Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

ભૂજમાં ઘાસ ભરેલી પાંચમી રેલ્‍વે રેકનું આગમનઃ કચ્‍છને ૩ કરોડ કીલો ઘાસની ફાળવણી

ભુજ, તા.૧પઃ કચ્‍છ જિલ્લામાં ઘાસના પૂરવઠાને વેગવંતો બનાવવા અત્‍યાર સુધીમાં કુલ ચાર રેલ્‍વે રેક મારફતે ૧૩.૬૭ લાખ કીલો ઘાસ અને ડાંગર પરાળનો જથ્‍થો વલસાડથી કચ્‍છના પશુધન માટે લાવવામાં આવ્‍યો છે, ત્‍યારે ગુરૂવારે પાંચમી રેલ્‍વે રેકથી ઘાસનો જથ્‍થો આવી રહ્યો છે.

જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્‍યા મોહને વધુમાં વિગતો આપતાં જણાવ્‍યું હતું કે, કચ્‍છ માટે છઠ્ઠી રેલ્‍વે રેકમાં ઘાસના લોડીંગની કામગીરી પણ ચાલુમાં છે અને સાતમી રેલ્‍વે રેકની વહીવટી પ્રક્રિયા પણ હાથ ધરાઇ છે, જેથી કચ્‍છ માટે ઘાસ ભરેલી વધુ બે રેલ્‍વે રેક પણ ઝડપભેર ભુજ આવી પહોંચશે. રાજય સરકાર દ્વારા ૩ કરોડ કીલો ઘાસની ફાળવણી સામે ૨.૫૩ કરોડ કીલો ઉપરાંત ઘાસનો જથ્‍થો કચ્‍છ માટે ઉપાડ કરી લેવામાં આવ્‍યો છે.

વધુમાં અછત શાખાના જણાવ્‍યાનુસાર વલસાડ જિલ્લામાંથી અત્‍યાર સુધીમાં રેલ્‍વે રેક અને ટ્રક મારફતે ૩૦.૪૪ લાખ કીલો પરિવહન કરાયો છે. જયારે વલસાડથી ટ્રક મારફતે અત્‍યાર સુધીમાં ૧૬.૭૭ લાખ કીલો ઘાસનો જથ્‍થો કચ્‍છમાં લાવવામાં આવ્‍યો છે.

કચ્‍છની માન્‍ય પાંજરાપોળ અને ગૌશાળાઓને ૩૮.૪૦ લાખ કીલો ઘાસનું વિતરણ કરી દેવામાં આવ્‍યું છે. આ ઉપરાંત ૧લી ઓકટોબર, ૨૦૧૮થી રાજય સરકારના નિર્ણય અનુસાર ઢોરદીઠ રૂ.૨૫/- પ્રતિદિન લેખે સબસીડી પેટે રૂ. ૬.૩૪ કરોડની ગ્રાંટની ફાળવણી કરાતાં કચ્‍છની ગૌશાળા-પાંજરાપોળોને ૬૦ લાખ ઉપરાંતની સબસીડી પણ ચૂકવી લેવામાં આવી છે.

(3:44 pm IST)