Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

માવઠાના પગલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી વધી

જો કે હજુ શિયાળાનો માહોલ જામતો નથીઃ સૂર્યનારાયણના દર્શન સાથે જ હૂંફાળુ હવામાન-બપોરે ગરમી

રાજકોટ તા.૧૫: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમા પલ્ટા સાથે કોઇ કોઇ જગ્યાએ વરસાદ પડી જાય છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે.

માવઠાબાદ ઠંડકમાં વધારો થયો છે અને મોડી રાત્રીના તથા વહેલી સવારના સમયે ઠંડી સાથે શિયાળા જેવુ વાતાવરણ છવાઇ જાય છે.

જયારે સુર્યનારાયણના દર્શન થતાની સાથે જ હૂંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને બપોરના સમયે અસહ્ય ઉકળાટનો અનુભવ થાય છે.

જામનગર

જામનગરઃ આજનું હવામાન ૩૦ મહતમ, ૨૦.૮ લઘુતમ, ૮૪ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૭.૫ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

કમોસમી વરસાદ બાદ જૂનાગઢ સહિત સોરઠનાં તાપમાનમાં ધરખમ ઘટાડોઃ ગુરૂવારનાં માવઠાથી જૂનાગઢ યાર્ડમાં ૪૦૦ ગુણી મગફળી પલળી

જુનાગઢ તા.૧૫: ગઇકાલે કમોસમી વરસાદ બાદ આજે સવારે જૂનાગઢ સહિત સોરઠના તાપમાનમા ધરખમ ઘટાડો નોંધતા લઘુતમ નીચે ઉતરીને ૧૯.૮ ડીગ્રી થઇ ગયુ છે.

વાતાવરણમાં ૮૯ ટકા ભેજ રહેતા સવારે ધુમ્મસપણ છવાય ગયુ હતું.

જૂનાગઢમાં ગુરૂવારનાં કરા સાથેના વરસાદથી યાર્ડ ખાતે ૪૦૦ ગુણીથી વધુ મગફળી પલળી ગઇ હતી. સાબલપુર પાસે વીજળી પણ ત્રાટકી હતી. સદનસીબે કોઇને ઇજા થઇ ન હતી અને નુકશાન પણ થયુ ન હતું.

બપોર સુધી તડકો રહ્યો બાદ મેઘાડંબર છવાતા જૂનાગઢ ઉપરાંત કેશોદ વંથલી,મેંદરડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબકયો હતો.

ભર શિયાળે કારતકમાં માવઠાથી સોરઠનાં ખેડુતોને પડયા પર પાટુ જેવી સ્થિતી થઇ છે.

(11:57 am IST)