Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘ કહેર જારી : ૪ ઇંચ સુધી વરસાદ

ભરશિયાળે વરસાદ ચાલુ રહેતાં ઉભા પાકને નુકસાન : સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાય પંથકમાં કરા સાથે વરસાદ તૂટી પડયો : શ્રેણીબદ્ધ વિસ્તારોમાં વરસાદના પાણી ફરી વળ્યા

અમદાવાદ, તા. ૧૪ : સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે. તો, કચ્છ પંથકમાં પણ આજે મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. સૌરાષ્ટ્ર-કચ્છમાં એકથી ચાર ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. નોંધનીય એ હતું કે, આજે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાય પંથકમાં કરા સાથે વરસાદ તૂટી પડયો હતો. સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં ભરશિયાળે વરસાદ ચાલુ રહેતાં ખેડૂતોના ઉભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયુ હોવાનંુુ સામે આવ્યુ છે, જેને લઇ ખેડૂતોની મુશ્કેલી વધી છે. સૌરાષ્ટ્રના ધોરાજીમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

        બે ઇંચથી વધુ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં કલાણા ગામમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો, તો આટલા ભારે વરસાદથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. ધોરાજી પંથકમાં મગફળી અને કપાસના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. જામનગરના નિકાવા, ખાનકોટડા, બાંગા ટોડા અને બાલભડી ગામે ભારે વરસાદ વચ્ચે કરા પણ પડયા હતા. તો, જૂનાગઢમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદી ઝાપટુ વરસ્યું હતું. ધોરાજીના છત્રાસા ગામે કરા સાથે વરસાદ વરસ્યો હતો. આજે જૂનાગઢમાં બપોર બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદી ઝાપટું વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. આ જ પ્રકારે જામનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. અમરેલી સહિતના પંથકોમાં પણ ચાલુ રહેલવા વરસાદને લઇ પાકને વ્યાપક નુકસાન થયુ હતું. ગોંડલમાં ઝરમર વરસાદ પડ્યો હતો.  તો, દ્વારકાના સલાયા સહિતના પંથકોમાં પણ કરા સાથે ભારે વરસાદ નોંધાયો હતો.

              દરમ્યાન કચ્છમાં ગઇ મોડી રાત્રે ખડીર પંથકમાં શરૂ થયો હતો. જ્યારે આજે ગુરુવારે વિવિધ વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો. લખપતના દયાપર અને માતાના મઢ ખાતે ધોધમાર વરસાદ સાથે કરા પડ્યા હતા. જ્યારે ખાવડા અને આસપાસના વિસ્તારોમાં કરા સાથે બે ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જ્યારે લખપત તાલુકાના કોટડામઢ ગામ પાસે ખેતરમાં કામ કરતા યુવક પર વીજળી પડતા તેનું મોત નીજપ્યું હતું. સવારે ખાવડા, પૈયા, અબડાસાના ડુમરા સહિતના વિસ્તારોમાં કરા પડ્યા હતા. આ વરસાદે ખેડૂતો માટે મુસીબત ઊભી કરી છે. જો કે રાત્રે રાપર અને ગાગોદર સાથે ખડીરમાં પણ વરસાદ પડ્યો હતો. ખાવડામાં વરસાદ બાદ ગ્રામીણ હાથમાં કરાને એકઠા કરતા જોવા મળ્યા હતા.

           જ્યારે ખાવડા વિસ્તારમાં બરફના થર જામ્યા હોવાની તસવીર પણ વાઈરલ થઈ છે. ભુજ અને તેની આસપાસના પંથકોમાં પણ આજે જોરદાર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. બીજી બાજુહળવા વરસાદી ઝાપટા ઉત્તરગુજરાતના બનાસકાંઠામાં અને સૌરાષ્ટ્રના દ્વારકા અને અન્ય વિસ્તારોમાં જારી રહી શકે છે.  હવામાન વિભાગ તરફથી આગામી પાંચ દિવસ માટે ચેતવણી પણ જારી કરવામાં આવી છે જેના ભાગરુપે કચ્છ જિલ્લામાં ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે તોફાની પવન ફુંકાઈ શકે છે.   આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૨.૮ અને લઘુત્તમતાપમાન ૨૧.૬ ડિગ્રી નોંધાયું હતું. ધીમીગતિથી ઠંડીની શરૂઆત થઇ છે.

(9:46 pm IST)