Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

ચાર દિવસમાં નુકસાનીનો સર્વે કરો નહીંતર રસ્તા પર ઊતરીશું: હળવદ તાલુકાના સાપકડા ગામના ખેડૂતોની ચીમકી

હળવદ,તા.૧૫: તાલુકાના સાપકડા ગામના ખેડૂતોએ ગઈકાલે હલબદ મામલતદાર કચેરી ખાતે ધસી આવીને પાક નુકસાનીનો યોગ્ય સર્વે કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું અને ચીમકી પણ ઉચ્ચારી છે કે ચાર દિવસમાં યોગ્ય સર્વે કરવામાં નહીં આવે તો ગાંધીજીના માર્ગે આંદોલન શરૂ કરાશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

કમોસમી વરસાદને કારણે ખેડૂતોનું મહામૂલો પાક બળીને ખાખ થઇ ગયો છે ત્યારે ખેડૂતો પાક વિમો મળી રહે તેમજ રાજય સરકાર દ્વારા યોગ્ય સહાય મળે તે માટે માંગ કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે હળવદ તાલુકાના સાપકડા ગામે પાક વીમા ની નુકશાની અંગેનો સર્વે કરવા ટીમ આવી હતી પરંતુ આ સર્વે ખેડૂતોને મંજુર ન હોય જેથી યોગ્ય સર્વે કરવાની માંગ સાથે સર્વે કરવા આવેલી ટીમને ગ્રામ પંચાયત કચેરી ખાતે જ રોકી રાખી સર્વે કામગીરીનો બહિષ્કાર કર્યો હતોજેથી ગુરુવારે સાપકડા ગામના ખેડૂતો દ્વારા હળવદ મામલતદાર કચેરી ખાતે ધસી આવીને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે કમોસમી વરસાદને કારણે પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે જેથી સો ટકા નુકસાનીનો સરવે કરી યોગ્ય વળતર આપવામાં આવે અને જો સર્વે કરવુ હોય તો ખેડૂતોને થયેલ ઉત્પાદનનું સર્વે કરવું જોઈએ તેમ જણાવ્યું હતું. તો સાથે ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે જો દિવસ ચાર માં યોગ્ય સર્વે કરવામાં નહીં આવે નાછૂટકે ખેડૂતો દ્વારા ગાંધીજીના માર્ગે આંદોલન તરફ મળશે.

(11:19 am IST)