્ટીવલ શિર્ષક અંતર્ગત મહાબત અને બહાઉદ્દીન મકબરા ખાતે ભવ્ય સાંગીતીક કાર્યક્રમનું આયોજન થવાનુ છે. જેમાં વધુને વધુ જૂનાગઢવાસીઓ ભાગ લે તે માટે આ કાર્યક્રમ તદ્દન નિઃશુલ્ક રાખવામાં આવશે. તો આ કાર્યક્રમને માણવા અને દિપાવવા આપ સૌની હાજરી આવશ્યક છે.

બિરવા કુરેશી

અમદાવાદની જાણીતી સ્કુલ ઓફ ઇન્ટિરીયર ડિઝાઇનીંગમાં ઇન્ટીરીયર ડીઝાઇનીંગનો અભ્યાસ કરીને સીઇપીટી યુનિ.નો એક હિસ્સો બિરવા કુરેશી માટે કલાને પોતાના જીવનનો મહત્વનો હિસ્સો માને છે. તેઓએ ગુરૂશ્રી મૃણાલીની સારાભાઇ પાસેથી ભરતનાટયમ અને ભારતીય લોકનૃત્યની તાલીમ લીધી. તેઓએ નૃત્યાંગના રૂપે દેશ વિદેશમાં અનેકવાર પ્રસ્તુતી કરી. તેઓનુ ઇન્ટીરીયર ડીઝાઇનનુ ભણતર કલા સાથે જોડાયેલ તેમની લાગણીઓ અને સંવેદનશીલતા એક સમૃધ્ધ સંયોજનમાં તેઓને સીધા સ્મારકો સાથે જોડી આપે છે.

તેઓએ વિશ્વપ્રસિધ્ધ તબલાવાદક ફઝલ કુરેશી સાથે વિવાહ કર્યા અને પોતાના જીવનની એક નવી દિશા ખુલી. નૃત્ય સંગીત અને ડીઝાઇનીંગની સમજણના સંયોગે ક્રાફટ ઓફ આર્ટને જન્મ આપ્યો. જે અંતર્ગત તેઓ છેલ્લા નવ વર્ષથી લોકોને સંગીતના માધ્યમથી ઐતિહાસિક સ્મારકો સાથે જોડાવવાનુ ઉતમ કાર્ય કરી રહ્યા છે.

ઘણા ટુંકા સમયગાળામાં તેઓએ આપણને મળેલા વારસાને જીવંત રાખવા સુફી વોટર અને ગુંબજ ફેસ્ટીવલનું સફળ આયોજન કરી લોકોને સંસ્કૃતિ, કલા અને ઐતિહાસિક વારસા પ્રત્યે જાગૃત કરતા આવ્યા છે.

ઉસ્તાદ ફઝલ ખુરેશી

તેઓનો જન્મ એક તબલાવાદક પરિવારમાં થયો. તેમના પિતા ઉસ્તાદ અલ્લારખા અને ભાઇ ઉસ્તાદ ઝાકીર હુસૈન છે. તેઓએ તબલાવાદનની વિદ્યા તેઓના પિતા ઉસ્તાદ અલ્લારખા પાસેથી મેળવી. તેઓએ અનેક મહાન સંગીતકારો સાથે સંગત કરી છે. તેઓ ભારતીય શાસ્ત્રીય સંગીતની સાથોસાથ જેઝ મ્યુઝીકના પણ અનેક કાર્યક્રમો આપી ચુકયા છે. તેઓએ અનેક ફિલ્મો અને આલ્બમમાં મ્યુઝીક કમ્પોઝર તરીકે પણ કામ કર્યુ છે. તેઓ છેલ્લા ૩પ વર્ષથી તબલાવાદન કરી રહ્યા છે અને હાલમાં તેઓ પોતાના પિતા ઉસ્તાદ અલ્લારખા દ્વારા શરૂ કરવામાં આવેલી તબલા ઇન્સ્ટીટયુટમાં વિદ્યાર્થીઓને સાંગીતીક તાલીમ આપી રહ્યા છે.

અયાન અલી બંગશ

પ્રસિધ્ધ સરોદવાદક અમઝદ અલી ખાનના પુત્ર અને શિષ્ય એવા અયાન અલીએ નાની ઉંમરથી જ આત્મવિશ્વાસ અને વિશિષ્ટ આવડતથી સરોદ વાદનની દુનિયામાં પગલા માંડયા. તેઓએ દુનિયાભરમાં અનેક સ્થળોએ સોલો વાદન તેમજ પોતાના પિતા સાથે જુગલબંધીના કાર્યક્રમ આપ્યા. તેઓએ સરોદમાં વિવિધ શૈલીઓનું વાદન કરીને અનેક સિધ્ધિઓ હાંસલ કરી છે.

મિલિંદ ગઢવી

તેઓએ ૧૧ વર્ષની ઉંમરે પોતાની પહેલી કવિતા લખી. વર્તમાન સમયમાં બેંક શાખા પ્રબંતક તરીકે ફરજ બજાવતા મિલીંદ ગઢવી શબ્દો સાથે સંતાકુકડી રમવાનો અનોખો શોખ ધરાવે છે. તેઓએ દેશ વિદેશમાં પોતાની કવિતા પઠનની અનોખી કળાથી કેટલાય શ્રોતાઓના દિલ જીત્યા છે. તેઓ માત્ર કવિતા કે ગઝલ પુરતા મર્યાદીત નથી. પરંતુ મંચ સંચાલન પણ ખૂબ જ સારી રીતે સંભાળે છે. તેઓએ અનેક બોલીવુડ અને ગુજરાતી ફીલ્મોમાં ફીલ્મોમાં લીરીસીસ્ટ તરીકે કાર્ય કર્યુ છે. જૂનાગઢ હેરીટેજ ફેસ્ટીવલના પ્રેઝન્ટીંગ સ્પોન્સર ગુજરાત ટુરીઝમ રેડીયો પાર્ટનર ટોપ એફ એમ અને સોશ્યલ મિડીયા પાર્ટનર આપણુ જૂનાગઢ છે.

નિઝામી બંધુ

તેઓ જાણીતા કવ્વાલી ગાયકો છે કે જેઓ એક જ સુપ્રસિધ્ધ કવ્વાલ પરિવારમાંથી આવે છે. નિઝામી બંધુએ દેશ વિદેશની ધરતી પર કવ્વાલી ગાયનના અનેક કાર્યક્રમો આપીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા છે. તેઓએ ૨૦૧૧માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ રોકસ્ટારમાં કવ્વાલીનું ગાયન કર્યુ છે. તેઓ ૭૦૦ વર્ષ જૂના કવ્વાલીના વારસાને આજે નવી દુનિયા સામે અનેક ઉંચાઇઓ સુધી લઇ જઇ રહ્યા છે.

(11:58 am IST)